પ્રમુખસ્વામી મહારાજ નગર ખાતે પારિવારિક એકતા દિવસની ઉજવણી થઈ, હર્ષ સંઘવીની રહી ઉપસ્થિતિ - At This Time

પ્રમુખસ્વામી મહારાજ નગર ખાતે પારિવારિક એકતા દિવસની ઉજવણી થઈ, હર્ષ સંઘવીની રહી ઉપસ્થિતિ


અમદાવાદના એસ.પી. રિંગ રોડ પર નિર્મિત પ્રમુખ સ્વામી મહારાજ નગર ખાતે પારિવારિક એકતા દિવસની ઉજવણીમાં સહભાગી થતા ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મારા માટે પ્રમુખસ્વામી મહારાજ નગરની મુલાકાત ઐતિહાસિક ક્ષણોના સાક્ષી બનવાનો અવસર છે. તેમણે કહ્યું કે, મારા માટે આ મુલાકાત શ્રદ્ધા અને આસ્થા સાથે જીવનની ખૂબ મોટી શીખ મેળવવાનો અવસર બની ગયો છે.

હર્ષ સંઘવીએ જણાવ્યું કે, અગાઉ બ્રહ્મવિહારી સ્વામીએ આ આયોજનની કલ્પના વિશે ચર્ચા કરી હતી. જે અક્ષરશઃ સાકાર થઈ છે, આ આયોજન  ન ભૂતો ન ભવિષ્યતિ છે. સાથોસાથ આ આયોજન આસ્થા અને વ્યવસ્થાનો સુભગ સમન્વય છે. તેમણે કહ્યું કે, સમર્પણ વિના આ આયોજન શક્ય જ નથી. પ્રમુખસ્વામી મહારાજ નગરની મુલાકાત વિશે જણાવતા તેમણે કહ્યું કે, અહીંયા કીડી

અને સિંહ જેવા પ્રાણીઓ થકી જીવનમાં એકતા અને સાહસનો સંદેશ આપવામાં આવ્યો છે. જે લોકોના વ્યક્તિગત વિકાસમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. હર્ષ સંઘવીએ પોતાની અનુભૂતિ વર્ણવતા ઉમેર્યું હતું કે, અહીં પ્રસ્થાપિત પ્રમુખસ્વામી મહારાજની મૂર્તિના ચારેય તરફથી દર્શન થઈ રહ્યા છે. જાણે બાપા આપણને સહુને આશીર્વાદ
આપી રહ્યા હોય તેવી અનુભૂતિ થાય છે. તેમણે વિદ્યાર્થીઓને અનુરોધ કરતા કહ્યું કે, આ ઉત્સવ મેનેજમેન્ટ સાયન્સના વિદ્યાર્થીઓએ શીખ મેળવવા માટે ઉત્કૃષ્ટ આયોજન છે. તેમણે કહ્યું કે, ગુજરાત કે દેશમાં ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે કે જે પ્રમુખસ્વામી મહારાજના કાર્યોથી અપરિચિત હોય. ગુજરાત સહિત દેશ અને વિદેશના સ્વયં સેવકોનું સમર્પણ પણ ન ભૂતો ન ભવિષ્યતિ છે. તેમની સેવાને કારણે જ સમગ્ર કાર્યક્રમ સરળતાથી ચાલી રહ્યું છે. એમ તેમણે ઉમેર્યું હતું.

આ ઉપરાંત તેમણે હોનારતના સમયમાં બીએપીએસ સંસ્થાએ કરેલા સેવા કાર્યોને પણ હર્ષ સંઘવીએ બિરદાવ્યા હતા. સાથોસાથ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે આયોજિત વ્યસનમુક્તિ અભિયાનમાં જોડાયેલા યુવાનોની પ્રશંસા તેમણે કરી હતી. અંતે તેમણે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ તમામ લોકોને ઉજ્જવળ ભવિષ્યની નવી રાહ ચીંધનારો બની રહેશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી.

આજના સમારોહમાં રાજયકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર, ધારાસભ્ય  મહેશ કસવાલા તેમજ વિવિધ રાજકીય અને સામાજિક નેતાઓ, આધ્યાત્મિક અગ્રણીઓ, કલાશ્રેષ્ઠીઓ સહિત
મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.