ગઢડાના ધારાસભ્ય મહંત શંભુનાથ ટુંડિયાના વરદહસ્તે રિબીન કાપીને ધન્વંતરી આરોગ્ય રથનું કરાયું - At This Time

ગઢડાના ધારાસભ્ય મહંત શંભુનાથ ટુંડિયાના વરદહસ્તે રિબીન કાપીને ધન્વંતરી આરોગ્ય રથનું કરાયું


ધન્વંતરી આરોગ્ય રથ થકી બાંધકામ શ્રમિકોને હવે ઘર આંગણે જ આરોગ્યની શ્રેષ્ઠ સુવિધા ઉપલબ્ધ થશે:ધારાસભ્ય મહંત શંભુનાથ ટુંડિયા
ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા ગઢડા તાલુકાના ૭૬ જેટલાં ગામોના નાગરિકોને આરોગ્યક્ષેત્રે સીધો લાભ મળશે
ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, અમદાવાદ, ગુજરાત સરકાર તરફથી બોટાદ જિલ્લાના ગઢડામાં એક ધન્વંતરી આરોગ્ય રથની ભેટ આપવામાં આવી છે. ત્યારે આજરોજ ગઢડા ધારાસભ્ય મહંત શંભુનાથ ટુંડિયાના વરદહસ્તે રિબીન કાપીને ધન્વંતરી આરોગ્ય રથનું ગઢડા મામલતદાર કચેરી ખાતે લોકાર્પણ કરાયું હતું. આ ધન્વંતરી રથ થકી ગઢડા તાલુકાના ૭૬ જેટલાં ગામોના નાગરિકોને આરોગ્યક્ષેત્રે તેનો સીધો લાભ મળશે.

ગઢડાના ધારાસભ્ય મહંત શંભુનાથ ટુંડિયાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશે અનેકવિધ સિધ્ધિઓ હાંસલ કરી છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જન કલ્યાણકારી યોજનાઓના લાભો છેવાડાના લોકો સુધી પહોંચાડ્યાં છે.
કડિયા, સુથાર, લુહાર, વાયરમેન, કલરકામ કરનાર એવા તમામ બાંધકામ શ્રમિકોને ઘર આંગણે જ આરોગ્યની સુવિધાઓ મળે તેવી કાર્યપ્રણાલી સરકાર ની રહી છે. ત્યારે સરકાર દ્વારા બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના તમામ ગામોના લોકોની જન સુખાકારીમાં વધારો થાય તે માટે ધન્વંતરી આરોગ્ય રથ આપીને આરોગ્યની સેવાઓને વધુ અસરકારક બનાવવા સરકાર કટિબધ્ધ હોવાનું ધારાસભ્ય મહંત શંભુનાથ ટુંડિયાએ ઉમેર્યું હતું.
કાર્યક્રમના પ્રારંભે જિલ્લા શ્રમ અધિકારી ડી.એસ.બલીયાએ સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. તેમજ જિલ્લા પ્રોજેક્ટ મેનેજર આશિયાનાબેન કારીયાણીયાએ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની કચેરી દ્વારા ચાલતી વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ લેવા શ્રમિકોને અપીલ કરી હતી.

કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ગઢડાના ધારાસભ્યએ ધન્વંતરી આરોગ્ય રથમાં ઉપલબ્ધ સુવિધાઓનું જાત નિરીક્ષણ કર્યું હતું. આ વેળાએ ધન્વંતરી આરોગ્ય રથના કૉ.ઓર્ડીનેટર સમીર રાવળે સુવિધાઓથી ધારાસભ્યશ્રીને માહિતગાર કર્યાં હતાં
અત્રે ઉલ્લેખનીય છે કે, ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા ગઢડા તાલુકામાં ચાલતી સાઈટો, કડીયાનાકા, શ્રમિકોની વસાહતો તથા શ્રમિકોના કામના સ્થળે કેમ્પ ગોઠવી શ્રમિકોની શારીરિક તપાસ કરી તાવ, શરદી, ઉધરસ, ઝાડા, ઉલ્ટી, ચામડીનાં રોગો વગેરેની નિઃશુલ્ક પ્રાથમિક સારવાર અને જરૂર જણાય તો સ્થળ ઉપર જ લોહી- પેશાબના રીપોર્ટ નિઃશુલ્ક કરી આપવામાં આવશે.
આ કાર્યક્રમમાં જિલ્લાના અગ્રણી સુરેશ ગોધાણી, ગઢડા મામલતદાર વિશાલ શુક્લા,મનિષ ચૌહાણ, જિલ્લા-તાલુકાના અધિકારીઓ-પદાધિકારીઓ, GVK ના સ્ટાફ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક શ્રમિકો ઉપસ્થિત રહ્યાં હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.