રાજકોટ ખાતે શિક્ષણમંત્રીશ્રીના હસ્તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના "અમૃત ક્લા મહોત્સવ" નો શુભારંભ. - At This Time

રાજકોટ ખાતે શિક્ષણમંત્રીશ્રીના હસ્તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના “અમૃત ક્લા મહોત્સવ” નો શુભારંભ.


રાજકોટ શહેર તા.૨૩/૯/૨૦૨૨ ના રોજ રાજ્યના શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાધાણી એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના "અમૃત કલા મહોત્સવ" ને ખુલ્લો મુકતા જણાવ્યું હતું કે રાજ્યભરની યુનિવર્સિટીના ભવનો એ માત્ર મકાનો નથી, પરંતુ યુવાનોના સપનાઓના આશ્રય સ્થાન છે. આ પ્રસંગે મંત્રીશ્રી વાઘાણીએ રાજ્યભરના ઉચ્ચ શિક્ષણનો ચિતાર આપતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સ્કોલરશીપ અને વિવિધ શોધ અને SSIP જેવા પ્રકલ્પો, શિષ્યવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી રહી છે. તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ યુવાનોના સપનાઓને સમજીને ભગીરથ પુરુષાર્થ કરીને ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણનો પાયો નાખ્યો છે. અને યુનિવર્સિટીની માળખાગત સુવિધાઓનો વિકાસ કરી તેની કાયાપલટ કરી છે. મંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે રાજ્યભરમાં માત્ર ૧૫ હજાર પ્રાઇવેટ સ્કૂલ છે. જ્યારે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ ૪૦ હજાર છે. જેમાંથી તૈયાર થયેલા વિદ્યાર્થીઓ દ્વારા વિશ્વવિદ્યાલયો ધમધમે છે. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે આદરેલા શૈક્ષણિક પ્રવૃત્તિઓની રૂપરેખા રજૂ કરતા મંત્રીશ્રી વાઘાણીએ વિદ્યાર્થીઓને નિરાશાવાદથી દુર રહેવા અને ઉત્સાહભેર અભ્યાસ કરવા પ્રેરણા આપી હતી તથા જ્ઞાનગુરું કવિઝમાં ભાગ લેવા પ્રોત્સાહિત કર્યાં હતા. શિક્ષણમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના "અમૃત ક્લા મહોત્સવ" નો શુભારંભ થયો હતો. તથા મુખ્ય રંગમંચ, સ્પોર્ટ્સ હોસ્ટેલ તથા કોમન સાયન્સ લેબના લોકાર્પણ થયા હતા. આ પ્રસંગે શિક્ષણમંત્રીશ્રીએ વાર્તાકાર કાનજી બારોટ રંગમંચ, ડો.એ.પી.જે. અબ્દુલ કલામ કમ્બાઇન્ડ સાયન્સ લેબ અને રાજવી જામ રણજીસિંહ સ્પોર્ટ્સ હોસ્ટેલનું ઈ-લોકાર્પણ કર્યું હતું. જામનગરની ડી.કે.વી. કોલેજને NAAC A ગ્રેડ મળતા કોલેજના આચાર્યનું શિક્ષણમંત્રીને સન્માન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આ અમૃત કલા મહોત્સવમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન ૬૨ કોલેજોના આશરે ૧૩૫૦ સ્પર્ધકો જુદી-જુદી ૩૬ ઈવેન્ટસમાં ભાગ લેશે. શિક્ષણ મંત્રીશ્રી વાઘાણીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરિસરમાં પી.ડી. માલવીયા કોલેજના NCC ના છાત્રોએ ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. વેદોના ગાન સાથે આમંત્રિતોનું સ્વાગત કરાયા બાદ દિપપ્રાગટ્ય વિધિ સંપન્ન થઈ હતી. આમંત્રિતોનું પુષ્પગુચ્છ, શાલ, ગ્રંથ, સુતરની આંટી તથા સ્મૃતિ ચિન્હથી સ્વાગત કરાયું હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો.ગિરીશ ભીમાણીએ સ્વાગત પ્રવચનમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓનો ચિતાર રજૂ કર્યો હતો. હરીવંદના કોલેજ, સર્વોદય કોલેજના છાત્રોએ આ પ્રસંગે પ્રાચીન રાસ રજૂ કર્યો હતો. આ કાર્યક્રમમા સાંસદશ્રી રામભાઈ મોકરિયા, મેયરશ્રી પ્રદીપ ડવ, શહેર ભાજપ પ્રમુખશ્રી કમલેશ મીરાણી, રજિસ્ટ્રારશ્રી અમિત પારેખ, વિવિધ કાઉન્સિલના સભ્યો, સેનેટના સત્તાધીશો, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવિધ ભવનોના ડીન, પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ, બિન શૈક્ષણિક સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.