નેશનલ હાઇવે ઓથોરીટી લાંચ પ્રકરણમાં આરોપીઓની હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ - At This Time

નેશનલ હાઇવે ઓથોરીટી લાંચ પ્રકરણમાં આરોપીઓની હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ


અમદાવાદ,તા.13 ઓગષ્ટ 2022,શનિવારઅમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઇવેની કામગીરીમાં કંપનીની તરફેણ કરવા માટે નેશનલ હાઇવે ઓથોરીટીના ચીફ જનરલ મેનેજર દિગ્વિજયસિંહ મિશ્રા દ્વારા રુ.દસ લાખની લાંચ લેવાના ચકચારભર્યા કેસમાં આરોપી શિવપાલસીંગ ચૌધરી અને ઝાહીદ હુસૈન વિજાપુર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરાઇ છે. જો કે, સીબીઆઇએ સોગંદનામું રજૂ કરી આરોપીઓને આગોતરા જામીન આપવા સામે પોતાનો વિરોધ રજૂ કર્યો હતો. હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી બે સપ્તાહ બાદ મુકરર કરી છે. સીબીઆઇએ સોંગદનામું કરી આરોપીઓને આગોતરા જામીન આપવા સામે વિરોધ કર્યો આરોપી શિવપાલસીંગ ચૌધરી અને ઝાહીદ હુસૈન વિજાપુરની આગોતરા જામીન અરજીનો વિરોધ કરતાં સીબીઆઇ તરફથી જણાવાયું હતું કે, આરોપીઓ વિરૂધ્ધ ગંભીર પ્રકારનો લાંચ કેસ છે અને ગંભીર ગુનાની તપાસ નાજુક તબક્કામાં છે. સમગ્ર પ્રકરણની તપાસ માટે આરોપીઓની કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન જરૂરી છે. આરોપીઓને સીઆરપીસીની કલમ-૪૧(એ) મુજબની નોટિસ પણ અપાયેલી છે, તેમછતાં તેઓ કેસની તપાસમાં સાથ સહકાર આપતાં નથી. નેશનલ હાઇવે ઓથોરીટીના ચકચારભર્યા લાંચ કેસમાં કુલ સાતથી વધુ આરોપીઓના નામ સામે આવ્યા હતા. જેમાં આરોપી ન્યુ ઇન્ડિયા કોન્ટ્રાકટર્સ એન્ડ ડેવલપર્સ પ્રા.લિ.ના ડેપ્યુટી પ્રોજેકટ મેનેજર  અંકુર મલ્હોત્રા, એમકેસી ઇન્ફ્રાસ્ટ્રકર પ્રા.લિ.ના મેનેજર આર.બી.સીંગ અને અરૂણ બાંભણીયાને સીબીઆઇ કોર્ટે શરતી જામીન આપ્યા હતા જયારે આરોપી ઠાકુરપ્રસાદ સીંગની જામીન અરજી તેમ જ હાલના આરોપીઓ શિવપાલસીંગ ચૌધરી અને ઝાહીદ હુસૈન વિજાપુરની આગોતરા જામીન અરજી ફગાવાઇ હતી. જેને પગલે આરોપીઓ હાઇકોર્ટમાં આવ્યા હતા. આરોપીઓ તરફથી બચાવ કરાયો હતો કે, તેમની આ કેસમાં કોઇ ભૂમિકા નથી કે, કોઇ પ્રથમદર્શનીય કેસ બનતો નથી, તેથી આગોતરા જામીન આપવા જોઇએ. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.