ટાયરમાંથી હવા નીકળી ગઈ છે તેમ કહીં ઉમિયા ચાની ડિલિવરી કરતી રિક્ષામાંથી 90 હજારની રોકડ ચોરાઈ - At This Time

ટાયરમાંથી હવા નીકળી ગઈ છે તેમ કહીં ઉમિયા ચાની ડિલિવરી કરતી રિક્ષામાંથી 90 હજારની રોકડ ચોરાઈ


રાજકોટના કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં ’ટાયરમાંથી હવા નીકળી ગઈ છે’ તેમ કહીં ઉમિયા ચાની ડિલિવરી કરતી રિક્ષામાંથી 90 હજારની રોકડ ચોરાઈ હોવાની ફરિયાદ આજીડેમ પોલીસ મથકે નોંધાઈ છે. સાતીર ટોળકીએ પહેલાં ટાયરમાંથી હવા કાઢી પછી માલની ડિલિવરી કરવા રિક્ષામાં નીકળેલા મવડીના મનહરભાઈ દરજીનું ધ્યાન ભટકાવી વેપારના આવેલા રૂપિયા ભરેલો થેલો લઈ બાઇકમાં ફરાર થઈ ગયા હતા.
મનહરભાઇ વીરજીભાઇ દરજી (ઉ.વ.56)એ ફરિયાદમાં જણાવ્યું કે, હું મવડી પ્લોટના માલવીયા પોલીસ સ્ટેશનની પાછળ ન્યુ માયાણીનગર - 1માં મારા પરિવાર સાથે રહું છું અને મારા ભાઇ સુરેશભાઇ પાસે ઉમીયા ચાની ડિસ્ટ્રીબ્યુટરની એજન્સી મવડીમાં આવેલ છે તેમાં હું ડીલીવરીનું કામ કરૂ છું. ગઈકાલે સવારના પોણા નવેક વાગ્યે હું પીયાગો લોડિંગ રીક્ષા નં. જીજે - 03 - બીએક્સ - 3066 માં ભરી અલગ - અલગ દુકાનોમાં ચા ના પેકિંગની ડીલીવરી કરવા રીક્ષા ચલાવી એકલો નીકળેલ હતો. અને રીક્ષા લઇ ગોડલ રોડ રસુલપરાના ખુણે શીવશક્તિ હોટલ આવેલ છે
ત્યા ગયેલ અને ચા પાણી પી રીક્ષા લઇ પાયડી ગામમાં ગયેલ અને અલગ અલગ દુકાનોમાં ચાની પ્રોડક્ટ આપેલ હતી અને દરેક દુકાનેથી આગલા બીલો બાકી હતા તેના રૂપીયા લઇ મારી પાસેના થેલામાં મુકતો હતો બાદ કલ્પવન એરિયામાં ચાની પ્રોડક્ટ અલગ અલગ દુકાનોમાં આપી કોઠારીયા સોલ્વન્ટ ફાટક થઇ હુસેની ચોક થઈ સરકારી નિશાળની આગળની શેરીમા હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં શ્રીજી પ્રોવિઝન સ્ટોરે આવેલ અને દુકાનના માલીક વિનુભાઇને મળેલ અને ચાની પ્રોડક્ટ આપેલ અને આગલા બાકી બીલના રૂપીયા લઇ થેલામા મુકી હું રીક્ષા પાસે આવ્યો એ વખતે એક અજાણ્યો 25 થી 27 વર્ષનો છોકરાએ મને કહેલ
કે તમારી રીક્ષાના પાછળના વ્હિલમાં હવા નીકળી ગયેલ છે. આમ કહેતા મેં જોયું તો પાછળના વ્હિલમાં હવા ન હતી જેથી મે આશરે 25 થી 30 દુકાનેથી બીલના લિધેલ રૂપિયા આશરે 85000 થી 90 હજાર ભરેલ થેલો મારી રીક્ષાના પાછળના ભાગે દરવાજો ખોલી ચાની પ્રોડક્ટ હતી તેની બાજુમાં મુકી રીક્ષાનો દરવાજો ઠાલો દઇ હું બાજુમા દરજીની દુકાન આવેલ છે ત્યા રીક્ષાનું વ્હિલમાં ખોલવા પાનુ લેવા ગયેલ
અને પાનુ લઇ પાછો આવતો હતો ત્યારે જે છોકરા એ મને હવા નીકળી ગયાનું કહ્યું હતું તે મારી રીક્ષાની પાછળના ભાગે રાખેલ રૂપિયા ભરેલ થેલો રીક્ષામાંથી લઇ ભાગ્યો અને આ વખતે રોડ ઉપર એક જાડીયો માણસ બાઇક લઈ નીકળેલ તેની પાછળ બેસી તે બન્ને ફરાર થઇ ગયા હતા. આ વેપારીની ફરિયાદના આધારે આજીડેમ પોલીસે અજાણ્યાં શખ્સો સામે ગુનો નોંધી પીએસઆઇ એ.સી. સિંધવે વધુ તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.