કવિવિશ્વ” નામના વિવેચનગ્રંથમાં તેના લેખક પ્રસ્તાવનામાં નોંધે છે : ‘વજેસિંહ પારગી જેવો જાગ્રત પ્રૂફરીડર હોય એટલે મારા જેવો લેખક ઓશીકે માથું મૂકીને ઊંઘી શકે.’ ગુજરાતી ગદ્યસાહિત્યમાં નોખો ચીલો ચાતરનાર સ્વામી આનંદના સર્જક વિશેષ સંપાદન - At This Time

કવિવિશ્વ” નામના વિવેચનગ્રંથમાં તેના લેખક પ્રસ્તાવનામાં નોંધે છે : ‘વજેસિંહ પારગી જેવો જાગ્રત પ્રૂફરીડર હોય એટલે મારા જેવો લેખક ઓશીકે માથું મૂકીને ઊંઘી શકે.’ ગુજરાતી ગદ્યસાહિત્યમાં નોખો ચીલો ચાતરનાર સ્વામી આનંદના સર્જક વિશેષ સંપાદન


કવિવિશ્વ” નામના વિવેચનગ્રંથમાં તેના લેખક પ્રસ્તાવનામાં નોંધે છે : ‘વજેસિંહ પારગી જેવો જાગ્રત પ્રૂફરીડર હોય એટલે મારા જેવો લેખક ઓશીકે માથું મૂકીને ઊંઘી શકે.’ ગુજરાતી ગદ્યસાહિત્યમાં નોખો ચીલો ચાતરનાર સ્વામી આનંદના સર્જક વિશેષ સંપાદન “આનંદપુરુષ” માં સંપાદક પ્રસ્તાવનામાં લખે છે : ‘સ્વામી આનંદને આનંદ થાય એ રીતનું પ્રૂફરીડિંગ કરી આપવા માટે વજેસિંહ પારગીનો આભાર.’ પ્રૂફરીડરના કાર્યને બિરદાવતા આ શબ્દો છે ગુજરાતીના સુખ્યાત કવિ-લેખક-વિવેચક અને ઇમેજ પ્રકાશનના સર્વેસર્વા સુરેશ દલાલના!

સુરેશ દલાલે તેમના સંપાદન-ગ્રંથોમાં વજેસિંહ પારગી માટે જે નાનકડી નોંધો કરી છે તેમાં લેશમાત્ર અતિશયોક્તિ નથી. “અભિયાન” સામયિકમાં નવાસવા પત્રકાર તરીકેના મારા એક વર્ષના કાળ દરમિયાન વજેસિંહ પારગી સાથે પરિચય થયો. ભલભલા સંપાદકો, તંત્રીઓ અને લેખકોને કાન પકડાવે તેવી ભાષાકીય સૂઝ અને ગુજરાતી ભાષા પરની પકડ વજેસિંહ પાસે છે. તેમનું ભાષાજ્ઞાન આપણને તેમના પ્રત્યે આદર થાય તેટલું ઊંડું છે. તે માત્ર પ્રૂફરીડિંગ નથી કરતાં પણ પ્રૂફરીડિંગ કરતાં કરતાં સાથે સાથે ભાષાશુદ્ધિ અને કોપીએડિટિંગ પણ કરી જાણે છે. પ્રૂફરીડરએ માત્ર પ્રૂફરીડર જ નથી સબ એડિટર પણ છે એ વાતને તેમણે સાર્થક કરી જાણી છે.

દલિતો અને આદિવાસીઓને તે કંઈ ભાષા આવડતી હશે, તેમના પાસેથી તો કંઈ જ્ઞાનની અપેક્ષાઓ રખાતી હશે?! આ બધા તો અનામતના જોરે સરકારી નોકરીઓમાં જ ચાલે, ખાનગી કંપનીઓમાં તેમનું કામ નહીં! સમાજમાં આવું માનનારો એક વર્ગ આજે પણ મોજૂદ છે. ખાસ તેમના માટે પણ વજેસિંહ પારગીનો પરિચય આપવો અનિવાર્ય છે. ખાનગી કંપનીઓમાં પણ વેતનના પ્રમાણમાં ઉત્તમ કામ કરનારા દલિત-આદિવાસી છે. જે કામને જ્ઞાન સાથે સંબંધ છે તે પ્રકારનું કામ તેઓ કરી રહ્યા છે. વજેસિંહ આવું જ એક ચીંથરે વીંટ્યું રતન છે.

આદિવાસી ભીલ જાતિના ખેતમજૂર દંપતી ચિસકાભાઈ અને ચતુરાબહેનને ખોળે દાહોદની અજુંમન હૈદરી એન્ડ હુસેની ચેરીટેબલ હોસ્પિટલમાં વજેસિંહનો જન્મ થયો. સાચી જન્મતારીખ તો મા-બાપ પણ જાણતાં નથી. 23 એપ્રિલ, 1963ની ખોટી જન્મતારીખથી કામ ચાલે છે. ગામ ઈટાવા, તાલુકો-જિલ્લો દાહોદના વતની વજેસિંહના ભણવાના શ્રીગણેશ પણ અકસ્માતે જ થયા. મોટામિયાં માંગરોળ ખાતે કાકા રૂપાભાઈ પોલીસખાતામાં કોન્સ્ટેબલ હતા. કાકી રૂપાબહેનને ત્યાં ખૂબ એકલું એકલું લાગતું. તેઓ ત્યાં હિજરાતાં હતાં. તેમને સધિયારો રહે તે માટે કાકા રૂપાભાઈ વજેસિંહને ચડ્ડી પહેરાવીને તેમની સાથે લઈ ગયા. મોસાલી પ્રાથમિક શાળાના આચાર્ય સાથે કાકાને પીવાનો સંબંધ. રમતા છોકરાને જોઈ આચાર્યેએ ટકોર કરતાં કહ્યું કે આને નિશાળમાં મોકલ. આમ પીવાના સંબંધો વજેસિંહને મોસાલી પ્રાથમિક શાળામાં તાણી ગયા. અને ભણવાની તક મળી ગઈ. એકથી ચાર ધોરણ સુધી ત્યાં ભણ્યા. હંમેશાં પહેલા નંબરે પાસ થતાં. પણ આ સુખ ઝાઝું ચાલ્યું નહીં. વખત જતાં કાકા પણ થોડોક સમય નોકરીમાં સસ્પેન્ડ રહ્યા. કુટુંબના કઝિયાઓને કારણે કાકા સાથે પણ સંબંધોમાં તિરાડો પડી ગઈ.પરંતુ વજેસિંહે કુટાતાંઅથડાતાં જાતમજૂરી કરીને પણ ભણવાનું તો ચાલુ રાખ્યું.

દાહોદ ભીલ સેવામંડળ સંચાલિત માત્ર બે માસ્તરવાળી નવી હાઇસ્કૂલમા દાખલ થયા. પટાવાળાએ તેમને એબીસીડી શિખવાડેલી તે તેમને બરોબર યાદ છે. 40 વિદ્યાર્થીઓને છ મહિના સુધી ભીલ સેવામંડળની કુમાર આશ્રમ શાળાએ ખોરાક પૂરો પાડેલો. તેમાંના એક વજેસિંહ પણ હતા. છાત્રાલયમાં ઘણીવાર ભૂખ્યા પણ સૂવું પડતું. ગામમાં અનાજ ઉઘરાવવા પણ જવું પડતું. આચાર્ય હિંમતભાઈ ડામોરે ચમત્કારે જ સ્કૂલ ચલાવેલી. વિકટ પરિસ્થિતમાં પણ તેમને સ્કૂલ ચલાવી તે તેમનું ગજું કહેવાય. સાંજ પડે હિંમતભાઈ શીશો દારૂ લેવા પણ મોકલે.

વજેસિંહ કહે છે કે ખરું શિક્ષણ તો એસ. વાય. બી. એ.,થી શરૂ થયું. દાહોદની નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ચંદ્રકાન્ત ટોપીવાલા અને ચંદ્રકાન્ત વ્યાસ જેવા અધ્યાપકો મળ્યા ને ગુજરાતી સાહિત્યમાં રસ પડ્યો. અનુસ્નાતક વર્ષ-1નો અભ્યાસ પૂરો કરી બી.એડ., કરવા ગયો. અધ્યાપકોએ એમ. એ., પૂરું કરવા સમજાવ્યો પરંતુ નબળી આર્થિક સ્થિતને કારણે બી. એડ., પહેલાં પૂરું કરવું ઉચિત માન્યું. ગોધરા એજ્યુકેશન કોલેજમાંથી બી. એડ., કર્યું. મેં અધ્યાપક કે શિક્ષક થવાની લાલચે સ્પર્ધાત્મક પરીક્ષાઓ પણ ન આપી કે બીજી જગ્યાએ નોકરીના પ્રયત્નો પણ ન કર્યાં. ચદ્રકાન્ત ટોપીવાલા તો મારા વિશે કહેતા કે 20 વર્ષની મારી કારકીર્દીમાં પહેલીવાર મને આવો વિદ્યાર્થી મળ્યો છે.

પરંતુ વિચાર્યું તે વાયે જાય અણધાર્યું તે આગળ થાય એવી છે કુદરતની અકળ ગતિ. બિલકુલ, તેની જેમ એક ઝઘડામાં અકસ્માતે વજેસિંહને ગોળી વાગી અને જીવનની દિશા ફંટાઈ ગઈ. ગોળી વાગતાં ગંભીર રીતે ઘવાયા. ઈલાજની અંદર જ જીવનનાં છ સાત વર્ષ નીકળી ગયાં. દવાદારૂએ દેવાદાર કર્યાં પણ જાન બચ્યો. મોઢા પર ગંભીર ઈજાઓ થવાથી વિદ્યાર્થીઓ સમક્ષ સ્પષ્ટ બોલી શકાય તેમ નહોતું તેથી શિક્ષક કે અધ્યાપક થવાના અરમાનોને દફનાવી દીધાં. 14 ઓપરેશન કરાવ્યાં પછી ઈલાજ કરાવવાનું પણ માંડી વાળ્યું.

આજીવિકા માટે શરૂઆતમાં છૂટક મજૂરી કરી. પછી મંજુલાબહેન ત્રિવેદીની ભલામણથી સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક એન્ડ રિસર્ચ સેન્ટરમાં ઇન્વેસ્ટિગેટરની કામચલાઉ નોકરી મળી. આ કારણસર અમદાવાદમાં આવવાનું થયું. થોડોક સમય સ્પિપામાં પણ કામ કર્યું. ત્યારબાદ ભૂતપૂર્વ નાયબ માહિતી નિયામક મનસુખ વાઘેલાની ભલામણથી “સમભાવ” દૈનિકમાં પ્રૂફરીડર તરીકે જોડાયા. મનસુખભાઈએ કહેલું પ્રૂફરીડિંગ આવડે છે તેમ કહી બેસી જવાનું. પ્રૂફરીડિંગની પ્રાથમિક સમજની પુસ્તિકા પણ તેમણે ખરીદી આપેલી. બી. એ., બી. એડ., થયેલાં વજેસિંહને પ્રૂફરીડિંગમાં મહારત હાંસલ કરવામાં વાર ન લાગી. ભાષાને લગતાં પુસ્તકો ખરીદીને તેનો સઘન અભ્યાસ કરતા રહ્યા. પોતે સુધારેલું સાચું છે કે કેમ તેની ખરાઈ કરવા માટે ચંદ્રકાન્ત શેઠ, રતિલાલ સાં. નાયક, મોહનભાઈ પટેલ જેવા ભાષાવિદો સાથે પત્રવ્યવહાર કરતા ગયા. એકલા રતિલાલ સાં. નાયક જોડે જ પચાસેક કરતાં પણ વધારેનો પત્રવ્યવહાર થયો. 1997માં સમભાવ મીડિયા ગ્રૂપમાં પ્રૂફરીડર તરીકે જોડાયેલા વજેસિંહ આજે પણ સિનિયર પ્રૂફરીડર તરીકે કાર્યરત છે.

એક દૈનિક સમાચારપત્રે પ્રૂફરીડરોની ભરતી કરવા માટે પરીક્ષા લીધી. તેમાં તેઓ એ-વન ગ્રેડમાં પાસ થયા પરંતુ તેમને સી-ગ્રેડમાં પાસ થયેલા પ્રૂફરીડર કરતાં પણ ઓછો પગાર ઓફર થયો. ત્યાં પણ વજેસિંહને સૈદ્ધાંતિક વાંધો પડ્યો. તેમણે દલીલ કરી કે મારા કરતાં પણ નીચા મેરિટે પાસ થયેલા પ્રૂફરીડરોને તેમની જાતિના મેરિટને કારણે કે ઓળખાણના આધારે વધારે પગાર મળે અને મને ઓછો? ત્યારે સામેથી દલીલ કરવામાં આવી કે તમે જે સંસ્થામાં જે પગારથી નોકરી કરો છો તેના કરતાં અમે તમને વધારે પગાર આપીએ છીએ. વિચારી જુઓ. ત્યારે વજેસિંહે સ્પષ્ટ કહ્યું કે મને મારી લાયકાત મુજબ વધારે પગાર ન આપો તો કંઈ નહીં પણ બીજા જેટલો પગાર તો મળવો જ જોઈએ. મારા કરતાં નબળા પ્રૂફરીડરોનો મારી કરતાં વધારે પગાર હોય તે મારી આવડતનું અપમાન છે. હું આ નોકરી કદાપી ન સ્વીકારું. ને નોકરી જતી કરી.

કેટલાંક ભણેલાગણેલા દલિત આદિવાસીઓ ખાનગી કંપનીઓમાં જેને આપણે વ્હાઇટ કોલર જોબ કહીએ છીએ તે ન મેળવી શકવાનું કારણ અથવા તો તે ક્ષેત્રમાં હોવા છતાં આગળ ન વધી શકવાનું કારણ અથવા તો ત્યાં નોકરી ટકાવી ન શકવાનું કારણ દલિતો અને આદિવાસીઓને નડતી કોન્ટેકની ગરીબાઈ છે અથવા તો સાહેબ તરીકે બિરાજેલ માણસની કે માલિકની સદીઓ જૂની માનસિકતા પણ મોટું કારણ છે. આ કડવી પણ વાસ્તવિકતા છે. પરિણામે મુખ્ય પ્રવાહના મીડિયામાં જવલ્લે જ કોઈ દલિત આદિવાસી જોવા મળે છે.

પ્રૂફરીડિંગના વ્યવસાયની હાલત પણ દલિત આદિવાસી જેવી થઈ છે. પ્રૂફરીડિંગના વ્યવસાયને ગંભીરતાથી લેવામાં જ આવ્યો નથી. તેમાં પણ કોઈ દલિત આદિવાસી આ વ્યવસાયમાં આવી પડે તો તેની શી વલે થાય! ધોરણસરની તાલીમ વિના આવી ચડેલા ને પોતાને ભાષા-નિષ્ણાત ગણાવતા અને સરસ્વતીના કૃપાપાત્ર ગણાવનારા સાથે પ્રૂફરીડિંગમાં પનારો પાડવાનું થાય તો કેટલા વીસે સો થતા હશે એ તો આવા માહોલમાં કામ કર્યું હોય એ જ જાણે! છતાં આ બધી વિષમતાઓ વચ્ચે પણ વજેસિંહે આકરી મહેનત કરી પ્રૂફરિડિંગમાં પોતાની ક્ષમતા જ નહીં શ્રેષ્ઠતા પુરવાર કરી.

ગુજરાતીમાં પ્રૂફરીડિંગનો ખયાલ પૂરતો વિકસ્યો નથી. ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં એક આખો ખંડ પ્રૂફરીડરોના નામે છે. જેમાં જે તે વિષયોના તજ્જ્ઞો અને ભાષાના જાણતલોએ પ્રૂફરીડિંગ કર્યું હોય એમના નામની તક્તીઓ મુકાયેલી છે. એક કાળે ગુજરાતીમાં પણ પુસ્તકોનું પ્રૂફરીડિંગ રતિલાલ સાં. નાયક, ચંદ્રકાંત શેઠ જેવા ભાષાવિદો કરતા હતા. પત્રકારો માટે રચાયેલાં જુદાં જુદાં પંચોમાં પણ પ્રૂફરીડરને સબ એડિટરની કક્ષામાં વર્ગીકૃત કરવામાં આવ્યો છે; અલબત્ત, તેનો વાસ્તવિક અમલ થયો નથી એ કમનસીબી છે.

વજેસિંહ પારગી ગુજરાતી ભાષા અને પ્રૂફરીડિંગના વ્યવસાય વિશે જણાવે છે, ’છાપાંઓમાં તો ઠીક મારા ભાઈ, ‘શું શાં પૈસા ચાર’ જેવી ભાષાથી ચાલી જાય! લખતાંવાંચતાં આવડે તે પ્રૂફરીડિંગ કરી શકે તેવો ખોટો ખ્યાલ પ્રવર્તે છે. એટલે ‘સૂંઠના ગાંગડે ગાંધી’ પણ ઘણાખરા બની બેઠા છે. બેપાંચ નિશાનીઓ કે પાંચપચીસ જોડણી આવડવી એ કંઈ પ્રૂફરીડરની લાયકાત નથી. પ્રૂફરીડર પાસે ભાષાનું તલસ્પર્શી જ્ઞાન હોવું જરૂરી છે. ઉપરાંત બગલા જેવી એકાગ્રતા પણ જોઈએ. વર્તમાનપત્રોએ પ્રૂફરીડરને પામર બનાવી દીધો છે. પ્રૂફરીડરને કોઈ લેખાંમાં લેતું નથી, પણ જ્યારે કોઈ ભૂલ છપાય ત્યારે દોષ કોઈનો પણ હોય એ ભૂલ પ્રૂફરીડરના માથે ઢોળી દેવામાં આવે છે. એક ખોટો ખયાલ એવો પણ પ્રવર્તે છે કે પ્રૂફરીડર પાસે જ્ઞાન, સજ્જતા અને સર્જનાત્મકતા નથી હોતી. જોકે આવા અલેલટપુ પ્રૂફરીડરોનો પણ દુકાળ નથી છતાં સાહિત્યનું નોબેલ પ્રાઇઝ જીતનાર યહૂદી અમિચાઈ વ્યવસાયે છાપાનો પ્રૂફરીડર હતો. એની જાણ પ્રૂફરીડરને પામર માનનારા કેટલા પાસે છે?! કેટલાંક પત્રકારો, સંપાદકો, તંત્રીઓ અને લેખકોને સાચો શબ્દ કહીએ ને સાર્થ જોડણીકોશ પણ બતાવીએ તોપણ એમના અજ્ઞાનને છાવરવા કે અહંને પોષવા કોશ તો ખોટો છે એવું કહેનારાઓના અનુભવ પણ મને થયા છે.’

‘ગુજરાતીમાં સારા પ્રૂફરીડરો ના મળવાનાં કારણોમાં એક કારણ એ પણ છે કે પ્રૂફરીડરને યોગ્ય વળતર મળતું નથી. દલપતરામની કવિતામાં થોડો ફેરફાર કરીને કહીએ તો પ્રૂફરીડર એ ગુજરાતી વાણીરાણીનો વકીલ છે. એને યોગ્ય પ્રતિષ્ડતા ને પૈસા મળવાં જ જોઈએ. પ્રૂફરીડર લુપ્ત થતી જાતિ છે. એના લુપ્ત થવામાં નુકસાન ગુજરાતી ભાષાને જ છે. જોકે ગુજરાતી ભાષા ઘણી સમૃદ્ધ છે પણ ગુજરાતી ભાષકોમાં દૈવત નથી. ગુજરાતી હજી એના પરમ કૌવત સાથે ખેડાઈ નથી. ગાંધીજીએ નબળા અનુવાદ અને મુદ્રણદોષવાળું પુસ્તક નરહરિભાઈ પાસે સળગાવી નંખાવ્યું હતું. આટલી ચોકસાઈ ને ગુણવત્તા જાળવવાની ખેવના હશે તો જ માતૃભાષાનું ગૌરવ થશે!’

નવજીવનના ટસ્ટ્રી જિતેન્દ્ર દેસાઈના શબ્દોમાં કહીએ તો પ્રૂફરીડરો જન્મે છે પેદા કરી શકાતા નથી. આ અર્થમાં પ્રૂફરીડર પણ સર્જક છે. સર્જનમાં પણ 1 ટકો પ્રતિભા અને 99 ટકા તો મહાવરાની જ જરૂર પડે છે. પ્રૂફરીડરને પોંખવાનો ને પ્રતિષ્ડિત કરવાનો સમય આવી ગયો છે. ગુજરાતી પ્રિન્ટ મીડિયા અને પબ્લિકેશનોએ હવે જાગવામાં વિલંબ કરવો ન જોઈએ.

આટલી ભાષાસજ્જતા છે તો તમારો ઉપયોગ સંપાદનક્ષેત્રે થવો જોઈએ એવો પ્રશ્ન એકવાર મેં વજેસિંહને કર્યો હતો ત્યારે વજેસિંહે મ્લાનમાં હસતાં જણાવ્યું કે એના માટે મારે પારગીમાંથી પંડયા કે પાઠક થવું પડે! જે મારા હાથની વાત નથી!

અંતે, “કવિવિશ્વ”. નામના વિવેચનગ્રંથમાં તેના લેખક સુરેશ દલાલ વજેસિંહને જાગ્રત પ્રૂફરીડર તરીકે બિરદાવે છે પણ આ પ્રૂફરીડર કવિ પણ છે તે પણ જાણીએ. ગુજરાતી ભાષાના પ્રતિષ્ઠિત સાહિત્યિક સામયિકોમાં વજેસિંહની કવિતાઓ છપાઈ ચૂકી છે. વજેસિંહ ઓછું પણ ઉત્તમ લખવામાં માને છે. આવો માણીએ તેમની એકાદ બે રચનાઓ....

સપનાં કમળનાં દઈને વધુ ના સતાવ રે,
છે આંખ મારી જન્મથી સૂકું તળાવ રે.

છૂટી ગયાં સગપણ પછી ઘરનો લગાવ શું?
વણજાર છૂટી ને રહ્યો સૂનો પડાવ રે.

ના હાથ મારે બાગ ના હૈયે વસંત છે,
તું ના હવે મારી કને ગજરો મગાવ રે.

હસવું પડે તો હસ અને રડવું પડે તો રડ,
કરવું પડે તે કર નથી બીજો બચાવ રે.

મરજી જણાવી કોઈને હું શું કરું ભલા?
મરજી મુજબ બનતો નથી એકે બનાવ રે.

“શબ્દસૃષ્ટિ” માર્ચ, 2007

અંધાર મારા ઓરડે તારા વગર,
સૂરજ મને ના પરવડે તારા વગર.

છે સૂર રેલાવી જવાના કોડ પણ
ક્યાં તાર છે મુજ તૂમડે તારા વગર.

જગની બધી દોલત છતાં નાદાર છું,
છે ખાધ મારા ચોપડે તારા વગર.

ના રક્ત દોડે ના હૃદય ધબકે હવે,
આ જીવને ખાલી ચડે તારા વગર.

તારી લગન તારું રટણ તારો વિરહ,
તારું બધુંયે સાંપડે તારા વગર.


9662147186
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.