પંચમહાલ જિલ્લા સંકલન સમિતિ ભાગ-૧ અને ૨ ની બેઠક જિલ્લા કલેક્ટરશ્રી સુજલ મયાત્રાના અધ્યક્ષસ્થાને યોજાઇ - At This Time

પંચમહાલ જિલ્લા સંકલન સમિતિ ભાગ-૧ અને ૨ ની બેઠક જિલ્લા કલેક્ટરશ્રી સુજલ મયાત્રાના અધ્યક્ષસ્થાને યોજાઇ


જનપ્રતિનિધિશ્રીઓના પ્રશ્નો પરત્વે વિશેષ લક્ષ કેન્દ્રિત કરી, સમય મર્યાદામાં તે પ્રશ્નોનો નિકાલ લાવવા ઉપસ્થિત અધિકારીશ્રીઓને તાકીદ કરતાઃ જિલ્લા કલેક્ટરશ્રી

પંચમહાલ જિલ્લા સંકલન સમિતિની ભાગ ૧ અને ૨ ની બેઠક જિલ્લા કલેક્ટરશ્રી સુજલ મયાત્રાના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન, કલેક્ટરશ્રી કચેરીના સભાખંડમાં યોજાઇ હતી. આ બેઠકમાં કલેક્ટરશ્રીએ જનસુખાકારીના વિકાસના કામોને અગ્રતા આપી નિયત અવધિમાં પૂર્ણ કરી લોકોની આકાંક્ષાઓ અને અપેક્ષાઓ પરિપૂર્ણ કરવી એ આપણું કર્તવ્ય છે. જેથી જનહિતને લગતા વીજળી, રસ્તા, પીવાના પાણી, સિંચાઈ, આરોગ્ય તેમજ શિક્ષણ વગેરે પ્રશ્નોને સમયમર્યાદામાં પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહી પોતાના વિભાગ દ્વારા અપાયેલા લક્ષ્યાંક અને સિદ્ધિઓ અંગે કરેલ કાર્યને રજુ કર્યું હતું.
આ સાથે પ્રેઝન્ટેશનમાં વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલ કામગીરી અંગેની આંકડાકીય વિગતો રજુ કરવામાં આવી હતી આ પ્રેઝન્ટેશન નિહાળ્યા બાદ તેઓએ બાકી કામોના લક્ષ્યાંકો ઝડપી અને સમયસર પૂર્ણ કરી પત્રકો નિયમિત મોકલી તેની ડેટા એન્ટ્રી કરાવી લેવા જણાવ્યું હતું. વધુમાં અરજદારની પડતર અરજીઓ, નાગરીક અધિકારપત્રની અરજીના નિકાલ, કચેરીની તપાસણી, બાકી સરકારી લેણાંની વસૂલાતની ઝુંબેશ, સરકારી કર્મચારીના બાકી પેન્શન કેશ વગેરે બાબતો અંગેની સમીક્ષા કરી સંબધિતોને જરૂરી સુચનો કર્યા હતા.
જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં હાલોલ ધારાસભ્યશ્રી જયદ્રથસિંહ પરમાર દ્રારા રજૂ થયેલાં આરટીઆઈ અંતર્ગત એડમિશન, વિજળીને લગતા પ્રશ્નો, એપીએમસીના હિત અંગે નિર્ણયો, નલ સે જલ યોજનાના લાભ બાબતે, પેન્શનને લગતા પ્રશ્નો, બેંકને લગતા પ્રશ્નો, વરસાદી પાણી નિકાલ, કંપનીમાં નોકરી કરતા કામદારો, જમીન માપણી અને શિક્ષણ વિભાગના પ્રશ્નોની સમીક્ષા કરતાં કલેક્ટરશ્રી દ્વારા જનપ્રતિનિધિઓના પ્રશ્નો પરત્વે વિશેષ લક્ષ કેન્દ્રિત કરી, સમય મર્યાદામાં તે પ્રશ્નોનો નિકાલ લાવવા ઉપસ્થિત અધિકારીશ્રીઓને તાકીદ કરી હતી.
આ બેઠકમાં જિલ્લા પ્રમુખ કુ.કામિનીબેન સોલંકી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્જુનસિંહ રાઠોડ, જિલ્લા પોલીસ વડાશ્રી હિમાંશું સોલંકી, અધિક નિવાસી કલેકટરશ્રી એમ.ડી.ચુડાસમા તથા જિલ્લાના વિવિધ અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.