જૂની પાદરડી પ્રા.શાળા ખાતે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી વિવિધ કાર્યક્રમો સાથે રીતે કરાઈ… - At This Time

જૂની પાદરડી પ્રા.શાળા ખાતે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી વિવિધ કાર્યક્રમો સાથે રીતે કરાઈ…


જૂની પાદરડી પ્રા.શાળા ખાતે આજ રોજ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી વિવિધ કાર્યક્રમો રાખીને કરવામાં આવી હતી. સવારે ૯.૦૦ કલાકથી અમદાવાદ ખાતે યોજાયેલ રાજ્યકક્ષાનો કાર્યક્રમ બાયસેગ તેમજ યુટ્યુબના માધ્યમથી શાળા પરિવાર દ્વારા નિહાળવામાં આવ્યો હતો. જેમાં હાથીની અંબાડી ઉપર ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ પુસ્તકો અને ગ્રંથોની શોભાયાત્રા ૨ કિલોમીટર સુધી કાઢવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રસિદ્ધ કવિ અને લેખકોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. ગુજરાતી ભજન, ગીત, ફટાણા, ઊર્મિગીતો, લોકગીતોની શિક્ષકોની સંગીત ટીમો દ્વારા સામ-સામે રજૂઆત કરવામાં આવી હતી. 
      ડૉ.કલ્પેશ આર.પરમારે જણાવ્યું હતું કે, જૂની પાદરડી પ્રા.શાળામાં ગુજરાતી ભાષાનું પ્રસિદ્ધ ગીત જય સોમનાથ, જય દ્વારકેશની વેશભૂષા સાથે પ્રસ્તૃતિ તેમજ વિશ્વ માતૃભાષા દિવસની થીમ પર રંગોળી તથા “મારી ભાષા મારૂં ગૌરવ’’ વિષય પર બાળકો અને શિક્ષકો દ્વારા સૂત્રો, સ્થાનિક લગ્ન ગીતો, ફટાણા, લોકગીતો, ચિત્ર સ્પર્ધા, ગુજરાતી સર્જકોનો સચિત્ર જીવન કવન પરિચય, ગુજરાતી સર્જકોના પુસ્તકોનું પ્રદર્શન, ગુજરાતી ઉત્તમ કાવ્ય પંક્તિઓ, વાર્તા અભિવ્યક્તિ તેમજ વકતૃત્વ સ્પર્ધાઓની પ્રસ્તુતિ કરાઈ હતી. 
પ્રસિદ્ધ કાવ્ય પંક્તિઓ -
"સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી,
મળી માતૃભાષા મને ગુજરાતી." - ઉમાશંકર જોશી,
"મને ફાકડું અંગ્રેજી ન આવડવાનો અફસોસ નથી,
પણ મને કડકડાટ ગુજરાતી આવડવાનો ગર્વ છે."
- કવિ નર્મદ,
"હું ગુજરાતી છું ને મારી ભાષા છે ગુજરાતી, 
ગુણિયલ ગરવી ભાવે રુડી શબ્દોથી છલકાતી." - રવજી ગાબાણી,
"હું એવો ગુજરાતી.
જેની હું ગુજરાતી
એ જ વિચારે
ગજ ગજ ફુલે છાતી." - કવિ વિનોદ જોશી
વગેરે વિશે ચર્ચા કર્યા પછી વધુમાં માતૃભાષાનો અર્થ ? ૨૧ ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કેમ ? અને ગુજરાતી ભાષા સામેના પડકારો ? નવેમ્બર ૧૯૯૯ માં યુનેસ્કોએ વૈશ્વિક સ્તરે માતૃભાષા દિવસ ઉજવવાનું નક્કી કર્યું હતું. આ પછી ૨૦૦૦ થી દર વર્ષે ૨૧ મી ફેબ્રુઆરીએ માતૃભાષા દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી. વિશ્વ માતૃભાષા દિવસ પાછળનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન આપવું તથા બહુભાષાવાદને પ્રોત્સાહન આપવું. તેમજ દુનિયાભરના દેશોમાં માતૃભાષાનું જતન કરવા માટે વિશ્વ કક્ષાએ દર વર્ષે ૨૧ મી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. શાળા કક્ષાએ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઈનામ આપવામાં આવ્યા હતા. વિશ્વ માતૃભાષા દિવસ ઉજવણીમાં શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ઉત્સાહ પૂર્વક જોડાયા હતા. આચાર્ય સુશીલાબેન કે.પટેલ દ્વારા સૌને માતૃભાષા દિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. કાર્યક્રમનું સમગ્ર સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.