વિશ્વ મેલેરિયા દિવસ અંતર્ગત વેરાવળ ચોપાટીથી સિવિલ હોસ્પિટલ સુધી "સાયકલ રેલી" યોજાઈ - At This Time

વિશ્વ મેલેરિયા દિવસ અંતર્ગત વેરાવળ ચોપાટીથી સિવિલ હોસ્પિટલ સુધી “સાયકલ રેલી” યોજાઈ


વિશ્વ મેલેરિયા દિવસ અંતર્ગત વેરાવળ ચોપાટીથી સિવિલ હોસ્પિટલ સુધી "સાયકલ રેલી" યોજાઈ
--------------
કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા પોલીસ વડાશ્રી સહિતના જિલ્લાના વરિષ્ડ અધિકારીઓશ્રીઓએ સાયકલ સવારી સાથે મેલેરિયા જાગૃતિ સાથે મતદાન જાગૃતિનો સંદેશો આપ્યો
--------------
ગીર-સોમનાથ,તા.૨૫: આજે વિશ્વ મેલેરિયા દિવસ છે. આ દિવસને અનુલક્ષીને દેશમાં મેલેરિયા વિશે જાગૃતિ ફેલાવવા માટે અનેક જનજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવે છે. તેને અનુલક્ષીને આજે વેરાવળ ચોપાટી થી લઇને સિવિલ હોસ્પિટલને આવરી લેતી એક સાયકલ રેલીનું આયોજન કલેકટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું.

આ રેલીમાં કલેક્ટરશ્રી સાથે જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસ વડા શ્રી મનોરહરસિહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર શ્રી રાજેશ આલ સહિતના જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા.

વિશ્વમાં ખાસ કરીને ભારતમાં મેલેરિયાનો ઉપદ્વવ વધુ હોય છે. જેના કારણે બિમારી પણ ફેલાય છે. આ બધા વિશે લોકોમાં જાગૃતિ આવે તે માટે મેલેરિયા જાગૃતિ વિશેના બેનર સાથેની આ સાયકલ રેલી વેરાવળ ચોપાટી થી લઇને ટાવર ચોક અને ટાવર ચોક થી સિવિલ હોસ્પિટલ સુધી પહોંચી હતી.

"વધુ સમાન વિશ્વ માટે મેલેરિયા સામેની લડાઈને વધુ વેગ આપીએ”ની થીમ પર વિશ્વ મલેરિયા દિવસની ઉજવણી અંતર્ગત નાગરિકો સ્વચ્છતા જાળવે અને મલેરિયા રોગ નાબૂદી માટેની જાગૃતિ કેળવાય તેમજ નાગરિકો બહોળી સંખ્યામાં મતદાત કરે તેવા આશય સાથે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

દેશના નાગરિકોના સારા સ્વાસ્થ્ય માટે મલેરિયાના રોગને અટકાવવો જરૂરી છે. તેવી જ રીતે સ્વસ્થ લોકશાહીને ધબકતી રાખવા માટે દેશના પ્રત્યેક નાગરિકોએ મતદાન કરવું જરૂરી છે, તેવાં જાગૃતિના સંદેશ આપતાં પોસ્ટરો સાથે "સાયકલ રેલી" ચોપાટી મેદાન, ટાવર ચોક, બસ સ્ટેશન, સિવિલ હોસ્પિટલ સહિતના વિસ્તારોમાં ફરી હતી.

આ રેલીમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શ્રી અરુણ રોય, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી એન.બી.મોદી, પ્રાંત અધિકારી શ્રી વિનોદ જોષી, ડેપ્યુટી કલેક્ટર-૧ શ્રી ભૂમિકાબેન વાટલીયા સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયાં હતાં.
----------
મેલેરિયાને વધતો અટકાવવા માટે શું કરવું જોઇએ...
-----------
મેલેરિયા થતો અટકાવવા માટે ઘર અને તેની આસપાસ મચ્છરોના ઉપદ્રવને થતો અટકાવવો જોઇએ. મચ્છરજાળી, મોસ્કિટો ક્રિમ, કિટાણુનાશક દવાનો છંટકાવ જેવાં કારગત ઉપાયો કરી મચ્છરોની વૃદ્ધિ રોકાય તે માટેની તકેદારી રાખવી જરૂરી છે.

આ ઉપરાંત, ઘરમાં કે તેની આસપાસ પાણીનો ભરાવો ન થવા દેવો, ભેજમુક્ત વાતાવરણ રાખવું, આખી બાંયના વસ્ત્રો અને અસ્તરવાળા વસ્ત્રો પહેરવા જોઈએ.

આ માટે સજાગ રહી મેલેરિયામુક્ત ઘર અને પરિવાર માટે અગમચેતી ખૂબ જરૂરી છે. ઘરમાં સ્વચ્છતા, ચોખ્ખઈ, પૂરતો સૂર્ય પ્રકાશ, ભેજરહિત વાતાવરણ હોવું જરૂરી છે. ઘરમાં અને ઘરની આસપાસ બીનજરૂરી સામાનનો ભરાવો ન થવા દેવો, પાણી ન ભરાવા દેવું, મચ્છરો પેદા ન થાય તેનું ધ્યાન રાખવું. આ સાથે ઘરના તમામ સભ્યોની રોગપ્રતિકારકક્ષમતા વધે તે માટે યોગ્ય આહાર-વિહાર લેવો જોઇએ.

આ સહિતની બાબતોને અનુસરીને આપણે મેલેરિયાને ઉગતો જ ડામી શકીએ છીએ. એક સમયે બહુ ચેપી ગણાતો આ રોગ જો કે નવા-નવા સંશાધનો તથા ઉપચારોની શોધથી ઘણાં અંશે રોકી શકાયો છે. છતાં, દૂર્ઘટનાથી દેરી ભલી ના ન્યાયે તે થાય જ નહીં તે માટેના ઉપચારાત્મક પગલા લેવા તે આપણા હાથમાં છે.
000 000 000


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.