વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ યોજનાકીય લાભોને સેચ્યુરેશન પોઇન્ટ સુધી પહોંચાડવાના પ્રયાસો હાથ ધર્યા છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ - At This Time

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ યોજનાકીય લાભોને સેચ્યુરેશન પોઇન્ટ સુધી પહોંચાડવાના પ્રયાસો હાથ ધર્યા છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ


વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસે અમદાવાદ શહેર ખાતે યોજાયેલ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોનાં સ્વ- સહાય જૂથોને ચેક વિતરણના રાજ્યકક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, નરેન્દ્રભાઇએ યોજનાકીય લાભોને સેચ્યુરેશન પોઇન્ટ એટલે કે 100 ટકા લાભાર્થીઓ સુધી પહોંચાડવાના ભગીરથ પ્રયાસો હાથ ધર્યા છે.
મુખ્યમંત્રી એ ઉમેર્યું કે, અગાઉની સરકારમાં જૂજ લોકો સુધી જ યોજનાકીય લાભો પહોંચતા હતા. જ્યારે નરેન્દ્રભાઇના નેતૃત્વમાં આયુષ્માન કાર્ડ, વૃદ્ધા પેન્શન, વિધવા સહાય જેવા અનેકવિધ યોજનાકીય લાભો ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મારફતે તેમજ વિવિધ માધ્યમોની મદદથી ઘરે ઘરે પહોંચતા થયા છે.

અમદાવાદ શહેરમાં યોજાયેલ રાજ્યકક્ષાના આ કાર્યક્રમમાં મહિલા સશક્તિકરણની દિશામાં આગેકદમ કરીને રાજ્યના 22 હજાર ગ્રામીણ અને શહેરી સ્વસહાય જૂથોની 2.20 લાખ જેટલી મહિલાઓને રૂ. 300 કરોડની રકમના લાભો આપવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, ગુજરાતની જનતાએ અમારી સરકારમાં વિશ્વાસ મૂક્યો છે.નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ડબલ એન્જિનની સરકારે સર્વાંગીણ વિકાસ કરીને આ વિશ્વાસનું વળતર ચૂકવ્યું છે.આજે રાજ્યના દરેક વર્ગ, સમુદાયને વિકાસના મુખ્યપ્રવાહમાં જોડ્યા છે. જેના પરિણામે આજે ગુજરાત સમગ્ર દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે. વિકાસના દરેક ક્ષેત્રમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરીને ગુજરાત દેશના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા અદા કરી રહ્યું છે.

પ્રતીકરૂપે 8 મહિલા સ્વસહાય જૂથોને મુખ્યમંત્રી શ્રીએ નાણાકીય લાભ અર્પણ કર્યા બાદ સંવેદનાપૂર્વક જણાવ્યું કે, પારિવારિક મુશકેલીના સમયમાં મહિલાઓની નાની નાની બચત મહત્ત્વનો ભાગ ભજવે છે. મહિલાઓની નાણાકીય બચતોની આદત પરિવારની મુશકેલીમાં હંમેશાં મદદરૂપ બને છે.

વડાપ્રધાન દેશની દીકરીઓ વધુમાં વધુ ઉચ્ચ શિક્ષણ મેળવે તે માટે બેટી બચાવો,બેટી પઢાવો અભિયાન શરૂ કર્યું. તેઓ ગુજરાતમાં હતા ત્યારે શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરી હતી, જેના પરિણામે આજે રાજ્યમાં સ્કૂલ ડ્રોપ આઉટ રેશિયો નહિવત બન્યો છે.

નરેન્દ્રભાઇના નેતૃત્વમાં ડબલ એન્જિનની સરકાર દ્વારા નારીશક્તિને પગભર બનાવવા, સશક્ત બનાવવા અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ગુજરાતની મહિલાઓને સ્વનિર્ભર બનીને આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતના સંકલ્પને સિદ્ધ કરવામાં મદદરૂપ બનવા મુખ્યમંત્રી એ અનુરોધ કર્યો હતો.

વિશ્વાસથી વિકાસ યાત્રાના કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ શહેરમાં વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતુ.

જેના અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂર્વ ઝોનના વસ્ત્રાલ વોર્ડમાં અંદાજિત રૂ. 43 કરોડના ખર્ચે નવનિર્મિત ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ઓડીટોરીયમનું લોકાર્પણ, થલતેજ વિસ્તારમાં અંદાજિત રૂ. 7 કરોડના ખર્ચે પી.પી.પી. ઘોરણે નિર્માણ પામનાર કમ્યુનીટી હેલ્થ સેન્ટરનું ઇ-ખાતમુહૂર્ત અને ખોખરા વિસ્તારની મેડિકલ કૉલેજનું નરેન્દ્રભાઇ મોદી મેડિકલ કૉલેજ તરીકે મુખ્યમંત્રી ના હસ્તે નામાભિધાન કરવામાં આવ્યું હતુ.

રાજ્યકક્ષાના આ કાર્યક્રમમાં અમદાવાદ શહેરના સાંસદ સર્વ કિરીટભાઇ સોલંકી, હસમુખભાઇ પટેલ, અમદાવાદ શહેર મેયર કિરિટભાઇ પરમાર, વટવા વિધાનસભાના ઘારાસભ્ય અને પૂર્વ ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, ધારાસભ્ય સુરેશભાઇ પટેલ, ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન હિતેશ બારોટ, મુખ્ય સચિવ પંકજ કુમાર, ગ્રામીણ વિકાસ વિભાગના અગ્ર સચિવ સોનલ મિશ્રા, અમ.મ્યુ.કોર્પોના કમિશ્નર લોચન સેહરા સહિત મોટી સંખ્યામાં રાજ્યમાંથી આવેલ સ્વ સહાય જૂથોની બહેનો ઉપસ્થિત રહી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.