રાજકોટના સર્વેશ્વર ચોકમાં પટોળાની દુકાનમાંથી 75 લાખની ચોરી - At This Time

રાજકોટના સર્વેશ્વર ચોકમાં પટોળાની દુકાનમાંથી 75 લાખની ચોરી


રાજકોટના હાર્દ સમા યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર ચોકમાં આવેલી વી.જે.સન્સ પટોળા નામની દુકાનમાં આજે વહેલી સવારે ચોરી થઈ હોવાની માહિતી મળતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા હતા.ત્યાં દુકાન માલીકને બોલાવી દુકાનમાં તપાસ કરાવતા અંદાજીત 75 લાખની રકમના પટોળાના પાંચ થેલા ગાયબ હતા અને કાચ પણ તૂટેલી હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગે એ ડિવિઝન પોલીસ,ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી સહિતના સ્ટાફે બનાવના ફુટેઝ તપાસી ઓળખ મેળવવા તજવીજ શરૂ કરી છે. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર,યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર ચોકમાં આવેલી વી.જે.સન્સ પટોળા નામની દુકાનમાંથી રૂ.75 લાખના પટોળાની ચોરી થઈ હોવાનું માલુમ પડતા ડીસીપી ઝોન.2 સુધીરકુમાર દેસાઈ,એસીપી જે.એસ.ગેડમ,એ ડિવિઝન પીઆઇ સી.જી.જોશી,એસઓજી પીએસઆઈ ધર્મેશભાઈ ખેર અને ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ તેમજ ડોગ સ્કોવડ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.દુકાનમાં રહેલા મોંઘી કિંમતના પટોળાના પાંચ થેલા દુકાનમાં જોવા મળ્યા નહોતા.
બનાવ અંગેની જાણ થતાં વી.જે.સન્સ પટોળાના માલીક વિપુલભાઈ જીવરાજભાઈ વાઢેર(ઉ.વ.42)(રહે.રામકૃષ્ણ વેસ્ટ,વિરાણી સ્કૂલની પાછળ)ઘટનાસ્થળે દોડી આવ્યા હતા તેઓએ જણાવ્યું હતું કે,હું આ દુકાન સર્વેસર ચોકમાં ધરાવું છું.તેમજ ત્યાં અમારો સિક્યુરિટી મેન બહાદુરભાઈ નેપાળી કે જેઓ અમારા વિસ્તારમાં આવેલી દુકાનનું ધ્યાન રાખે છે અને દુકાનની સાફસફાઈ પણ કરે છે.આજે સવારે પાંચેક વાગ્યે દુકાનની સાફસફાઈ કરવા ગયાને ત્યાં શટર ઊંચું હતું અને તેઓને શંકા જતા અંદર તપાસ કરતા અંદર કાચ તૂટેલા હતા જેથી ચોરી થઈ હોવાનું માલુમ પડતા બહાદુરે અમોને જાણ કરી હતી.ત્યારબાદ પોલીસને જાણ કરતા પોલીસ દોડી ગઈ હતી.
દુકાનની અંદર તપાસ કરતા તેમાં 50 હજારથી 1 લાખ સુધીની કિંમતના પટોળાના પાંચ થેલા રાખ્યા હતા તેની અંદાજીત કિંમત રૂ.75 લાખ થાય છે.આ બનાવ અંગે હાલ ફિંગર પ્રિન્ટસ અને ડોગસ્કોવર્ડની મદદ લેવાઈ રહી છે.તેમજ દુકાનમાં રહેલા સીસીટીવી ફુટેઝમાં આધારે તસ્કરની ઓળખ મેળવી વિપુલભાઈની ફરિયાદ લેવા તજવીજ આદરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.