રાજકોટ મહાનગરપાલિકા નવા બિલ્ડીંગ પ્લાનમાં ઇસ્ટ ઝોન આગળ - At This Time

રાજકોટ મહાનગરપાલિકા નવા બિલ્ડીંગ પ્લાનમાં ઇસ્ટ ઝોન આગળ


રાજકોટ મહાનગરમાં કોરોના કાળ વખતે ઠંડુ પડી ગયેલું રીઅલ એસ્ટેટ માર્કેટ બે વર્ષથી ફરી ગરમ થવા લાગ્યું છે. તેમાં ચાલુ ૨૦૨૪ના વર્ષમાં પણ ધીમે ધીમે નાનાથી માંડી લકઝરીયસ અને મુંબઇ જેવા પ્લાન મૂકવાનું શરૂ થયું છે ત્યારે પુરા થયેલા 2023ના વર્ષમાં રાજકોટમાં સાડા છ હજારથી વધુ બિલ્ડીંગ પ્લાન મનપાએ સત્તાવાર રીતે મંજૂર કર્યા છે. તેમાં આટલા વર્ષોમાં પ્રથમ વખત વેસ્ટ ઝોનના બદલે ઇસ્ટ ઝોન એટલે કે ઉપલો કાંઠો આગળ નીકળી ગયો છે.
પશ્ચિમ રાજકોટ કરતા પૂર્વ રાજકોટમાં 50 ટકા વધુ પ્લાન મંજૂર થયા છે તો સેન્ટ્રલ ઝોન કરતા અઢી ગણા વધુ બિલ્ડીંગના કામ પૂર્વમાં ચાલી રહ્યા છે. વર્ષો પહેલા સામાકાંઠે એપાર્ટમેન્ટનો બહુ ટ્રેન્ડ ન હતો, પરંતુ હવે ઇસ્ટ ઝોનમાં પણ મોરબી રોડ, કોઠારીયા રોડ સહિતના ભાગોમાં ફલેટ બનવા લાગ્યા છે. વાજબી બજેટના કારણે આ ઝોન સ્માર્ટ સીટી સહિતના વેસ્ટ ઝોનને મોટી ટકકર આપી રહ્યો છે.
આટલા વર્ષોમાં પહેલી વખત એવું બન્યું છે કે વેસ્ટના બદલે ઇસ્ટ ઝોન બિલ્ડીંગ પ્લાનની બાબતમાં આગળ નીકળી ગયો છે. મહાપાલિકાએ મંજૂર કરેલા પ્લાનના આંકડા પર નજર કરીએ તો તા.1-1-23થી તા.31-12-23 સુધીમાં શહેરમાં કુલ 6506 પ્લાનની મંજૂરી આપવામાં આવી હતી. ટીપી શાખાએ ઓનલાઇન પ્લાન સેન્ટ્રલ ઝોનમાં 1201, ઇસ્ટ ઝોનમાં 300પ અને વેસ્ટ ઝોનમાં 1907 મંજૂર કર્યા છે. તો ઓફલાઇન પ્લાનનો આંકડો અનુક્રમે ઝોનવાઇઝ 105, 47 અને 241 છે. એટલે કે કુલ 6113 પ્લાન ઓનલાઇન અને 393 પ્લાન ઓફલાઇન મંજૂર થયા છે.
મધ્ય રાજકોટ એટલે કે સૌથી જુના વિસ્તારની વાત કરીએ તો ર0ર3માં 1ર01 બિલ્ડીગ પ્લાન મંજુર થયા હતા. જુના રાજકોટમાં સૌથી વધુ કામ જુના બાંધકામની જગ્યાએ નવા બાંધકામનું ચાલે છે. મધ્ય રાજકોટમાં નવી જગ્યા નથી. આથી જે જુના મકાનો છે તે પાડીને નવા બનાવવામાં આવી રહ્યા છે. જુના રાજકોટનો ક્રેઝ હજુ ઓછો થયો નથી.
ખાસ કરીને પેલેસ રોડ, સોની બજાર, યાજ્ઞિક રોડ, જુના રાજકોટના વેપારી વિસ્તારો, ઢેબર રોડ પર વેપાર- ધંધા યથાવત છે. મોટો રહેણાંક વિસ્તાર પણ જુના રાજકોટમાં આવેલો છે. આ ઘણા વિસ્તારોમાં જમીનના ભાવ હજુ કાલાવડ રોડથી વધુ છે.
પશ્ચિમ રાજકોટની વાત કરીએ તો ગૌરવપથ સહિતના વેસ્ટ ઝોનમાં છેલ્લા વર્ષોમાં ભવ્ય અને લકઝરીયસ ડેવલપમેન્ટ થયા છે. મોટા રસ્તાની ઉપલબ્ધિના કારણે ગગનચુંબી ઇમારતો બની છે અને બની રહી છે. હવે નજીકના ભવિષ્યમાં 40-40 માળના બિલ્ડીંગ પ્રોજેકટ પણ મુકાવાના છે.
મુંબઇ જેવા બિલ્ડીંગ પ્લાન રાજકોટ માટે તૈયાર કરાયા છે. તો તાજેતરમાં જ ખુલ્લા મુકવામાં આવેલા સ્માર્ટ સીટીનો વિસ્તાર અમદાવાદ અને મુંબઇના પણ ઘણા વિસ્તારને ટકકર મારે તેવો છે. આ વિસ્તાર આસપાસ ભવિષ્યમાં મોટુ ડેવલપમેન્ટ થાય તેમ છે.
મહાપાલિકાની હદમાં ભળ્યા પહેલા જ મોટા મવા, મુંજકા, માધાપર સહિતના વિસ્તાર તો ડેવલપ થયેલા જ છે. હવે કરોડોના ખર્ચે પ્રાથમિક સુવિધાઓ પહોંચી રહી છે. આથી કિંમતની દ્રષ્ટિએ આ ઝોનમાં મિલ્કતના ભાવ વધુ દેખાઇ રહ્યા છે.
હવે બીજી તરફ પાંચેક વર્ષથી પૂર્વ ઝોનના જુદા જુદા વિસ્તારોમાં ડેવલપમેન્ટ વધ્યું છે. પશ્ર્ચિમ રાજકોટની સરખામણીએ પૂર્વ રાજકોટનો વિકાસ ધીમો હોવાની છાપ વચ્ચે સરકાર અને મહાપાલિકાએ કરોડોના કામો મૂકયા છે અને ચાલી પણ રહ્યા છે. ગ્રીનલેન્ડ ચોકડી, મોરબી રોડ, સંતકબીર રોડ, પેડક રોડ, માંડા ડુંગર, કોઠારીયા રોડ, આજી ડેમ આજુબાજુના વિસ્તારોમાં બાંધકામ ઉદ્યોગ ધમધમી રહ્યો છે.
ટેનામેન્ટ બાદ હવે કુવાડવા રોડ, રણછોડનગર, મોરબી રોડ સહિતના ઘણા રહેણાંક વિસ્તાર અને સોસાયટીમાં એપાર્ટમેન્ટ પણ બનવા લાગ્યા છે. તે પ્રગતિ હવે આંકડામાં પણ દેખાઇ રહી છે. ઇસ્ટ ઝોનમાં કુલ 30પર બિલ્ડીંગ પ્લાન મંજૂર થયા છે.
પૂર્વ ઝોનમાં આજી ડેમ, પ્રદ્યુમન પાર્ક બાદ રામવન બાદ હવે નજીકના ભવિષ્યમાં સફારી પાર્ક પણ આવશે. ઇમીટેશન ઝોન બનવાનો છે. પૂર્વ ઝોનમાં કુવાડવા રોડ, સંત કબીર રોડ, પેડક રોડ સહિતના વિસ્તારમાં નાના મોટા મોલ બન્યા છે. અનેક સુપર માર્કેટ ડેવલપ થઇ છે. બ્રાન્ડેડ કંપનીઓ આ રોડ પર આવી છે. પશ્ર્ચિમ રાજકોટ કરતા હજુ પ્રમાણમાં વાજબી ભાવે ઘર પણ મળે છે. આ તમામ સંજોગોમાં પૂર્વ ઝોન હાલ તો પશ્ચિમ ઝોન કરતા પણ આગળ નીકળી ગયો છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.