રાજકોટના ભાજપ-કોંગ્રેસ અને AAPના 15થી વધુ ઉમેદવારોને ચૂંટણી તંત્રની નોટિસ, ચૂંટણી ખર્ચનો હિસાબ રજૂ કરવા આદેશ - At This Time

રાજકોટના ભાજપ-કોંગ્રેસ અને AAPના 15થી વધુ ઉમેદવારોને ચૂંટણી તંત્રની નોટિસ, ચૂંટણી ખર્ચનો હિસાબ રજૂ કરવા આદેશ


ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે રાજકોટના ભાજપ, કોંગ્રેસ અને AAPના 15થી વધુ ઉમેદવારોને ચૂંટણી તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. તેઓને ચૂંટણી ખર્ચનો હિસાબ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાવા જઈ રહી છે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ થશે. જ્યારે ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરના રોજ આવશે. ચૂંટણીના ધમધમાટ વચ્ચે રાજકોટમાં ચૂંટણી ખર્ચનો હિસાબ રજૂ ન કરનારાઓને નોટિસ ફટકારવામાં આવી છે. ચૂંટણી તંત્ર દ્વારા ભાજપ, કોંગ્રેસ અને AAPના 15થી વધુ ઉમેદવારોને નોટિસ ફટકારવામાં આવી છે.
ભાજપ, કોંગ્રેસ, AAPના ઉમેદવારોને નોટિસ
ચૂંટણી તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવતા રમેશ ટિલાળા, ઇન્દ્રનીલ રાજગુરૂ, શિવલાલ બારસિયા આજે હિસાબ રજૂ કરશે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને શિવલાલ બારસિયાએ પ્રચારમાં સૌથી વધુ રૂપિયા ખર્ચ કર્યા છે.
ચૂંટણી પંચે વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારના ખર્ચને 250% વધાર્યો છે. વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં એક ઉમેદવાર પોતાના પ્રચાર માટે માત્ર 16 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરી શકતા હતા. 2022ની ચૂંટણીમાં પ્રત્યેક ઉમેદવાર 40 લાખ રુપિયા સુધીનો ખર્ચ કરી શકશે. જ્યારે 2022માં વિધાનસભા ચૂંટણી માટે આ રકમ વધારીને 40 લાખ રૂપિયા કરવામાં આવી છે.
આમ તો રાજકીય ખર્ચનો યોગ્ય હિસાબ કોઈની પાસે નથી હોતો. વર્ષ 2014 અને 2019ની લોકસભાની ચૂંટણી દરમિયાન ઉમેદવારોના ચૂંટણી ખર્ચની મર્યાદા 70 લાખ રુપિયા હતી. વર્ષ 2022માં યોજાયેલી પેટાચૂંટણી માટે એક ઉમેદવાર 95 લાખ સુધીનો ખર્ચ કરી શકતા હતા.
ગુજરાતના એક મોટા નેતાએ ચૂંટણી દરમિયાન થતા ખર્ચ વિશે વાત કરતાં કહ્યું કે પ્રથમવાર ચૂંટણી લડી રહેલા ઉમેદવાર માટે ચૂંટણી પંચ એક ખાસ કાર્યક્રમ પણ ચલાવે છે, જેથી તે ઉમેદવારને તેની કાયદાકીય માહિતી મળી શકે. ચૂંટણીમાં વધુ પડતા ખર્ચના કિસ્સામાં ચૂંટણી પંચ ઉમેદવારને નોટિસ પણ આપી શકે છે.
ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને અનેક સરકારી સંસ્થાઓને દરેક ઉમેદવાર પર નજર રાખવા જણાવ્યું છે. જેમાં આવકવેરા વિભાગ, રાજ્ય પોલીસ, રિઝર્વ પોલીસ ફોર્સ, સહિત ઘણી એજન્સીઓ સામેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.