અજાણ્યા નંબર પરથી આવતા ફ્રોડ કોલ્સથી બચવાના ઉપાય - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ways-to-avoid-fraud-calls-from-unknown-numbers/" left="-10"]

અજાણ્યા નંબર પરથી આવતા ફ્રોડ કોલ્સથી બચવાના ઉપાય


વોટ્સએપમાં આપણે માટે તદ્દન અજાણ્યા લોકો તરફથી આવતા ફોન કૉલ્સનું દૂષણ સતત વિસ્તરી રહ્યું છે. હમણાં જ ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સે ખાસ કરીને +૯૨થી શરૂ થતા મોબાઇલ નંબર્સ પરથી આવતા ફોન કૉલ રીસિવ ન કરવા અથવા જો કૉલ રીસિવ કરો તો તો તેના પર પોતાની કોઈ પણ વિગતો ન આપવાની લોકોને સલાહ આપવામાં આવી છે.

આવા ફોન કૉલ્સ પર ગઠિયાઓ પોતે સરકારી કે પોલીસ/સીબીઆઇ વગેરેના ઉચ્ચ અધિકારી હોવાનું જણાવીને કોઈને કોઈ બહાને ડરાવી-ધમકાવીને આપણી સંવેદનશીલ વિગતો અથવા સીધા રૂપિયા પડાવવાનો પ્રયાસ કરતા હોય છે.

વોટ્સએપમાં આવા કૉલ્સથી બચવા માટે કંપનીએ એક સહેલો રસ્તો આપ્યો છે - રસ્તો એવો છે કે અજાણ્યા નંબર તરફથી આપણને વોટ્સએપમાં વોઇસ કૉલ આવે, તો આપણને તેની જાણ જ ન થાય! ફોન ઉઠાવીએ તો વાતચીતમાં ફસાવાની શક્યતા રહે ને?!

તેનો લાભ લેવા માટે આપણે વોટ્સએપના સેટિંગ્સમાં પ્રાઇવસી સેટિંગ્સમાં જઇએ તો ત્યાં ‘કૉલ્સ’ શીર્ષક હેઠળ ‘સાયલન્ટ અનનોન કૉલર્સ’નો વિકલ્પ મળે છે. તેને ઓન કરવા રાખવાથી આપણા કોન્ટેક્ટ લિસ્ટમાં ન હોય તેવા અજાણ્યા ફોન નંબર પરથી કૉલ આવે તો તેની રિંગ વાગતી નથી. આવા કૉલ્સ વોટ્સએપના હોમ સ્ક્રીન પર કૉલ ટેબમાં નોંધાઈ જાય છે, પરંતુ તેની રિંગ વાગતી ન હોવાથી આપણે આવા કૉલનો ભૂલથી જવાબ આપવાથી બચી શકીએ છીએ.

તેનાથી થોડા જુદા પ્રકારની સગવડ હવે ગૂગલની ફોન એપમાં ઉમેરાઈ રહી છે. વાસ્તવમાં આ સગવડ બહુ લાંબા સમયથી આપણને મળી જવી જોઇતી હતી. એ મુજબ જ્યારે આપણા પર કોઈ કૉલ આવે ત્યારે ગૂગલની ફોન એપમાં ‘લૂકઅપ’ નું એક બટન જોવા મળશે. એ બટન પર ક્લિક કરતાં એ ફોન નંબર ગૂગલના સર્ચ બોક્સમાં ઉમેરાઈ જશે અને આપણે એ ફોન નંબર વિશે સર્ચ કરી શકીશું. સર્ચ ઉપરાંત એ નંબરની હિસ્ટ્રી તપાસવાની તથા તેને બ્લોક કરવાની પણ સગવડ મળશે.

ફોન કૉલ્સની મદદથી લોકોને છેતરવાનો ધંધો જબરજસ્ત વધી રહ્યો છે ત્યારે આ ફીચર આપણને મદદરૂપ થવાની આશા છે. અલબત્ત ઠગ ટોળકીઓ તરફથી જે અલગ અલગ ફોન નંબરનો ઉપયોગ કરીને આપણને છેતરવાની કોશિશ કરવામાં આવે એ ફોન નંબર વિશે ગૂગલ સર્ચમાં વધુ માહિતી મળવાની શક્યતા ઓછી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]