૨૦૪૭ સુધીમાં સ્વતંત્રતા સેનાનીઓના સપનાનું ભારત સાકાર કરીશું : રાષ્ટ્રપતિ - At This Time

૨૦૪૭ સુધીમાં સ્વતંત્રતા સેનાનીઓના સપનાનું ભારત સાકાર કરીશું : રાષ્ટ્રપતિ


નવી દિલ્હી, તા.૧૪ભારતની આઝાદીના ૭૫ વર્ષ પૂરા થવાના પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રવિવારે સાંજે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. રાષ્ટ્રપતિ તરીકે તેમના પહેલા સંબોધનમાં મુર્મુએ કહ્યું કે ભારતની આઝાદી આપણી સાથે વિશ્વમાં લોકતંત્રના દરેક સમર્થક માટે ઉત્સવ સમાન છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું કે, આપણો સંકલ્પ છે કે વર્ષ ૨૦૪૭માં આપણી આઝાદીને ૧૦૦ વર્ષ પૂરા થાય ત્યાં સુધીમાં આપણે સ્વાધીનતા સેનાનીઓના સપનાનું ભારત સાકાર કરી લઈશું. આપણે અગાઉથી જ આત્મનિર્ભર ભારતના નિર્માણમાં કાર્યરત છીએ. હવેનું ભારત એક એવું ભારત હશે, જે પોતાની સંભાવનાઓને સાકાર કરી ચૂક્યું હશે. ભારતના રસીકરણ અભિયાનની સમગ્ર વિશ્વમાં પ્રશંસા કરાઈ છે.તેમણે કહ્યું કે, માર્ચ ૨૦૨૧માં દાંડી યાત્રાથી શરૂ થયેલા 'આઝાદીનો અમૃત મહોત્સવ'એ દેશમાં સ્વાધિનતા સંગ્રામના મહાન આદર્શો આપણને યાદ કરાવ્યા છે. દેશવાસીઓએ હાંસલ કરેલી સફળતાના આધારે 'આત્મનિર્ભર ભારત'ના નિર્માણનો સંકલ્પ પણ આ ઉત્સવનો ભાગ છે. એક રાષ્ટ્ર માટે વિશેષરૂપે ભારત જેવા પ્રાચીન દેશના લાંબા ઈતિહાસમાં ૭૫ વર્ષનો સમય ખૂબ જ નાનો લાગે છે. પરંતુ વ્યક્તિગત સ્તરે આ સમય એક જીવન યાત્રા સમાન છે. આપણા વરિષ્ઠ નાગરિકોએ તેમના જીવનકાળમાં દેશમાં અદ્ભૂત પરિવર્તન જોયા છે. તેઓ સાક્ષી છે કે આઝાદી પછી બધી જ પેઢીઓએ આકરી મહેનત કરી, વિશાળ પડકારોનો સામનો કર્યો અને સ્વયં પોતાના ભાગ્ય વિધાતા બન્યા.રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે, ભારત સ્વતંત્ર થયું ત્યારે અનેક આંતરરાષ્ટ્રીય નેતાઓ અને વિચારકોએ આપણી લોકતાંત્રિક શાસન વ્યવસ્થાની સફળતા અંગે આશંકા વ્યક્ત કરી હતી. તે સમયે લોકતંત્ર આર્થિક રીતે સમૃદ્ધ દેશો સુધી જ મર્યાદિત હતું. વિદેશી શાસકોના શોષણના કારણે વર્ષો સુધી ભારત ગરીબી અને નિરક્ષરતાનો સામનો કરી રહ્યું હતું. પરંતુ ભારતવાસીઓએ તેમની આશંકાઓને ખોટી સાબિત કરી છે. ભારતે વિશ્વ સમુદાયને લોકતંત્રની વાસ્તવિક ક્ષમતાનો પરિચય કરાવ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.