ગાયકવાડીમાં પોલીસમાં અરજી કરવા મામલે પડોશીઓ વચ્ચે બઘડાટી: ત્રણ મહિલા સહિત પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો - At This Time

ગાયકવાડીમાં પોલીસમાં અરજી કરવા મામલે પડોશીઓ વચ્ચે બઘડાટી: ત્રણ મહિલા સહિત પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો


ગાયકવાડી શેરીમાં પોલીસમાં અરજી કરવા મામલે બે પડોશી પરીવાર વચ્ચે જાહેરમાં ધોકાથી મારામારી થતા ત્રણ મહિલા સહિત પાંચ શખ્સો સામે પ્ર.નગર પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.
બનાવ અંગે ગાયકવાડી શેરી નં.1/10ના ખૂણે રહેતા રીટાબેન પ્રેસલી રોડ્રીગ્સ (ઉ.35) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે હાજી અને તેની પત્ની હીનાનું નામ આપી જણાવ્યું હતું કે તેણી તેના પિતા રીચર્ડભાઈ તેમજ ભાઈ-ભાભી અને બહેન સાથે તેમના પુત્ર સાથે રહે છે. જયારેથી તેઓએ મકાન લીધેલ છે ત્યારથી પડોશમાં રહેતો હાજી સાથે અવારનવાર ઝઘડા થતા હોય જેથી અગાઉ તેઓએ જંકશન ચોકીમાં ત્રણથી ચાર અરજીઓ કરેલ હતી.
ગઈકાલે રાત્રીના સાડા દસ વાગ્યાની આસપાસ તેણી ઘર પાસે ચાલવા નીકળેલ ત્યારે પડોશમાં રહેતો હાજી અને તેની પત્ની હીના સામેથી પોતાનું બાઈક લઈ ધસી આવેલ અને તેની હેડલાઈટ તેણીના મોઢા પર પડતા તેણી ત્યાંથી નીકળી પોતાના ઘરે ચાલી ગઈ હતી. બાદમાં હીના રાડો પાડી કહેવા લાગેલ કે મા-બાપના ઘરે આવીને બેસી ગઈ છો કહી ચપ્પલ લઈને મારવા માટે આવતા બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી.
દરમ્યાન તેના ભાભી આરતીબેન પણ આવતા ત્રણેય વચ્ચે ઝપાઝપી થતા આરોપી હાજી લાકડાનો ધોકો લઈ ધસી આવી તેણીના ભાભીને ફટકારવા લાગેલ હતો. દરમ્યાન તેણીનો ભાઈ આવી જતા હાજી પાસેથી ધોકો આંચકી તેને સામે ફટકાર્યો હતો. પરંતુ આરોપીએ તેણીના ભાઈને પણ ધોકાથી માર માર્યો હતો. બનાવ સ્થળે લોકો એકઠા થઈ જતા આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છુટયા હતા. બાદમાં ઈજાગ્રસ્ત ભાઈ બહેનને સારવારમાં સીવીલ હોસ્પીટલે ખસેડયા હતા.
જયારે સામા પક્ષે ગાયકવાડી શેરી નં.10માં રહેતા હીનાબેન હાજીભાઈ કાંટેલીયા (ઉ.40) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે રોની, આરતી અને રીટાબેનનું નામ આપી જણાવ્યું હતું કે આરોપી રોની અને તેનો પરીવાર જયારથી તેણીની બાજુમાં રહેવા આવેલ ત્યારથી તેમની વિરૂધ્ધ પોલીસમાં ખોટી અરજી કરતા હોય જે બાબતે તેમને અવારનવાર સમજાવવા છતા અરજીઓ કર્યે રાખતા અવારનવાર ઝઘડાઓ પણ થતા હતા. જે બાબતનો ખાર રાખી તેણી અને તેના પતિ સાથે આરોપીઓએ બોલાચાલી કરી લાકડાના ધોકાથી હુમલો કરી ધમકી આપી હતી.
બનાવ અંગેની સામસામી ફરીયાદ પરથી પ્ર.નગર પોલીસ મથકે મારામારીની કલમ હેઠળ ત્રણ મહિલા સહિત પાંચ શખ્સો સામે ગુનો નોંધી એએસઆઈ એ.આર. વરૂએ તપાસ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.