બે દરોડામાં 6.32 લાખના દારૂ સાથે ચાર શખ્સો ઝડપાયા - At This Time

બે દરોડામાં 6.32 લાખના દારૂ સાથે ચાર શખ્સો ઝડપાયા


ક્રાઇમ બ્રાન્ચની ટીમે બુટલેગરો પર ઘોંસ બોલાવી હતી. નાના મવા રોડ પરથી બોલેરો પીકઅપ વાનમાં લઈ જવાતો દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા બાદ તેની પુછપરછ કરવામાં આવતા આ દારૂ બેડી યાર્ડ પાસે ટ્રક ગેરેજ પાસે પડતર ટેન્કરમાં મુકવા જઈ રહ્યા હોવાની કેફિયત આપતા પોલીસે બંને શખ્સોને સાથે રાખી બેડી યાર્ડ પાસે આજીનદીના કાંઠે આવેલા વિશ્વકર્મા ટ્રક ગેરેજ પાસે લઈ જઈ દરોડો પાડતા ટેન્કરમાં છુપાવેલો મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
આ સાથે ત્યાં ઉભેલા વધુ બે શખસોને ઝડપી લઇ આકરી પુછપરછ કરતા આ દારૂ અમદાવાદના શખ્સે આપ્યો હોવાની કબૂલાત આપી હતી. ક્રાઇમ બ્રાન્ચે પાંચેય સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ,લ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એમ.આર.ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ એએસઆઈ બલભદ્રસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ ઝાલા અને કનકસિંહ સોલંકી ટીમ સાથે પેટ્રોલીંગમાં હતાં ત્યારે સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે, નાના મૌવા રોડ પર મોકાજી સર્કલ પાસેથી બોલેરો પીકઅપ વાનમાં વિદેશી દારૂની હેરફેર કરવામાં આવી રહી છે.
જે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બોલેરો પીકઅપ વાનનો પીછો કરી આંતરી તલાસી લેતા તેમાંથી જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ નંગ 240 મળી આવતા પોલીસે દારૂનો જથ્થો અને બોલેરોવાન મળી રૂ.2.71 લાખનો કબ્જે કરી ચાલક દિનેશ રાજકુમાર નીચાણી (રહે.જંક્સન પ્લોટ, શેરી નં-12, સોમનાથ એપાર્ટમેન્ટ ફ્લેટ નં-5), વિજય હીરાનંદ લાલવાણી (રહે.માધાપર ગામ, સીધી વિનાયક એપાર્ટમેન્ટ, ફ્લેટ નં.402) ની અટકાયત કરી તેને ક્રાઇમ બ્રાન્ચે લાવી પુછપરછ હાથ ધરી હતી.
પૂછપરછમાં આ દારૂનો જથ્થો બેડી માર્કેટિંગ યાર્ડ પાસે આજીનદીના કાંઠે આવેલા વિશ્વકર્મા ગેરેજ પાછળ ત્યાં બે વ્યક્તિઓને આપવાનો હોવાનું કહેતા પોલીસે બંને શખ્સોને સાથે રાખી સ્થળ પર પહોંચી દરોડો પાડ્યો હતો. જ્યાં બંધ ટેન્કરમાં છુપાવેલો વધુ 498 બોટલ વિદેશી દારૂ મળી આવતાં કુલ રૂ.3.61 લાખનો મુદ્દામાલ કબ્જે કરી દારૂની સપ્લાયની રાહ જોઈને ઉભેલા વિનોદ રમેશભાઈ ચૌહાણ (રહે.નવલનગર શેરી નં-9, આરએમસી ક્વાર્ટર) અને હિતેન રાવ રામનારાયણ રાવ (રહે.જંગલેશ્વર સ્મશાનની સામે, અમીનભાઈના ભાડાના મકાનમાં)ને ઝડપી લઇ ચારેયની કાયદેસરની ધરપકડ કરી હતી.
આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો તે બાબતે પૂછતાં દારૂ અમદાવાદના ભરત ખુશાલદાસ સોમૈયાએ મોકલ્યો હોવાનું કબુલતા પોલીસે તેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.