જામનગર નજીક સપડા ડેમમાં નાહવા પડેલા બે મહિલા એક પુરુષ અને બે બાળકો સહિત પાંચના ડૂબી જવાથી કરુણ મૃત્યુ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ldorjeclmadshw2x/" left="-10"]

જામનગર નજીક સપડા ડેમમાં નાહવા પડેલા બે મહિલા એક પુરુષ અને બે બાળકો સહિત પાંચના ડૂબી જવાથી કરુણ મૃત્યુ


જામનગર નજીક સપડા ડેમમાં નાહવા પડેલા બે સ્ત્રી એક પુરુષ અને બે બાળકો સહિત પાંચ વ્યક્તિના ડૂબી જવાના કારણે અંતરિયાળ મૃત્યુ નીપજતાં ભારે અરેરાટી ફેલાઇ છે, અને મૃતકોના પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
જામનગરમાં દીગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા બે પરિવારના સભ્યો સપડા ડેમમાં નાહવા પડ્યા પછી આ દુર્ઘટના સર્જાઇ હતી. ફાયર બ્રિગેડ ની ટીમે પાંચેય મૃતદેહોને બહાર કાઢ્યા છે. જયારે અન્ય પરિવારજનો એ ઘટના સ્થળે પહોંચી જઈ હૈયાફાટ રુદન કર્યું છે.

જામનગર શહેર જિલ્લામાં ભારે કરુણાન્તિકા જગાવનારા આ બનાવની વિગત એવી છે કે જામનગર માં દિગ્વિજય પ્લોટ શેરી નંબર ૫૮ માં રહેતા મહેશભાઈ કાનજીભાઈ મંગે (ઉમર ૪૨) અને તેમના પત્ની લીનાબેન મહેશભાઈ મંગે (ઉંમર વર્ષ ૪૦) તેમજ તેનો પુત્ર સિદ્ધાર્થ ઉર્ફે સિદ્ધ મહેશભાઈ મંગે (ઉ.વ.૧૯), આ ઉપરાંત તેમના પાડોશમાં જ રહેતા અનિતાબેન વિનોદભાઈ દામા (૩૮ વર્ષ) અને તેનો પુત્ર રાહુલ વિનોદભાઈ દામા (૧૭ વર્ષ) કે જે પાંચેય વ્યક્તિ આજે બપોરે કારમાં બેસીને જામનગર થી સપડા ડેમ પાસે પહોંચ્યા હતા. ત્યારબાદ પાસે જ આવેલી એક હોટલ પરથી નાસ્તાના પેકેટો વગેરે ખરીદયા હતાં, અને પોતાની કારને સપડા ડેમથી દૂર પાર્ક કરીને ત્યારબાદ ત્યાં બંને પરિવારના પાંચેય સભ્યો ડેમમાં પાણીમાં નાહવા માટે પડ્યા હતા.
પરંતુ ડેમના ઊંડા પાણીમાં ગરકાવ થઈ જવાના કારણે એકી સાથે પાંચેય વ્યક્તિઓ ડૂબી જવાથી મૃત્યુ પામ્યા હતા. આ ઘટનાની જાણ થતાં ભારે દોડધામ થઈ હતી.
સૌપ્રથમ સ્થાનિકોએ પોલીસને જાણ કરતાં પંચકોશી એ. ડિવિઝન ના પીએસઆઇ એચ.પી. સોઢા અને સ્ટાફના હરિહરભાઈ પાંડોર સહિતની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને જામનગરના પોલીસ કંટ્રોલ મારફતે ફાયર બ્રિગેડને જાણ કરાતાં ફાયર શાખાની ટુકડી ના જસ્મીનભાઈ ભેંસદડીયા, રણજીતભાઈ પાદરીયા, ભરતભાઈ ગોહેલ સહિતની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી.
જેઓએ સપડા ડેમમાં ઝંપલાવી દઈ એક પછી એક પાંચેય મૃતદેહોને બહાર કાઢી લીધા હતા, અને પોલીસને સુપ્રત કર્યા છે.
સૌપ્રથમ પાંચેયની ઓળખ થઈ ન હતી, પરંતુ બનાવના સ્થળે પડેલા પાંચ જોડી ચપ્પલ, અને એક સ્કૂલનું દફતર કે જેમાં રાહુલ દામાં નામ લખ્યું હતું, જેના આધારે જામનગરમાં તેના પરિવારનો સંપર્ક કર્યો હતો, અને તેઓને બનાવ ની જાણ કરતાં પરિવારના અન્ય બાકી સભ્યોએ ઘટના સ્થળે પહોંચી ગયા પછી મૃતદેહોને ઓળખી બતાવ્યા હતા. બંને પરિવારના સભ્ય એ હૈયાફાટ રૂદન કર્યું હતું, જેથી ભારે ગમગીની સર્જાઈ હતી.
આ બનાવને લઈને આસપાસના વિસ્તારના લોકો બહોળી સંખ્યામાં ડેમના કાંઠે એકત્ર થઈ ગયા હતા, અને ભારે ગમગીની છવાઈ હતી.
પંચકોશી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે પાંચેય મૃતદેહોનો કબજો સંભાળી જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યા છે, અને પોસ્ટ મોર્ટમ કરાવાયું છે.

સાગર કુમાર એમ બોદ્ધ
જામનગર


9662246157
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]