ડેટા ચોરીની આશંકાએ ભારત સરકારે 348 એપ્લિકેશન બેન કરી, ફરી ચાઈનીઝ એપ્લિકેશનો રડાર પર - At This Time

ડેટા ચોરીની આશંકાએ ભારત સરકારે 348 એપ્લિકેશન બેન કરી, ફરી ચાઈનીઝ એપ્લિકેશનો રડાર પર


નવી દિલ્હ,તા. 3 ઓગસ્ટ 2022, બુધવાર ભારતનું ટેક્નો બજાર દિવસે ને દિવસે કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે. આ સાથે સતર્કતા પણ અત્યંત જરૂરી બની ગઈ છે. ચીન જેવા દેશો ભારતીય નાગરિકોના ડેટાની ચોરી કરીને દુરૂપયોગની અનેક ફરિયાદો બાદ ભારત સરકાર એક્શન મોડમાં આવી છે. સરકારે બુધવારે જણાવ્યું હતું કે ચીન અને અન્ય દેશો દ્વારા વિકસિત આવી 348 મોબાઈલ એપ્સની ઓળખ કરવામાં આવી છે અને તેને પ્રતિબંધિત કરવામાં આવી છે. આ એપ યુઝર્સની માહિતી એકત્ર કરી દેશની બહાર સ્થિત સર્વર્સ પર અનધિકૃત રીતે મોકલી રહ્યા હતા અને તેનો બીજી રીતે ઉપયોગ કરી રહ્યાં છે. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે લોકસભામાં રોડમલ નાગરના એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. સાંસદે પૂછ્યું હતું કે શું સરકારે દેશની બહાર માહિતી મોકલતી કોઈ એપની ઓળખ કરી છે અને જો આવી કોઈ એપ મળી આવે તો તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કે કેમ ? જવાબમાં મંત્રીએ કહ્યું કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આવી 348 એપની ઓળખ કરી છે.તેમણે વધુ માહિતી આપતા કહ્યું કે વિભાગની વિનંતી પર ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલયે આ તમામ એપ્લિકેશનને બ્લોક કરી દીધી છે કારણ કે આવા ડેટા ટ્રાન્સમિશનથી ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતા, ભારતના સંરક્ષણ અને રાજ્યની સુરક્ષાનું ઉલ્લંઘન થાય છે. ચંદ્રશેખરે કહ્યું કે આ એપ ચીન સહિત વિવિધ દેશો દ્વારા વિકસાવવામાં આવી હોવાનું તપાસમાં માલૂમ પડ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.