પીએમ મોદી ૨૦૨૪ પછી ઉત્તર પ્રદેશના ૪, મહારાષ્ટ-કર્ણાટકના બે-બે ભાગલા કરશે - At This Time

પીએમ મોદી ૨૦૨૪ પછી ઉત્તર પ્રદેશના ૪, મહારાષ્ટ-કર્ણાટકના બે-બે ભાગલા કરશે


બેંગ્લુરુ, તા.૨૩પીએમ નરેન્દ્ર મોદીના ૨૦૨૪માં લોકસભા ચૂંટણી જીતીને ફરીથી સત્તા પર આવ્યા પછી ઉત્તર પ્રદેશનું ચાર અને મહારાષ્ટ્ર તથા કર્ણાટકના બે-બે ભાગમાં વિભાજન નિશ્ચિત છે. આ સાથે દેશમાં કુલ ૫૦ રાજ્યો બનાવવાની વાતચીત ચાલી રહી હોવાના કર્ણાટકના મંત્રી ઉમેશ કટ્ટીએ દાવો કર્યો છે.કર્ણાટકના ખાદ્ય અને નાગરિક પુરવઠા મંત્રી ઉમેશ કટ્ટીએ જણાવ્યું હતું કે, તેઓ ઉત્તર કન્નડને એક અલગ રાજ્ય બનાવવા માગે છે તે સાચું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૦૨૪માં લોકસભા ચૂંટણી જીતીને ફરીથી સત્તામાં આવશે તો ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્રનું વિભાજન નિશ્ચિત છે. જોકે, માત્ર આ ત્રણ રાજ્યો જ નહીં અન્ય મોટા રાજ્યોનું પણ નાના રાજ્યોમાં વિભાજન કરવાની કેન્દ્ર સરકારની યોજના છે.તેમણે કહ્યું કે, રાજ્યોનું વિભાજન અમારા પક્ષનું સ્ટેન્ડ નથી, પરંતુ આ વખતે જરૂર એવું થવા જઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે જ આ અંગે પહેલ કરશે. દેશમાં કુલ ૫૦ રાજ્યો બનાવવા માટે વાતચીત ચાલી રહી હોવાની પણ ચર્ચા છે. કેન્દ્ર સરકારે આ દિશામાં કામ શરૂ કરી દીધું છે અને નિષ્ણાતો સાથે ચર્ચા થઈ રહી છે. તેમણે જણાવ્યું હતું કે, દેશના દરેક વિસ્તારનો વિકાસ થઈ શકે. અંતરિયાળ ગામો પણ દેશના અન્ય શહેરોની જેમ વિકસી શકે તે માટે મોટા-મોટા રાજ્યોનું વિભાજન જરૂરી છે. બેલગાવી બાર એસોસિએશનના એક કાર્યક્રમમાં ઉમેશ કટ્ટીએ આ નિવેદન આપ્યું હતું અને તેનો વીડિયો હવે વાઈરલ થઈ રહ્યો છે.તેમણે કહ્યું કે બેંગ્લુરુમાં ભીડભાડ થઈ ગઈ છે. અનેક વિસ્તારોમાં પાણી પૂરું પાડી શકાતું નથી. તેમણે લોકોને ઉત્તરી કર્ણાટકને અલગ રાજ્ય બનાવવાની માગણી માટે હાથ મિલાવવા હાકલ કરી હતી. ઉમેશ કટ્ટીએ અગાઉ પણ ૨૦૧૯માં તત્કાલીન મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પા સમક્ષ ઉત્તર કર્ણાટકને અલગ રાજ્ય બનાવવાની માગ કરી હતી. તે સમયે ભાજપ સરકાર મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.