જાહેરમાં જાતીય ગેરવર્તન થયું હોય તો જ એસસી-એસટી એક્ટ લાગુ પડી શકે - At This Time

જાહેરમાં જાતીય ગેરવર્તન થયું હોય તો જ એસસી-એસટી એક્ટ લાગુ પડી શકે


કર્ણાટક હાઈકોર્ટે એસસી-એસટી એક્ટ અંતર્ગત એક મહત્વનો ચુકાદો આપ્યો હતો. હાઈકોર્ટે બે વર્ષ જૂના એક કેસની સુનાવણી કરતી વખતે કહ્યું હતું કે જાહેરમાં વંશીય ગેરવર્તન કે ટીપ્પણી થાય તો જ એસસી-એસટી એક્ટ લાગુ પાડી શકાય. સાર્વજનિક સ્થળો પર જો અપમાન થયું ન હોય તો સજા આપવાની જોગવાઈ નથી.કર્ણાટક હાઈકોર્ટમાં એસસી-એસટી એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવાની એક અરજી થઈ હતી. એની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કહ્યું હતું કે જાહેરમાં વંશીય ભેદભાવ કે ટીપ્પણી થઈ હોય તો જ સજાની જોગવાઈ છે. એ સિવાય એસસી-એસટી એક્ટ લાગુ પાડી શકાય નહીં. બંધારણીય જોગવાઈ પ્રમાણે જાહેરમાં જાતીગત દૂર્વ્યવહાર થાય તો સજા આપી શકાય.કેસની વિગત એવી હતી કે ૨૦૨૦માં કન્સ્ટ્રક્શન સાઈટમાં કામ કરતા મજૂરો વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. આરોપી રિતેશ પિયાસે  અરજદાર મોહનને કન્સ્ટ્રક્શન સાઈટના બેઝમેન્ટમાં જાતીગત અપશબ્દો કહ્યા હતા. એ વખતે અરજદાર તેમ જ સહકર્મચારીઓ હાજર હતા. કોર્ટે દલીલો સાંભળ્યા બાદ કહ્યું હતું કે અપશબ્દો કહ્યા છે તેનું સમર્થન એ લોકો કરી રહ્યા છે જે મોહનના સહકર્મચારીઓ હતા. એ સિવાય જે ઘટનાનો ઉલ્લેખ કેસમાં છે એ ઘટના બેઝમેન્ટમાં બની હતી. બેઝમેન્ટ સાર્વજનિક જગ્યા નથી. એસસી-એસટી એક્ટ અંતર્ગત સાર્વજનિક સ્થળોએ અપમાન થાય તો સજાની જોગવાઈ છે. હાઈકોર્ટે કહ્યું હતું કે કેસમાં એ સિવાયના કારણો પણ છે, જે અરજદારની અરજીમાં શંકા પ્રેરે છે. જે ઈમારતનું નિર્માણ થતું હતું તેના પર આરોપીએ અગાઉ સ્ટે મેળવ્યો હતો. ઈમારતના માલિક જયકુમાર નાયર સાથે આરોપી રિતેશને પહેલેથી જ વિવાદ ચાલતો હતો. અરજદારોમાં મોહન ઉપરાંત ઈમારતનો માલિક પણ છે. શક્ય છે કે ઈમારતનો માલિક કર્મચારીના બહાને આરોપીને નિશાન બનાવે છે. આ કેસમાં મજબૂત પુરાવા ન હોવાથી એસસી-એસટી એક્ટ અંતર્ગત કાર્યવાહી થઈ શકે તેમ નથી એવું કર્ણાટક હાઈકોર્ટે ચુકાદામાં કહ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.