ભાવનગર જિલ્લામાં મચ્છરની ઉત્પત્તિ અટકાવવાં અભિનવ પ્રયોગ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/gvv7ynwjczxyesg2/" left="-10"]

ભાવનગર જિલ્લામાં મચ્છરની ઉત્પત્તિ અટકાવવાં અભિનવ પ્રયોગ


અત્યારે ચોમાસાની ઋતુ ચાલે છે. વરસાદને કારણે ઠેકઠેકાણે પાણી અને પાણીના ખાબોચિયા ભરાવાને કારણે મચ્છરોનો ઉપદ્વવ આ સમયગાળા દરમિયાન વધતો હોય છે. મચ્છરને કારણે મેલેરિયા, ચીકનગુનિયા જેવાં રોગો પણ ચોમાસામાં માથું ઉચકે છે. ત્યારે તેને અટકાવવાં માટેનો રામબાણ ઇલાજ ભાવનગર આરોગ્ય તંત્રએ શોધી કાઢ્યો છે.
તેમણે ફેકીં દેવામાં આવતાં બળેલા ઓઇલના ‘ઓઇલ બોલ’ બનાવીને મચ્છરની ઉત્પત્તિ જ ન થાય તેવો પ્રયોગ હાથ ધર્યો છે અને તે કારગત પણ સાબિત થઇ રહ્યો છે.
આ પ્રયોગમાં બળેલાં ઓઇલમાં જૂનાં કપડાં અને મોજાનો નાના બાળકો રમવાં માટે જે રીતે કપડાનો બોલ બનાવે છે તેવો બોલ બનાવીને આ કપડાના બોલને ઓઇલમાં પલાડવામાં આવે છે અને તેને પાણી ભરાયેલાં ખાબોચિયામાં નાંખવામાં આવે છે.
આ ઓઇલ બોલને ખાબોચિયામાં નાંખવાથી પાણીની સાથે ઓઇલ સમગ્ર ખાડા કે ખાબોચિયામાં પ્રસરણ પામે છે. આથી, આ ખાડામાં રહેલાં મચ્છરના પોરાને ઓક્સિજન મળવાનું પ્રમાણ ઓછું થઇ જાય છે. તેથી તેને ઓક્સિજન મળવાનું બંધ થતાં તેની ઉત્પત્તિ આપોઆપ અટકી જાય છે.
સામાન્ય રીતે આવાં પાણી ભરાયેલાં ખાબોચિયામાં એક મચ્છર ૧૦૦ થી ૧૫૦ ઇંડા (પોરા) મૂકે છે. આવાં પાણીવાળા ખાબોચિયા તેને માટે માફકસરનું વાતાવરણ પૂરું પાડે છે. જેથી મચ્છરની વસતિ કૂદકેને ભૂસકે વધે છે. પરંતુ આ ઓઇલને કારણે તેમ થતું અટકી જાય છે અને તેથી મચ્છરની વસતિ વધવાનું પણ બંધ થઇ જાય છે.
આ ઓઇલ બોલના પ્રયોગ વિશે શ્રી અનિલભાઇ જણાવે છે કે, જેમ-જેમ ખાડામાં પાણી ઓછું થતું જાય છે તેમ-તેમ ઓઇલ પણ તેની રીતે સંકોચાય છે પરંતુ તેની અસર તેની તે જ રહે છે.
જ્યારે ખાડામાં પાણી સૂકાઇ જાય છે ત્યારે ઓઇલ બોલ ત્યાંનો ત્યાં પડ્યો રહે છે. અને ફરીથી જ્યારે વરસાદ પડે અને પાણી ભરાય ત્યારે ફરીથી ઓઇલ બોલમાંથી ઓઇલ પ્રસરણ પામે છે અને ફરીથી સમગ્ર ખાડામાં ફેલાઇને પોરાને વિકસીત થતાં રોકે છે.

આ રીતે નકામા ઓઇલ દ્વારા મચ્છરોનો ઉપદ્વવ રોકી શકાય છે. આ માટે સિહોર તાલુકાના ગામોમાંથી આશા બહેનો દ્વારા બળેલું ઓઇલ ઉઘરાવવામાં આવે છે અને આ રીતે ‘ઓઇલ બોલ’ બનાવીને વિવિધ જગ્યાએ ભરાયેલ ખાબોચિયામાં નાંખવામાં આવે છે.

આ કામગીરી માટે જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. ચંદ્રમણીકુમાર, જિલ્લા મેલેરીયા અધિકારીશ્રી ડો. બી.પી. બોરીચા, આર.સી.એચ.ઓ.શ્રી ડો. કોકીલાબેન સોલંકી, તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડો. ચંદ્રકાંતભાઈ કણઝરીયાના સહકારથી ‘ઓઇલ બોલ’ થી મચ્છર અટકાવવાની કામગીરી સિહોર તાલુકામાં પ્રાથમિક ધોરણે કરવામાં આવી રહી છે ત્યાર બાદ જેમ-જેમ લોક સહયોગ મળે તેમ-તેમ તેને વિસ્તારવામાં આવશે.

રિપોર્ટ મૂળશંકર જાળેલા ભાવનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]