સરકારશ્રીના 20 વર્ષના વિશ્વાસ દ્વારા થયેલા વિકાસની ઉજવણીના ભાગ રૂપે બોટાદમાં વિશ્વાસથી વિકાસ યાત્રા-2 કાર્યક્રમ સંપન્ન - At This Time

સરકારશ્રીના 20 વર્ષના વિશ્વાસ દ્વારા થયેલા વિકાસની ઉજવણીના ભાગ રૂપે બોટાદમાં વિશ્વાસથી વિકાસ યાત્રા-2 કાર્યક્રમ સંપન્ન


દિવાળી પહેલા બોટાદ જિલ્લાને અંદાજે 9 કરોડના ખર્ચે 10-10 પ્રોજેક્ટની ભેટ

સરકારશ્રી દ્વારા શહેરી સાથોસાથ ગ્રામ્ય જીવનને ધબકતું કરવા માટે અનેકવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે: જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ વિરાણી

બોટાદના બરવાળામાં 8.80 કરોડના ખર્ચે નિર્માણ પામેલી ગવર્મેન્ટ આર્ટસ અને કોર્મસ કોલેજનું ઈ લોકાર્પણ

સરકારશ્રીના 20 વર્ષના વિશ્વાસ દ્વારા થયેલા વિકાસની ઉજવણીના ભાગરૂપે બોટાદમાં વિશ્વાસથી વિકાસ યાત્રા-2 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ વિરાણીના વરદહસ્તે રૂ. 8.99 કરોડના ખર્ચે 10 પ્રોજેક્ટનું ઈ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યત્વે બોટાદ જિલ્લાના બરવાળામાં 8.80 કરોડના ખર્ચે નિર્માણ પામેલી ગવર્મેન્ટ આર્ટસ અને કોર્મસ કોલેજનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ વિરાણીએ જણાવ્યું હતું કે, સરકારશ્રી દ્વારા શહેરી સાથોસાથ ગ્રામ્ય જીવનને ધબકતું કરવા માટે અનેકવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કંડારેલી કેડીને અનુસરીને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર વિવિધ યોજનાઓ અંતર્ગત જરૂરિયાતમંદોને લાભાન્વિત કરી વિકાસના શિખરો સર કરી રહી છે. ખેડૂતોના પાક રક્ષણ માટે સરકારશ્રીની યોજનાઓ ખેડૂતોને ઉન્નત કરી રહી છે. તથા સૌની યોજનાથી આપણાં જિલ્લાનો પાણીનો પ્રશ્ન દૂર થયો છે.

"વિશ્વાસથી વિકાસ યાત્રા-2" કાર્યક્રમ અંતર્ગત રળીયાણા ગામમાં ગભાભાઇ ભીખાભાઇ જોગહવાના ઘરથી બાબુભાઇ અમરશીભાઇ ડોબરીયાના ઘર સુધી 2 લાખના ખર્ચે પેવર બ્લોકના કામનું ઈ ખાતમુહૂર્ત, ગઢાળી પશ્ચિમમાં સ્વામિનારાયણ મંદિરથી નંદાલાલની દુકાન સુધી 1.50 લાખના ખર્ચે પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત, ગઢાળી પુર્વમાં અરવિંદસિંહના ઘરથી હિંમતભાઇ પટેલના ઘર સુધી 1.50 લાખના ખર્ચે પેવર બ્લોકના કામનું ઈ ખાતમુહૂર્ત, હામાપરમાં પ્રાથમિક શાળામાં 3 લાખના ખર્ચે પેવર બ્લોકના કામનું ઈ ખાતમુહૂર્ત, ઇશ્વરીયા ગામમાં ગોવિંદભાઇ દેવાભાઇના ઘરથી ભૂપતભાઇ વિઠ્ઠલભાઇના ઘર સુધી 1.50 લાખના ખર્ચે પેવર બ્લોકના કામનું ઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ સાથે જ ગઢડાના જનડા ગામમાં જીવરાજભાઇ વિઠ્ઠલભાઇના ચતુરભાઇ ખીમાભાઇના ઘર પાસે 3 લાખના ખર્ચે પેવરબ્લોકના કામનું ઈ ખાતમુહૂર્ત, પીપળ- તત્તાણા ગામમાં મનજીભાઈના ઘરથી પૂંજાભાઈના ઘર સુધી 3 લાખના ખર્ચે પેવરબ્લોકના કામનું ઈ ખાતમુહૂર્ત, હડદડ ગામના યોગીનગર વિસ્તારમાં એક લાખના ખર્ચે ગટરની કામગીરી, ચકમપર ગામમાં જગદીશભાઈ ઘરથી મેઘજીભાઈના ઘર સુધી 3 લાખના ખર્ચે પેવર બ્લોકના કામનું ઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે બોટાદ ખાતેના કાર્યક્રમમાં રાજ્યકક્ષાના કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યું હતું. બોટાદના ટાઉનહોલમાં યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરશ્રી બી.એ.શાહ, પ્રાંત અધિકારીશ્રી દિપકભાઈ સતાણી સહિતના અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યાં હતા.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.