વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસનો રાજનીતિ માટે ચારા તરીકે ઉપયોગઃ કોંગ્રેસ - At This Time

વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસનો રાજનીતિ માટે ચારા તરીકે ઉપયોગઃ કોંગ્રેસ


- જયરામ રમેશે આધુનિક સાવરકર અને જિન્ના આજે દેશના ભાગલા પાડવાના પ્રયત્ન ચાલુ રાખી રહ્યા છે તેવો આક્ષેપ કર્યો નવી દિલ્હી, તા. 14 ઓગષ્ટ 2022, રવિવારઆજે 14 ઓગષ્ટને દેશભરમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે યાદ કરવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે ભાગલા દરમિયાન પોતાનો જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ સાથે જ તેમણે આપણાં ઈતિહાસના તે દુઃખદ સમયમાં પીડિત એવા સૌ લોકોના ધૈર્ય તથા સ્થિતિને આધીન જીવવાના ગુણની પ્રશંસા કરી હતી.  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લખ્યું હતું કે, 1947માં દેશના ભાગલા પડ્યા તે ભારતીય ઈતિહાસનો અમાનવીય અધ્યાય છે જેને કદી ભૂલી ન શકાય. વિભાજનની હિંસા અને ઘૃણાએ લાખો લોકોનો ભોગ લીધો અને અસંખ્ય લોકોનું વિસ્થાપન કરાવ્યું. આજે 'વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ' પર વિભાજનનો ડંખ સહન કરનારા લાખો લોકોને નમન કરૂં છું. વધુમાં લખ્યું હતું કે, 'વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ' દેશની યુવા પેઢીને ભાગલા દરમિયાન લોકોએ જે પીડા અને વેદના સહન કરી હતી તેનું સ્મરણ કરાવશે તથા દેશવાસીઓને દેશમાં હંમેશા શાંતિ તથા સદ્ભાવના જાળવી રાખવા માટે પ્રેરિત કરશે.  કોંગ્રેસની પ્રતિક્રિયાકોંગ્રેસી નેતા જયરામ રમેશે લખ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 14 ઓગષ્ટને 'વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ' તરીકે ચિહ્નિત કર્યો તેનો વાસ્તવિક ઉદ્દેશ્ય પોતાની રાજકીય લડાઈ માટે સૌથી પીડાદાયક ઐતિહાસિક ઘટનાઓનો ચારા તરીકે ઉપયોગ કરવાનો છે. ભાગલા દરમિયાન લાખો લોકો વિસ્થાપિત થયા અને તેમણે પોતાનો જીવ ગુમાવ્યો. તેમના બલિદાન ભૂલાવા ન જોઈએ કે તેનું અપમાન ન થવું જોઈએ. આગળ લખ્યું હતું કે, વિભાજનની દુઃખદ ઘટનાનો નફરત અને પૂર્વાગ્રહને પ્રોત્સાહન આપવા ઉપયોગ ન થવો જોઈએ. સત્ય એ છે કે, સાવરકરે ટુ નેશન થિઅરીનો પાયો રાખ્યો. જિન્નાએ તેને લાગુ કર્યો. જ્યારે સરદાર પેટેલે લખ્યું હતું કે, મને લાગે છે કે જો અમે વિભાજનનો સ્વીકાર ન કર્યો તો ભારત અનેક ટુકડાઓમાં વહેંચાઈ જશે તથા સંપૂર્ણપણે બરબાદ થઈ જશે. સાથે જ એવો સવાલ કર્યો હતો કે, શું વડાપ્રધાન આજે જનસંઘના સંસ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જીને પણ યાદ કરશે જેમણે શરત ચંદ્ર બોઝની ઈચ્છાવિરૂદ્ધ બંગાળના વિભાજનનું સમર્થન કર્યું હતું. આ સાથે જ તેમણે આધુનિક સાવરકર અને જિન્ના આજે દેશના ભાગલા પાડવાના પ્રયત્ન ચાલુ રાખી રહ્યા છે તેવો આક્ષેપ કર્યો હતો. અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ગાંધી, નેહરૂ, પટેલ તથા અનેક લોકોના વારસાને જાળવી રાખશે જેમણે રાષ્ટ્રને એકજૂટ કરવા પ્રયત્નો કર્યા હતા તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો. સાથે જ નફરતના રાજકારણની હાર થશે તેમ પણ લખ્યું હતું.  


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.