રાજયના ધારાશાસ્ત્રીઓના વેલ્ફેર માટે સરકારે રૂ.6 કરોડ ફાળવ્યા, બાર કાઉન્સીલે મુખ્યમંત્રીનો આભાર માન્યો - At This Time

રાજયના ધારાશાસ્ત્રીઓના વેલ્ફેર માટે સરકારે રૂ.6 કરોડ ફાળવ્યા, બાર કાઉન્સીલે મુખ્યમંત્રીનો આભાર માન્યો


અમદાવાદ,તા.04 ઓગષ્ટ 2022,ગુરૂવાર ગુજરાતના સવા લાખથી વધુ ધારાશાસ્ત્રીઓના વેલ્ફેર માટે રાજય સરકાર દ્વારા રૂ. છ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. રાજયના મહેસૂલ અને કાયદા મંત્રી  રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા આજે ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન સહિતના હોદ્દેદારોને રૂ. છ કરોડની રકમનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા બાર કાઉન્સીલના ચેરમેન સહિતના હોદ્દેદારોને ચેક અર્પણ કરાયોગુજરાત સરકાર તરફથી આટલી માતબર રકમની ફાળવણી રાજયભરના વકીલોના હિત માટે કરવામાં આવતાં ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન સહિતના પદાધિકારીઓએ રાજય સરકારનો ખાસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો. ગુજરાત સરકાર દ્વારા બજેટ સત્ર દરમ્યાન રાજયના વકીલોના કલ્યાણ અર્થે રૂ. છ કરોડની માતબર રકમની સહાયની જાહેરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સરકાર દ્વારા વિધાનસભા ગૃહમાં કરવામાં આવી હતી. જેના અનુસંધાનમાં આજે રાજયના કેબીનેટ મંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન અનિરૂધ્ધસિંહ ઝાલા સહિતના હોદ્દેદારોને અર્પણ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગુજરાતભરના સવા લાખથી વધુ વકીલોના કલ્યાણ માટે તેઓને આર્થિક સહાય આપવા ભાજપ લીગલ સેલના કન્વીનર તથા પૂર્વ ચેરમેન જે.જે.પટેલ, પૂર્વ ચેરમેન અનિલ સી.કેલ્લા તથા બાર કાઉન્સીલની સમરસ ટીમ દ્વારા રાજય સરકારમાં અગાઉ વારંવાર રજૂઆત  કરાઇ હતી. જેના ભાગરૂપે આખરે સરકારે વકીલઆલમની લાગણીને ધ્યાનમાં રાખી હકારાત્મક અભિગમ અપનાવી આર્થિક સહાય આપવાનો નિર્ણય કર્યો હતો. અગાઉ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજયના વકીલમંડળોને ઇ લાયબ્રેરી માટે રૂ.સવા બે કરોડ અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વકીલોના કલ્યાણ અર્થે રૂ.પાંચ કરોડની સહાય આપી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.