આર્મી, નેવી અને એરફોર્સમાં આગામી સપ્તાહથી ભરતી શરૂ - At This Time

આર્મી, નેવી અને એરફોર્સમાં આગામી સપ્તાહથી ભરતી શરૂ


નવી દિલ્હી, તા.૧૭સૈન્યમાં ભરતી માટે કેન્દ્રે રજૂ કરેલી નવી અગ્નિપથ યોજના સામે દેશભરમાં યુવાનોમાં વિરોધ ફેલાયો હોવા છતાં સરકારે આ યોજનામાં આગળ વધવાનો નિર્ણય કર્યો છે. અગ્નિપથ યોજના હેઠળ આગામી સપ્તાહે આર્મી, નેવી અને એરફોર્સમાં ભરતી કામગીરી શરૂ થઈ જશે.કેન્દ્રીય સંરક્ષણ મંત્રીએ સૈન્યની ભરતી માટે રાહ જોઈ રહેલા યુવાનોને શાંતિ જાળવવા અને સૈન્યમાં જોડાવાની તૈયારી કરવા અપીલ કરી હતી. બીજીબાજુ આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ જણાવ્યું હતું કે, આર્મી બે દિવસમાં ભરતી માટે પ્રારંભિક જાહેરનામુ બહાર પાડશે. ત્યાર પછી આર્મીની વિવિધ એજન્સીઓ વિવિધ પરિબળોને ધ્યાનમાં લઈને વેકેન્સીની સંખ્યા, ભરતી રેલીના સ્થળો અને પરિક્ષાના કાર્યક્રમોની વિગતો જાહેર કરશે. તેમણે ઉમેર્યું કે, આર્મીના પહેલા અગ્નિવીર આ વર્ષના અંત સુધીમાં ભરતી કેન્દ્રો પર તાલિમ શરૂ કરી દેશે.વાયુદળના પ્રમુખ એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ જણાવ્યું હતું કે, નવી ભરતી યોજના અગ્નિપથ હેઠળ ૨૪મીથી એરફોર્સમાં ભરતી પ્રક્રિયા શરૂ થશે. હવાઈદળના પ્રમુખ શુક્રવારે સાત કમાન્ડના પ્રવાસે નિકળ્યા છે. આ દરમિયાન તેઓ જવાનોને સંબોધિત કરશે અને અગ્નિપથ ભરતી યોજનાની વિગતો પર તેમની સાથે ચર્ચા કરશે. તેમણે વર્ષ ૨૦૨૨ માટે અગ્નિપથ યોજના હેઠળ ભરતી માટે ઉપલી વય મર્યાદા ૨૧થી વધારીને ૨૩ કરવાના સરકારના નિર્ણયની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે તેનાથી યુવાનોને લાભ થશે. નૌકાદળના વડા એડમિરલ આર. હરિકુમારે કહ્યું કે, નેવી આગામી સપ્તાહે ભરતી માટે નોટિફિકેશન જાહેર કરશે અને ટૂંક સમયમાં જ નૌકાદળમાં અગ્નિપથ યોજના હેઠળ ભરતી પ્રક્રિયા શરૂ થશે. આ યોજના અંગે આ રીતે વ્યાપક હિંસક દેખાવો થવાની તેમને આશા નહોતી. અગ્નિપથ યોજના પર અમે લગભગ દોઢ વર્ષ કામ કર્યું હતું. આ યોજના પરિવર્તનકારી છે અને ભારતમાં નિર્મિત અને ભારત માટે બનાવાયેલી યોજના છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.