રોહિદાસપરામાં કોલેજીયન યુવતીને છરી બતાવી લુખ્ખાએ છેડતી કરી: ધરપકડ - At This Time

રોહિદાસપરામાં કોલેજીયન યુવતીને છરી બતાવી લુખ્ખાએ છેડતી કરી: ધરપકડ


શહેરમાં લુખ્ખાઓ બેફામ બની અવારનવાર સગીરા અને યુવતીઓની જાહેરમાં છેડતી કરી લુખ્ખાગીરી કરતાં હોય છે. ત્યારે રોહિદાસપરામાં કોલેજીયન યુવતીને છરી બતાવી લુખ્ખાએ હાથ પકડી શરીરે હાથ ફેરવી છેડતી કરતાં બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપી વિજય ચુડાસમાની ધરપકડ કરી હતી.
બનાવ અંગે કુવાડવા રોડ પર રોહિદાસપરામાં રહેતી એક 24 વર્ષીય યુવતીએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે વિજય દિપક ચુડાસમાનું નામ આપતાં બી. ડિવિઝન પોલીસે છેડતીની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેણી કોલેજમાં અભ્યાસ કરે છે. ગઈકાલે સાંજના સાત વાગ્યાની આસપાસ પોતે ઘરે હતી ત્યારે ઘરના દરવાજા પર પથ્થર પડયાનો અવાજ આવતાં તે ઘર બહાર નીકળી જોયું તો આરોપી વિજય પથ્થરનો ઘા કરતો હતો. જેથી તેને પથ્થરના ઘા કરવાની ના પાડતાં આરોપીએ અભદ્ર ઈશારા કરી ગાળો આપવા લાગ્યો હતો.
જેથી તેણીએ ગાળો બોલવાની ના પાડી તેને ફડાકો ઝીંકી દિધો હતો. જેથી ઉશ્કેરાયેલા શખ્સે તેની પાસે રહેલ છરી કાઢી હાથ પકડી શરીર પર અને છાતીના ભાગે હાથ ફેરવી છેડતી કરવા લાગ્યો હતો. બનાવ સમયે તેણીની માતા અને પડોસના લોકો દોડી આવતા આરોપી નાસી છૂટ્યો હતો. બાદમાં 100 નંબરમાં કોલ કરી પોલીસને જાણ કરતાં બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી પીઆઈ એસ.એમ.જાડેજા અને ટીમે આરોપી વિજય ચુડાસમાની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.
ફરિયાદી યુવતીએ વધુમાં જણાવ્યું હતું કે, અગાઉ બે વર્ષ પહેલાં તે અભ્યાસ માટે જતી હતી ત્યારે આરોપી વિજય ચુડાસમાએ તેનો પીછો કરી છેડતી કરી હતી. જે મામલે એ. ડિવિઝન પોલીસ મથકે છેડતીની ફરીયાદ નોંધાઈ હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.