આજનો ઇતિહાસ: 16 ડિસેમ્બરે પાકિસ્તાની સેના સામે ભારતની જીતની યાદમાં ‘વિજય દિવસ’ની ઉજવણી.. - At This Time

આજનો ઇતિહાસ: 16 ડિસેમ્બરે પાકિસ્તાની સેના સામે ભારતની જીતની યાદમાં ‘વિજય દિવસ’ની ઉજવણી..


આજે તારીખ 16 ડિસેમ્બર, 2022 અને શુક્રવારનો દિવસ છે. હિન્દુ પંચાગ અનુસાર પોષ સુદ આઠમ તિથિ છે. કેલેન્ડર વર્ષ 2022 સમાપ્ત થવામાં હવે 15 દિવસ જ બાકી છે.

16 ડિસેમ્બરને પાકિસ્તાનની સેના સામે ભારતીય સેનાની જીતની યાદમાં ‘વિજય દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. ઉપરાંત આજના દિવસે જ વર્ષ 1922માં પોલેન્ડના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ નારુટોવિઝની હત્યા કરવામાં આવી હતી.

વર્ષ 1971માં આજના દિવસે બાંગ્લાદેશ મુક્તિ મોરચા સંગ્રામમાં પાકિસ્તાની સેના પર ભારતીય સેનાની જીત થઇ હતી અને તેની યાદીમાં દર વર્ષે ‘વિજય દિવસ’ની ઉજવણી આવે છે. આજની તારીખે બાંગ્લાદેશમાં જાહેર રજા હોય છે.

વર્ષ 1971 પહેલા બાંગ્લાદેશ પાકિસ્તાનનો એક ભાગ હતો, જેને ‘પૂર્વ પાકિસ્તાન’ તરીકે ઓળખવામાં આવતો હતો. પાકિસ્તાન ભારતની પૂર્વ દીશામાં આવેલા ‘પૂર્વ પાકિસ્તાન’ના લોકો પર ભારે અત્યાચર અને શોષણ કરતુ હતું. ભારતે પાકિસ્તાની સેના દ્વારા ‘પૂર્વ પાકિસ્તાન’માં લોકો પર થતા અત્યાચારનો વિરોધ કર્યો અને પૂર્વ પાકિસ્તાનના લોકોને સમર્થન આપ્યું. તે સમયે પાકિસ્તાનના લશ્કરી અધિકારી જનરલ અયુબ ખાન સામે ‘પૂર્વ પાકિસ્તાન’માં ભારે અસંતોષ હતો.

3 ડિસેમ્બરે પાકિસ્તાને 11 ભારતીય એરફિલ્ડ પર હુમલો કર્યો હતો. જેના વળતા જવાબમાં ભારતે પાકિસ્તાનના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં હુમલો કર્યો હતો. ત્યારબાદ ભારત સરકારે ‘પૂર્વ પાકિસ્તાન’ના લોકોને બચાવવા માટે ભારતીય સેનાને પાકિસ્તાન સામે યુદ્ધ કરવાનો આદેશ આપ્યો. ભારત તરફથી આ યુદ્ધની આગેવાની ફિલ્ડ માર્શલ માણેકશા કરી રહ્યા હતા. પાકિસ્તાન સામેના આ યુદ્ધમાં ભારતના 1400થી વધુ સૈનિકો શહીદ થયા હતા. ભારતીય સૈનિકોએ પૂરી બહાદુરી સાથે આ યુદ્ધ લડ્યું અને પાકિસ્તાની સેનાને હરાવી દીધી. આ યુદ્ધ માત્ર 13 દિવસ ચાલ્યુ હતુ. આ પછી 16 ડિસેમ્બર 1971ના રોજ પાકિસ્તાની સેનાના વડા જનરલ એ.એ. ખાન નિયાઝીએ લગભગ 93,000 સૈનિકો સાથે ભારત સમક્ષ આત્મસમર્પણ કર્યું. આમ પાકિસ્તાની સેના સામે ભારતીય સેનાની જીતની યાદીમાં દર વર્ષે 16 ડિસેમ્બરને ‘વિજય દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે અને સમગ્ર દેશ આ યુદ્ધમાં શહીદ થયેલા મહાન સૈનિકોને શ્રદ્ધાંજલિ આપે છે

ભરતભાઈ ભડણિયા
9904355753


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.