ગરબાડા તાલુકામાં ભક્તોએ ભારે હૈયે વિઘ્નહર્તાને વિદાય આપી.
સતત નવ નવ દિવસ ભારે ભકિતભાવ સાથે ગણપતિદાદાની આરાધના કર્યા બાદ આજે ગરબાડા તાલુકા સહિત સમગ્ર પંથકમાં ભાવિકોએ ભારે હૈયે વિઘ્ન હર્તાને વિદાય આપી હતી. પંડાલો સુમસામ થઇ ગયા છે. એક ખાલીપો છવાય ગયો હોય તેવી લાગણી અનુભવાય રહી છે. કોરોના કાળમાં બે વર્ષ બાદ ગણેશ મહોત્સવની રંગેચંગે ઉજવણી કરવાનો લ્હાવો મળતા ભાવિકો ભકિતના રંગમાં રંગાયા હતા. આજે સવારથી ઠેર ઠેર ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા વિસર્જન સ્થળે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ડી.જે.ના તાલ અને રાસ ગરબાની રમઝ સાથે ‘અગલે બરસ તું જલ્દી આના’ નારા સાથે બાપ્પાને વિદાય આપવામાં આવી હતી.
ગણેશ મહોત્સવના 10 દિવસ સુધી મોદક સ્પર્ધા, શ્રીનાથજીની ઝાંખી, સત્ય નારાયણ ભગવાનની કથા, ગરીબ બાળકોને ભાવતા ભોજનીયા સહિતના વિવિધ સેવાકીય અને ધાર્મીક કાર્યક્રમો યોજાયા હતા. અનેક ભાવિકોએ પોતાના ઘેર માત્ર દોઢ દિવસ માટે ‘દાદા’નું સ્થાપન કર્યુ હોય તેઓએ ગણેશ ચતુર્થીના બીજી દિવસે વિસર્જન કર્યુ હતું. જયારે કેટલાક ભકતોએ ત્રણ દિવસ, પાંચ દિવસ, સાત દિવસ માટે બાપ્પાને પોતાના ઘર આંગણે બેસાડયા હતા. તેઓએ જે તે દિવસે ભકિતભાવ સાથે વિઘ્ન હર્તાને વિદાય આપી હતી. આજરોજ ગણેશ મહોત્સવનું વિધિવત સમાપન થઇ ગયું હતું. સવારથી મોડી રાત સુધી ગણેશ વિસર્જનથી વિધિ ચાલી હતી.
સાર્વજનીક ગણેશ મહોત્સવના આયોજકોએ જેટલા ઉત્સાહ અને ભકિતભાવ સાથે દુંદાળા દેવનું સ્થાપન કર્યુ હતું. તેવા જ ઉત્સાહ અને ‘પુઢરયા વર્ષી લવકર યા’ ના નાદ સાથે દાદાને વિદાય આપી હતી. સતત નવ નવ દિવસ ભારે ભકિતભાવ સાથે ગણેશજીની આરાધના કર્યા બાદ આજે વિદાય આપતી વેળાએ ભાવિકોની આંખો ભરાય આવી હતી. પંડાલો સુમસાન બની ગયા છે.
ગરબાડા નગરમાં રામનાથ તળાવ માં ગણેશ વિસર્જન માટેની વ્યવસ્થા ગરબાડા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી છે વિસર્જન દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વિસર્જન ના સ્થળે ખાસ વ્યવસ્થા રાખવામાં આવી છે. વિસર્જન સ્થળ પર ગ્રામ પંચાયતનો સ્ટાફ સાથે પોલીસ જવાનોને પણ બંદોબસ્ત માટે તૈનાત કરવામાં આવ્યા છે. વિઘ્નહર્તાની વિદાય સાથે પંડાલો સુમસામ થઇ ગયા છે. એક પ્રકારનો ખાલીપોનો અહેસાસ થઇ રહ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.