ઉપલેટાના કોલકી રોડ પર પૂરપાટ ઝડપે આવતી ખાનગી ટ્રાવેલ્સે વિદ્યાર્થીનીને અડફેટે લેતા હાલત ગંભીર - At This Time

ઉપલેટાના કોલકી રોડ પર પૂરપાટ ઝડપે આવતી ખાનગી ટ્રાવેલ્સે વિદ્યાર્થીનીને અડફેટે લેતા હાલત ગંભીર


ખાનગી બસ રોંગ સાઈડમાં પુરપાટ ઝડપે આવતી હોવાનું રાહદારીઓએ જણાવ્યું

(આશિષ લાલકીયા દ્વારા)
ઉપલેટા તા. ૨૬ ઓગસ્ટ ૨૦૨૨, ઉપલેટા શહેરના કોલકી રોડ પર ઉપલેટાના પ્રવેશ દ્વાર નજીક એક ખાનગી ટ્રાવેલ્સે કોલેજની વિદ્યાર્થીનીને સાયકલ સાથે અડફેટે લેતા વિદ્યાર્થીની ગંભીર રીતે ઘાયલ થઈ હતી જે બાદ ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનીને તુરંત સારવાર અર્થે ઉપલેટા ની ખાનગી હોસ્પિટલમાં 108 મારફત સારવાર અર્થે ખસેડવામાં આવી હતી જે બાદ તેમને વધુ સારવાર સાથે રાજકોટ ખાતે ખસેડવામાં આવી છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર ઉપલેટા શહેરના કોલકી રોડ પર આવેલી મહિલા કોલેજમાં અભ્યાસ કરતી ૧૯ વર્ષીય સેજલ દીપકભાઈ પીઠવા નામની વિદ્યાર્થીની સાયકલ પર કોલેજથી પોતાના ઘરે પરત ફરી રહી હતી તે દરમિયાન શ્રી રામરાજ જી.જે. ૧૪ એક્સ ૩૪૩૪ નંબરની ખાનગી બસે આ વિદ્યાર્થીનીને અડફેટે લેતા વિદ્યાર્થિની બસના આગળના ભાગે નીચે ટાયર પર આવી જતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે.

આ અકસ્માતની ઘટના અંગેની જાણ થતા તુરંત 108 ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આ વિદ્યાર્થીનીને તુરંત સારવાર અર્થે ખસેડવામાં આવી હતી જેમાં તેમને આંખ તેમજ માથાના ભાગે ઈજાઓ થતા તેમને પ્રથમ ઉપલેટા ખાનગી હોસ્પિટલ અને બાદમાં ઈજાઓ ગંભીર જણાતા તેમને વધુ સારવાર અર્થે રાજકોટ ખાતે તાત્કાલિક અસરથી ખસેડવામાં આવી છે.

આ અકસ્માતની ઘટના અંગે અહિયાથી પસાર થતા રાહદારીઓએ જણાવ્યું હતું કે આ ખાનગી ટ્રાવેલ્સ પુરપાટ ઝડપે રોંગ સાઇડમાં ઉપલેટા તરફથી આવી રહી હોવાનું જણાવ્યું છે જેમાં ઘરે પરત જઈ રહેલ કોલેજની વિદ્યાર્થીનીને હડફેટે લેતા હાલ આ વિદ્યાર્થીનીને રાજકોટ ખાતે ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહી હોવાની પણ વિગતો સામે આવી છે ત્યારે અક્સમાતની આ ઘટના બાદ લોકોના ટોળા એકઠા થઇ જતા અકસ્માત સર્જનાર બસ ચાલક બસ લઈને ફરાર થઈ ગયો હોવાનું પણ રાહદારીઓએ જણાવ્યું હતું.

તસ્વીર/અહેવાલ:- આશિષ લાલકીયા, ઉપલેટા (રાજકોટ)
મો. ૯૦૧૬૨૦૧૧૨૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.