5 સપ્ટેમ્બર – શિક્ષક દિવસ “થાય તેટલું કરીયે એમ નહિં પરંતુ કરીયે તેટલું થાય”નો અમૃત મંત્ર સાર્થક કરતાં શિક્ષકશ્રી દિગ્વિજયસિંહ ડાભી - At This Time

5 સપ્ટેમ્બર – શિક્ષક દિવસ “થાય તેટલું કરીયે એમ નહિં પરંતુ કરીયે તેટલું થાય”નો અમૃત મંત્ર સાર્થક કરતાં શિક્ષકશ્રી દિગ્વિજયસિંહ ડાભી


બોટાદનું ગૌરવ: રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે મધ્યઝોનમાં બોટાદની ઢીંકવાળી પ્રાથમિક શાળાનાં શિક્ષકશ્રીની પસંદગી

પોતાની પ્રાથમિક શાળાનાં બાળકોને ગમ્મત સાથે જ્ઞાનનો રસથાળ પીરસતા શિક્ષકની અનોખી વાત

“મને હંમેશા લાગ્યું છે કે, વિદ્યાર્થી માટેનું સાચું પાઠ્યપુસ્તક એ તેમનાં શિક્ષક છે. વિદ્યાર્થીને પોતાના શિક્ષકો પાસેથી જેટલું જાણવા-સમજવા અને શીખવા મળે છે એટલું એ બીજે ક્યાંયથી શીખી ન શકે.” આ શબ્દો છે મહાત્મા ગાંધીજીનાં... આજનો દિવસ તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ખાસ છે કારણકે, આજે 5 સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિન છે. શિક્ષકોનું સન્માન, ધન્યવાદ અને તેમનાં પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવાનો દિવસ એટલે શિક્ષક દિવસ. દેશનું સર્વોચ્ચ સન્માન એટલે કે મરણોત્તર ભારત રત્નથી સન્માનિત એવાં ભારતનાં પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે.

આજનાં આ ખાસ દિવસે શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠતમ કામગીરી કરનારા શિક્ષકોને રાજ્ય સરકારશ્રી દ્વારા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરી સન્માનિત કરવામાં આવે છે. ત્યારે આજે આપણે વાત કરવી છે, “થાય તેટલું કરીયેનાં સ્થાને કરીયે તેટલું થાય”ના સિદ્ધાંતને લક્ષ્યમાં રાખી કાર્ય કરતાં બોટાદ જિલ્લાનાં અનોખા શિક્ષકશ્રી દિગ્વિજયસિંહ ડાભીની. મધ્યઝોનમાં શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે બોટાદ જિલ્લાનાં ઢીંકવાળી પ્રાથમિક શાળાનાં શિક્ષકશ્રી દિગ્વિજયસિંહ ડાભીની પસંદગી કરવામાં આવી છે.

આ વિશેષ સન્માન મેળવનારા શિક્ષકશ્રી દિગ્વિજયસિંહ ડાભીએ જણાવ્યું હતું કે, “મારા હ્રદયમાં મારી શાળા માટે વિશેષ લાગણી છે.” અત્રે ઉલ્લેખનિય છે કે,પોતાની પ્રાથમિક શાળાનાં બાળકોને ગમ્મત સાથે જ્ઞાનનો રસથાળ પીરસતા શિક્ષક શ્રી દિગ્વિજયસિંહ ડાભી વર્ષ 1998થી આ શાળા સાથે જોડાયેલાં છે તેમણે વિદ્યાર્થીઓમાં સુટેવો લાવવા, વાલીઓમાં કન્યા-કેળવણી માટે જાગૃતિ લાવવા, સર્જનાત્મક પ્રવૃત્તિઓ સાથે વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યેની રૂચિ વધારવા સાથોસાથ શાળા વિકાસનાં અનેક કાર્યો કર્યાં છે.

વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે હેતુસર તેમણે પોતાની શાળામાં વર્ષ-2005માં લોકફાળાની મદદથી પ્રથમ કોમ્પ્યુટર પણ વસાવ્યું હતું. ઉપરાંત શાળામાં વાલીમીટીંગ, વિદ્યાર્થી વસ્તુ ભંડાર, બચતબેન્ક, વિજ્ઞાનમેળા અને રમતોત્સવ, રાત્રિવાંચન અભિયાન તેમજ સમરકેમ્પ જેવાં અનેક અનોખા અને વિદ્યાર્થીઓની સાથોસાથ લોકોપયોગી કાર્યો પણ કર્યાં છે. આજે ઢીંકવાળી પ્રાથમિક શાળા તમામ સુવિધાઓ અને અદ્યતન ટેક્નોલોજીથી સુસજ્જ છે. સરકારશ્રી દ્વારા આ શાળાને BALA પ્રોજેક્ટ તથા GREEN SCHOOL પ્રોજેક્ટ ફાળવવામાં આવ્યાં છે. ત્યારે આ બંને પ્રોજેક્ટમાં ઢીંકવાળી પ્રાથમિક શાળાએ નમૂનારૂપ કામગીરી કરી છે.

મહત્વનું છે કે, શ્રી દિગ્વિજયસિંહ ડાભીને નેશનલ તેમજ રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ ઇનોવેટીવ સન્માનથી નવાઝવામાં આવ્યાં છે તેમજ તેઓને પૂ.ભાઇશ્રી દ્વારા સાંદિપની ગુરૂ ગૌરવ એવોર્ડ, પૂ.મોરારી બાપુ દ્વારા ચિત્રકૂટ એવોર્ડ તેમજ બોટાદ જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સહિતનાં અનેક અભિવાદન તેમજ સન્માન પ્રાપ્ત થયા છે. શ્રી દિગ્વિજયસિંહ ડાભીનાં નવતર અને અનોખા કાર્યોને કારણે આજે બોટાદની ઢીંકવાળી પ્રાથમિક શાળાનું નામ રાજ્યમાં ગુંજતુ થયું છે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.