પ્રેમ એટલે... - At This Time

પ્રેમ એટલે…


મનુષ્યના જીવન ઘડતરમાં પરમાત્મા, પરિવાર અને પ્રેમનું વિશેષ મહત્વ હોય છે. એક વ્યક્તિ જીવનમાં જુદા-જુદા તબક્કાઓમાથી પસાર થતાં જુદી-જુદી પ્રેમની અનુભૂતિઓ કરે છે. જન્મતા જ માતાના નિસ્વાર્થ પ્રેમની છત્રછાયામાં પાલન પોષણ પામે છે. પિતાની પ્રેમાળ પાલનાની દિવ્ય અનુભૂતિઓ તો અનેરી જ હોય છે. ભાઈ-બહેન અને પરિવારના અન્ય સદસ્યો પાસેથી વિશેષ પ્રેમ મળે છે. ભારતીય સંસ્કૃતિની દિવ્યતા અને ભવ્યતા જ પરિવારભાવનામાથી છલકી ઊઠે છે. પશ્ચિમી સંસ્કૃતિના વેલેન્ટાઇન ડે અને ભારતીય સંસ્કૃતિની વસંત પંચમી એટલે પ્રેમીઓનો દિવસ. આજના દિવસે યુવાઓના હ્રદયમાં પ્રેમની હેલી ઉમટી પડે છે. મોટાભાગના લોકોને આ દિવસની મહિમા તથા ઇતિહાસ વિષે ખબર જ હશે. પરંતુ આજે આપણે એક અનોખા સંદર્ભથી પ્રેમને સમજવાની શરૂઆત કરીએ.
આજનો દિવસ અન્ય દેશોમાં વિશિષ્ટ રીતે ઉજવવામાં આવે છે. જ્યારે આપણે પણ આજે વાસ્તવિક રીતે પ્રેમ ને ખરા અર્થથી સમજવાની જરૂરીયાત છે. પ્રેમ એ સ્ત્રી અને પુરુષ પૂરતો મર્યાદિત નથી. પરમાત્મ પ્રેમ, પરિવાર પ્રત્યે પ્રેમ, મિત્રોનો પ્રેમ, ગુરુ-શિષ્યનો પ્રેમ, પ્રકૃત્તિ માટે પ્રેમ ઉપરાંત વ્યક્તિ, વસ્તુ કે વાયુમંડળ માટે પણ પ્રેમ હોય શકે છે. આજના અતિઆધુનિક યુગમાં પ્રેમની વ્યાખ્યા તદ્દન જુદી જ કરવામાં આવી રહી છે. હકીકતમાં પ્રેમ શું છે આપણે જુદા જુદા સંદર્ભોથી તપાસવાની જરૂરિયાત છે.
મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈએ તો પ્રેમ એ જટિલ લાગણી છે. જેમાં પ્રેમની વસ્તુ માટે સ્નેહ, આનંદદાયક સંવેદનાઓ, તેની સુખાકારી પ્રત્યેની નિષ્ઠા અને પોતાની જાત પ્રત્યેની તેની પ્રતિક્રિયાઓ પ્રત્યે સંવેદનશીલતાનો સમાવેશ થાય છે. સમાજશાસ્ત્રીય પરિપ્રેક્ષ્ય દર્શાવે છે કે પ્રેમ એ શારીરિક, ભાવનાત્મક, જાતિય, બૌદ્ધિક અથવા સામાજિક સ્નેહ છે જે એક વ્યક્તિ બીજા માટે રાખે છે. આધ્યાત્મિકતા પ્રેમનું અર્થઘટન જુદા પ્રકારે દર્શાવે છે. કહેવાય છે કે નિસ્વાર્થ પ્રેમ માતા સિવાય બીજું કોઈ વ્યક્તિ કરી નાં શકે. જ્યારે એક રીતે જોઈએ તો પરમાનંદની અનુભૂતિ ફ્ક્ત પરમાત્મ પ્રેમ દ્વારા જ પ્રાપ્ત થઈ શકે. પરમાત્મા તો પ્રેમના સાગર છે. વિશ્વની પ્રત્યેક આત્મા પરમાત્માની સંતાન છે. પરમાત્માની સંતાન હોવાના નાતે આત્મા પણ પ્રેમ સ્વરૂપ છે. પરંતુ આપણે દેહ-ભાન વશ આપણાં એ સ્વરૂપને ભૂલી ગયા છીએ. આત્માનો સ્વધર્મ ‘પ્રેમ’ છે. સપ્તગુણધારી આત્મા પ્રેમ, આનંદ, સુખ, શાંતિ, પવિત્રતા, જ્ઞાન, અને શક્તિ સ્વરૂપ છે. બસ આપણે સ્વને અને સ્વના પિતાને ભૂલી ગયા છીએ જેને ખરેખર ઓળખવાની જરૂર છે.
હકીકતે પ્રેમ એક દિવ્ય અનુભૂતિ છે. પ્રેમ એ આત્માનો જ આંતરિક ગુણ છે અને આત્મા તો અવિનાશી છે. જ્યારે શરીર તો વિનાશી છે. શરીરનો નાશ થતાં પ્રેમ સમાપ્ત થઈ જાય તો તે પ્રેમ અવિનાશી ક્યાથી હોય...? પ્રેમ એ આત્માનો વિષય છે. આત્મા-પરમાત્મા અને આત્મા-આત્મા નો જે રુહાની પ્રેમ હોય તે જ સાચો અવિનાશી પ્રેમ છે. જ્યારે અત્યારના સમયમાં તો પ્રેમની વ્યાખ્યા જ બદલાઈ ગઈ છે. પ્રેમ ક્યારેય વાસનાઓની તૃપ્તિ માટે ન હોય શકે. પ્રેમ તો એક પવિત્ર ગુણ છે. પ્રેમ એક આવૃત્તિ છે. તમારું જીવન તમારી પ્રેમની આવૃત્તિ પર નિર્ભર હોય છે.
કોઈ પૂછે કે પ્રેમ એટલે શું...? તો કહી શકાય કે અદ્રશ્ય હોવા છતાં પ્રેમ જળ અને વાયુ જેટલું જ વાસ્તવિક છે. પ્રેમ એક સક્રિય, જીવંત અને ગતિશીલ શક્તિ છે. સમુદ્રની જેમ પ્રેમ પણ લહેરો અને ધારાઓમાં વહે છે. પ્રેમ એક સકારાત્મક શક્તિ છે. પ્રેમ કમજોર, નાજુક કે કોમળ ન હોય શકે. પ્રેમ જીવનની એક સકારાત્મક શક્તિ છે. ગુરુત્વાકર્ષણ અને વિદ્યુત ચુંબકીય શક્તિ આપણે આંખો દ્વારા જોઈ શકતા નથી, પરંતુ તેમાં રહેલી શક્તિઓ વિષે કોઈ જ વિવાદ નથી. તેવી જ રીતે પ્રેમની શક્તિ આપણે જોઈ શકાતી નથી પરંતુ હકીકતમાં તે કોઈ પણ શક્તિથી મહાન શક્તિ છે. પ્રેમ વિના જીવન જ શક્ય નથી.
જે ચીજ વસ્તુઓ અને વ્યક્તિઓને આપણે પસંદ કરીએ છીએ, હકીકતમાં આપણે તેને પ્રેમ કરીએ છીએ. જેને આપણે પસંદ કરતાં નથી, તેને આપણે પ્રેમ કરતાં નથી. વ્યક્તિ અને વસ્તુ પણ એ જ ગુણોત્તરમાં આપણને ચાહે છે જે ગુણોત્તરમાં આપણે ચાહીએ છીએ. આપણે જીવનમાં પરીવર્તન માટે સંઘર્ષ નથી કરવાનો, તમારે ફ્ક્ત શુભ ભાવનાઓ આપવાની, પ્રેમ આપવાનો છે. તમારી મનચાહી વસ્તુ તમારી સામે આવી જશે. આપણે ઘણી વાર એવું વિચારતા હોય છે કે હું ત્યારે ખુશ થઈશ.....જ્યારે મારી પાસે સારું મકાન હશે, હું ત્યારે ખુશ થઈશ.....જ્યારે મારી પાસે સારી નોકરી હશે, બાળકોનું ભણતર પૂરું થઈ જાય, વ્યવસાયમાં સફળ થઈ જાઉં તો.....તો ક્યારેય આ વસ્તુ મળશે નહીં. તમારા વિચાર પ્રેમના નિયમની અવહેલના કરી રહ્યા છે. સુખદ વસ્તુ મેળવવા પહેલા ખુશ રહેવું પડે. જે મેળવવું છે તે આપવું પડે. તમે જે પણ આપશો પ્રેમની શક્તિ તે અનેક ગણું કરીને તમને પાછું આપશે. વિશ્વની દરેક વસ્તુ ચુંબકીય છે. દરેક વસ્તુની એક ચુંબકીય આવૃત્તિ હોય છે. આપણી દરેક ભાવના અને વિચાર પણ એક આવૃત્તિ જ છે. સારી ભાવના અર્થાત તમે સકારાત્મક આવૃત્તિ પર છો. ખરાબ ભાવના અર્થાત તમે નકારાત્મક આવૃત્તિ પર છો. કોઈ ચુંબકની જેમ આપણે આપણી આવૃત્તિ અનુસાર વ્યક્તિ તેમજ ઘટનાઓને ખેંચીએ છીએ. તમે ખુશ છો તો તમે સકારાત્મક આવૃત્તિ પર છો અને સકારાત્મકતા ને આકર્ષિત કરશો. જો તમે ભયભીત કે તણાવગ્રસ્ત છો તો તમારી આસપાસ આવી જ પરિસ્થિતિ આકર્ષિત થશે. તમારી ભાવનાઓ બદલીને તમે તમારી આવૃત્તિ પરિવર્તિત કરી શકો છો.
પ્રેમનો અર્થ ફક્ત એક બીજા પ્રત્યે સમર્પિત હોય એ નથી. પ્રેમનો અર્થ છે એક જ દિશામાં ચાલવું. ઘણી વાર લોકો પ્રેમને બંધન માને છે. પ્રેમ અને બંધન બંને વિપરીત છે. હકીકતે પ્રેમમાં બંધન હોતું નથી. જે બંધનમાં રાખે તે પ્રેમ ન હોય શકે. પ્રેમ તો આપણને મુક્ત રાખે છે. ઈશ્વરીય પ્રેમમાં જ્યારે આપણે મગન હોય ત્યારે પરમાત્મા એ નથી જોતાં કે આપણે તેને કેટલો પ્રેમ કરીએ છે. તે એ જુએ છે કે આપણે તેને કેટલા પ્રેમથી યાદ કરીએ છે. આ સંસારની ઉત્પતિ જ પ્રેમથી થઈ છે. પરંતુ અત્યારના સમયમાં પ્રેમનું મહત્વ બદલાઈ ગયું છે. અર્થાત પ્રેમ ન મળવાને કારણે સંસાર દૂ:ખોનું ઘર બની ગયું છે. અજાણતા જ પ્રેમના ભાવને આપણે અનેક ભાવોમાં દૂષિત કરી દીધું છે. આથી જ જરૂરી છે કે જે તમને પ્રેમ કરે છે તેના મહત્વ ને સમજો. તે તમારા જીવનમાં છે એટલે તમારું જીવન સુંદર છે. તેની કાળજી કરવાનું શીખો.
પરિવાર સંસારનું એકમ છે. હવે જુઓ તમે પરિવારમાં કેવી રીતે રહો છો......? મજબૂરી થી કે ખુશીથી.....? કોઈ સભ્ય ભલે કેવું પણ હોય આપણે તેને નિસ્વાર્થ સ્નેહ કરીએ તો તે પણ સ્નેહથી રહેશે. વાસ્તવમાં ઘરમાં જે પરેશાનીઓ છે તેનું મૂળ કારણ એ છે કે લોકો સ્નેહ માંગે છે. જ્યારે તેને સ્નેહ મળતો નથી તો તે ખરાબ વ્યવહાર કરે છે. જેથી આપણે તેની તરફ ધ્યાન આપીએ. દરેક મનુષ્યનો સ્વભાવ જુદો જુદો હોય છે. તેને તે અનુસાર જ સ્વીકાર કરો. આપણી સાથે જોડાયેલા બધા જ સંબંધોનું મહત્વ સમજો, તેની કદર કરો. દરેક વ્યક્તિ પોતાની કદર ઇચ્છે છે. જો તેની કદર નહીં હોય તો પ્રેમ ખતમ થઈ જશે અને પરેશાની વધી જશે. પ્રેમમાં વિશ્વાસ આવશ્યક છે. વિશ્વાસ વિશ્વની ઉચ્ચતમ તરંગ છે. એક એવી તરંગ જે ખુબજ શક્તિશાળી છે અને અતૂટ પ્રેમનું નિર્માણ કરે છે. અને છેલ્લે..... Let’s make God, Our true and most beloved Valentine.

લેખન પ્રો.ડો તૃપ્તિબેન છાંટબાર
રિપોર્ટર સુદીપ ગઢીયા -9909622115


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.