સાબરકાંઠા જિલ્લામાં લમ્પી સ્કિન ડીસીઝને લઈને પ્રતિબંધિત હુકમ બહાર પડાયો - At This Time

સાબરકાંઠા જિલ્લામાં લમ્પી સ્કિન ડીસીઝને લઈને પ્રતિબંધિત હુકમ બહાર પડાયો


*સાબરકાંઠા જિલ્લામાં લમ્પી સ્કીન ડીસીઝને લઇને પ્રતિબંધિત હુકમ*

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝ નામનો રોગ જોવા મળેલ છે. જેમાં સાબરકાંઠા જિલ્લામાં પણ લમ્પી સ્કીન ડીસીઝ નામના રોગના હાલની સ્થિતિએ ૧૫ જેટલા કેસો નોંધાયા છે. લમ્પી સ્કીન ડીસીઝ નામનો રોગ વાયરસ થકી એક પશુથી બીજા પશુઓમાં ઝડપથી ફેલાઈ છે.આ રોગનો ચેપ પશુઓમાં એકબીજાના સીધા સંપર્કથી તેમજ પશુઓના શરીર પર ચોંટેલી ઇતરડી, માખી, મચ્છર વગેરેથી પણ ફેલાઈ શકે છે. લમ્પી સ્કીન ડીસીઝના વાઇરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા સરકારશ્રીના કૃષિ,ખેડૂત, કલ્યાણ અને સહકાર વિભાગ, ગાંધીનગર દ્વારા વાયરસના સંક્રમણને પશુઓમાં ફેલાતો અટકાવવા માટે કેટલાક નિયંત્રણો જાહેર કર્યા છે. જેમાં જિલ્લામાં અન્ય રાજ્યો કે અન્ય જિલ્લાઓમાં કે અત્રેના જિલ્લાના એક તાલુકામાંથી બીજા તાલુકામાં કે એક ગામથી બીજા ગામમાં પશુઓની હેરફેર કરવા ઉપર પ્રતિબંધ. પશુઓના વેપાર,પશુ મેળા, પશુ પ્રદર્શન, પશુઓ સાથેની રમતો અને પશુઓને એક કરવાના થતા હોય તેવા તમામ આયોજનો ઉપર પ્રતિબંધ. કોઈ રસ્તામાં કે જાહેર જગ્યાએ ચેપી રોગ તથા કોઇપણ રોગથી મરેલા જાનવરોના મૃતદેહને અથવા તેના કોઈ ભાગને ખુલ્લા/છુટા છોડી દેવાની અથવા તેમને લાવવા લઇ જવા પર પ્રતિબંધ.આવા રોગવાળા જાનવરો જે જગ્યાએ હોય તે જગ્યાનો ભોગવટો કરનારે અથવા રહેવાસીઓએ તે જગ્યાને સ્વચ્છ રાખવી તથા તે જગ્યા ઉપરથી રોગબીજનો નાશ કરવા અને જે પશુને એવો રોગ થયો છે તેમ દેખાતું હોય તેવા જાનવરોને એકમેકથી છુટ્ટા રાખવા તથા તે મુજબની વ્યવસ્થા કરવી. આ પ્રતિબંધ સમગ્ર સાબરકાંઠા જિલ્લાના વિસ્તારમાં લાગુ કરવાનો રહેશે.આ હુકમ તારીખ ૭ સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સહિતા -૧૮૬૦ની કલમ ૧૮૮ તથા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ ૧૩૫ હેઠળ સજા/દંડને પાત્ર થશે.

રાજકમલસિંહ પરમાર
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.