રાજ્યમાં નર્મદા નહેર બનાવવાની ૯૧.૭૬ ટકા કામગીરી પૂર્ણ; બાકીની કામગીરી વર્ષ ૨૦૨૫ સુધીમાં પૂર્ણ કરાશે: મંત્રી શ્રી ઋષિકેશ પટેલ - At This Time

રાજ્યમાં નર્મદા નહેર બનાવવાની ૯૧.૭૬ ટકા કામગીરી પૂર્ણ; બાકીની કામગીરી વર્ષ ૨૦૨૫ સુધીમાં પૂર્ણ કરાશે: મંત્રી શ્રી ઋષિકેશ પટેલ


રાજ્યમાં નર્મદા નહેર બનાવવાની ૯૧.૭૬ ટકા કામગીરી પૂર્ણ; બાકીની કામગીરી વર્ષ ૨૦૨૫ સુધીમાં પૂર્ણ કરાશે: મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી શરૂ થયેલી નર્મદા યોજનાના પરિણામે રાજ્યના દુર્ગમ વિસ્તારોમાં પણ નર્મદાના નીર પહોંચ્યા

મુખ્ય નહેરનું કામ ૧૦૦ ટકા, શાખા નહેરનું ૯૯.૯૮ ટકા, વિશાખા નહેરનું ૯૬ ટકા, પ્રશાખા નહેરનું ૯૩ ટકા અને પ્રપ્રશાખા નહેરનું ૯૦ ટકા કામ પૂર્ણ

વિધાનસભા ગૃહ ખાતે સભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ગુજરાતમાં શરૂ થયેલી નર્મદા યોજનાના પરિણામે કચ્છ જેવા દુર્ગમ વિસ્તારોમાં પણ નર્મદાના નીર પહોંચ્યા છે.

મંત્રી શ્રી પટેલે ઉમેર્યું હતું કે, રાજ્યમાં નર્મદા યોજના હેઠળ કુલ ૬૯,૪૯૭.૪૧ કિ.મી લંબાઈની નહેરો બનાવવાનું આયોજન છે. જે પૈકી ૬૩,૭૭૩ કિ.મી લંબાઈની નહેર બનાવવાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. એટલે કે, નર્મદા નહેર બનાવવાની ૯૧.૭૬ ટકા કામગીરી પૂર્ણ થઈ છે, જ્યારે બાકીની કામગીરી વર્ષ ૨૦૨૫ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે અને રાજ્યના ખૂણે-ખૂણે પાણી પહોંચાડવામાં આવશે.

મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, તા. ૩૧/૧૨/૨૦૨૩ની સ્થિતિએ નર્મદા યોજના અંતર્ગત મુખ્ય નહેરનું કામ ૧૦૦ ટકા પૂર્ણ થયું છે તેમજ શાખા નહેરનું કામ ૯૯.૯૮ ટકા પૂર્ણ થયું છે. આ ઉપરાંત વિશાખા નહેરનું ૯૬ ટકા, પ્રશાખા નહેરનું ૯૩ ટકા અને પ્રપ્રશાખા નહેરનું ૯૦ ટકા કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ૫૭૨૪ કિ.મી નર્મદા નહેર બનાવવાનું કામ બાકી છે, તે પૈકી ૭૨૪ કિ.મી નહેરોનુ બાંધકામ ઔદ્યોગિકરણ જેવા વિવિધ કારણોસર કરવાનું રહેતુ નથી. આ ઉપરાંત સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ, ભાવનગર, બોટાદ, કચ્છ, મહેસાણા અને પાટણ જિલ્લામાં મળી કુલ ૫,૦૦૦ કિ.મીમાં નહેરનું બાંધકામ બાકી છે તે સત્વરે પૂર્ણ કરવામાં આવશે.

લઘુ જળ વિદ્યુત મથકોમાં કુલ ૮૫.૪૬ મેગાવોટના પ્રોજેક્ટ પૈકી તા. ૩૧.૧૨.૨૦૨૩ની સ્થિતિએ ૬૩.૮૦ મેગાવોટ્ના કામો પૂર્ણ થયા છે, તેમ તેમણે ઉમેર્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.