સુરત શહેરના બિલ્વેશ્વર મંદિરનો ઇતિહાસ ૩૦૦ વર્ષ કરતા પણ જૂનો

સુરત શહેરના બિલ્વેશ્વર મંદિરનો ઇતિહાસ ૩૦૦ વર્ષ કરતા પણ જૂનો


- શિવલિંગનો થોડો જ ભાગ જમીનની ઉપર છે જ્યારે બાકીનો જમીનની અંદર છે સુરત,તા.06 ઓગષ્ટ 2022,શનિવાર ખાસ કરીને શ્રાવણ માસમાં અલગ અલગ મહાદેવ મંદિરોનો ઈતિહાસ સાંભળવા મળતો હોય છે ત્યારે સલાબતપુરાના બિલ્વેશ્વર મહાદેવ મંદિરનો ઈતિહાસ પંડિતોના મતે ૩૦૦ વર્ષ કરતા પણ જુનો છે. ચિથલીયા મહાદેવના નામે ઓળખાતું આ મંદિર અહીં બીલીપત્રનું વૃક્ષ સ્વયંભુ નીકળ્યા બાદ બિલેશ્વર તરીકે પ્રખ્યાત છે. સમગ્ર ગુરાતભરમાંથી લોકો શ્રાવણમાં દર્શન માટે આવે છે.સલાબતપુરા ઇન્દરપૂરા કાલીપુલના બિલ્વેશ્વર મહાદેવ કચરાપેટી પાસેથી મળ્યા હોવાનું પૂજારીઓનું માનવું છે. તે વિસ્તારમાં આવેલી કચરાપેટી પાસે એક ગાય આવીને અભિષેક કરતી હોવાની ઘટના જોયા બાદ તે સમયે ત્યાં રહેતા ચિથલીયા વણઝારાઓના ગ્રુપે તેની સ્થાપના કરી અને ત્યાર થી આ મંદિર ચિથલીયા મહાદેવ તરીકે ઓળખાતું હતું. વણઝારાઓના ગ્રુપના ગયા બાદ ઘણા પૂજારીઓ સ્વેચ્છિક રીતે પૂજા કરતા હતા. એક સમયે ત્યાં અચાનક બીલીપત્રનું વૃક્ષ દ્રશ્યમાન થતા મંદિરનું નામ બિલવેશ્વર મહાદેવ પડ્યું અને ત્યાર થી આજ નામે મંદિર જાણીતું બન્યું છે. મહત્વની વાત એ છે કે સ્વયંભુ પ્રગટ થયેલું આ શિવલિંગ આખે આખું બહાર નથી. તેનો અડધો કે તેથી વધુ ભાગ જમીનની અંદર છે જયારે થોડો જમીનની ઉપર. જેને લઈને શિવલિંગની ફરતે ચાંદીની બેઠક બનાવાય છે. આ અંગે પંડિત લડડુ મહારાજે કહ્યું કે, એક સમયે જ્યાં અડભંગેશ્વર મહાદેવની જયના જયનાદ ગુંજી રહ્યો હતો એ શિવાલયનો મુસ્લિમ શાસનકાળમાં વિધ્વંશ થયો. સૈકા પછી ચિથલ નામના વણજારા દ્વારા એનું પુનઃ પ્રાગટ્ય થયું અને એજ વણજારાએ શિવાલય બનાવ્યું. કેટલાય વર્ષના વહાણા વહી ગયા એ કાળ જૂના શિવાલયનો જીર્ણોદ્ધાર થઇ વિશાળ ઘુમટ તથા શિખરબંધ્ધ મંદિર તૈયાર થયું છે. ચિથલીયા મહાદેવના મંદિરમાં ઘણા પૂજારીઓ આવી ગયા. ભૂતકાળાના ઇતિહાસમાં થઈ ગયેલા એવા મહાનુભાવોની કોઇ નોંધ નથી. જો કે ૫૦ વર્ષ પહેલા એક ઉત્તર ભારતના બ્રાહ્મણ પૂજા કરતા હતા. તે બકરી પાળતા હતા અને નિત્ય બકરીનું દૂધ મહાદેવને ચડાવતા એવો તેમનો નિયમ હતો. સમયના વહેણ સાથે એ બ્રાહ્મણ પૂજારી વિદાય થયા.  બાદમાં એનેક પૂજારી આવ્યા. હાલમાં મહંત સાર્દુલ વ્યાસ છે. અગત્યની વાત એ પણ છે કે એક સમયે અહીં વસતા લોકો શહેરના અલગ અલગ વિસ્તારમાં કે પોતાના વતન સ્થાયી થયા હતા તે લોકો ખાસ શ્રાવણ મહિનામાં આ મંદિરે દર્શન, પૂજા અને રુદ્રાભિષેક કરવા માટે આવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »