રાજકોટ શહેર મતદારયાદી સુધારણાંની ખાસ ઝુંબેશ. - At This Time

રાજકોટ શહેર મતદારયાદી સુધારણાંની ખાસ ઝુંબેશ.


રાજકોટ શહેર તા.૫/૯/૨૦૨૨ ના રોજ ભારતના ચૂંટણીપંચ દ્વારા તા.૧૨ ઓગસ્ટ થી ૧૧ સપ્ટેમ્બર સુધી મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણાં કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે અન્વયે રાજકોટ જીલ્લા ચૂંટણી અધિકારીશ્રી તેમજ જીલ્લા કલેક્ટરશ્રી અરૂણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ ગઈકાલ તા.૪ સપ્ટેમ્બર, રવિવારના રોજ તમામ મતદાન મથકોએ મતદારયાદી ઝુંબેશની કામગીરી કરવામાં આવી હતી. જેને જનતા તરફથી ખુબ સારો પ્રતિસાદ મળ્યો હતો. જીલ્લાના તમામ મતદાન મથકોએ BLO ની હાજરીમાં મતદારયાદીમાં નવા નામ નોંધણી, સુધારા-વધારા અને આધારકાર્ડ લીંક માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અન્વયે રાજકોટ જીલ્લામાં એક જ દિવસમાં ૧૮૩૩૮ જેટલાં નવા ફોર્મ ભરાયા હતા. તદુપરાંત ઓનલાઈન પણ બહોળી સંખ્યામાં ફોર્મ ભરાયા હતા. રાજકોટ જીલ્લામાં કુલ ૧૮૩૩૮ નવા નામ નોંધાવવા માટેની અરજીઓ, આધારકાર્ડ લીંક કરવા અંગેની કુલ ૩૫૬૩૬ અરજીઓ, અવસાન થતા નામ કમીની ૩૮૫૧ અરજીઓ તેમજ ચુંટણીકાર્ડમાં અરજદારોના નામ, સરનામા, જન્મતારીખ તેમજ ફોટામાં સુધારા-વધારા અંગેની ૧૭૮૩૦ જેટલી અરજીઓ નોંધાઈ હતી. આ સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કરવા અર્થે જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી અરૂણ મહેશ બાબુએ અધિક જીલ્લા ચૂંટણી અધિકારીશ્રી એસ.જે.ખાચર સાથે (૬૯) રાજકોટ શહેર પશ્ચિમ, (૭૦) રાજકોટ શહેર દક્ષિણ (૭૧) રાજકોટ ગ્રામ્ય સહિત ૩૪ જેટલા મતદાન મથકોએ રૂબરૂ મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ સમગ્ર ઝુંબેશને બહોળો પ્રતિસાદ મળતા જીલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જીલ્લા કલેક્ટરશ્રીએ સરાહનીય કામગીરી ગણાવી હતી. આ તકે મતદાન મથકના નિરીક્ષણ દરમ્યાન ૮૦ વર્ષથી વધુ વયના વૃદ્ધાને કલેક્ટરશ્રી અરૂણ મહેશ બાબુ તરફથી અભિવાદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.

રિપોર્ટર. દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.