પતંગ મહોત્સવમાંથી પંજાબી સ્પર્ધકની વિરાટ તિરંગા પતંગ કપાઇ ગઇ : રોડ પરથી કોઇ ઉઠાવી ગયું! - At This Time

પતંગ મહોત્સવમાંથી પંજાબી સ્પર્ધકની વિરાટ તિરંગા પતંગ કપાઇ ગઇ : રોડ પરથી કોઇ ઉઠાવી ગયું!


રાજકોટમાં આજે યોજાયેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને બાળકો સહિતના લોકોએ મન ભરીને માણ્યો હતો. પરંતુ આજે પંજાબથી આવેલા એક પતંગબાજને કડવો અનુભવ થયો હતો. તેમની તિરંગા પતંગ કપાઇને ટાગોર રોડ પર પહોંચ્યા બાદ કોઇ લઇ જતા આ સ્પર્ધકે એ ડીવીઝન પોલીસમાં જાણ કરી છે. જેના આધારે ક્રાઇમ બ્રાંચે સીસીટીવી ચેક કરવા સહિતની કાર્યવાહી શરૂ કરી છે.
આ ઘટના અંગેની વિગત મુજબ ધર્મેન્દ્રસિંહજી કોલેજના મેદાનમાં આજે પતંગ મહોત્સવ યોજાયો હતો. તેમાં દેશ-વિદેશમાંથી પતંગબાજો આવ્યા હતા. આ પૈકી પંજાબના એક પતંગબાજે દેશની શાન સમાન તિરંગાની પતંગ ઉડાવી હતી. બપોરે આ પતંગ કપાઇને વધુ પવનના કારણે કોલેજ કેમ્પસ બહાર ઉડીને ટાગોર રોડ તરફ નીકળી ગઇ હતી. આ અંગેની જાણ થતા વ્યવસ્થામાં રહેલા મનપાના અધિકારી અને સ્ટાફ તેમને લઇને ટાગોર રોડ પર ગાડીમાં દોડયો હતો. ત્યાં નજીકમાં પતંગ કયાં પડી તે શોધવા પ્રયાસ કર્યો હતો. પરંતુ પતંગ દેખાઇ ન હતી.
અંતે આ પતંગ કોઇ લઇ ગયાનું તારણ નીકળતા આ પંજાબી સ્પર્ધકને પોલીસમાં ફરિયાદ કરવા સલાહ આપવામાં આવી હતી. આથી તેઓએ એ ડીવીઝન ખાતે બનાવની જાણ કરી છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ઉડેલી વિરાટ કાય અને 20થી 25 હજારની કિંમતની પતંગ કપાઇને ચોરાઇ જતા આ ઘટના અંગે પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરવાનું શરૂ કર્યુ છે. કોઇ પતંગ લઇને ભાગી ગયું હોય તો ચોકકસપણે શોધીને પતંગ પાછી લાવવા પોલીસે ખાતરી આપી છે. મહોત્સવમાં આવેલા અન્ય સ્પર્ધકે તેમને બીજી પતંગની ભેંટ આપી હતી.
આ પતંગ ઉડતી હતી ત્યારે હવામાં અન્ય પતંગે આ પતંગ કાપતા મેદાન બહાર ચાલ્યા ગયાનું પતંગવીરે કહ્યું હતું. તો આ પતંગ હવામાં સ્થિર થયા બાદ બાંધવામાં આવી હતી અને ત્યાંથી છુટીને દુર ચાલી ગયાનું પણ નજરે જોનારા લોકોેએ કહ્યું હતું.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.