107-બોટાદ મતદાર વિભાગ માટે 307 મતદાન મથકો કાર્યરત કરવા ઈ.વી.એમ. સોંપવાની કામગીરી સંપન્ન: 1233 સુરક્ષા કર્મીઓ અને 1350 પોલીંગ સ્ટાફ ફરજ પર તૈનાત - At This Time

107-બોટાદ મતદાર વિભાગ માટે 307 મતદાન મથકો કાર્યરત કરવા ઈ.વી.એમ. સોંપવાની કામગીરી સંપન્ન: 1233 સુરક્ષા કર્મીઓ અને 1350 પોલીંગ સ્ટાફ ફરજ પર તૈનાત


મતદાન પહેલા તમામ તૈયારીઓ સુનિશ્ચિત કરતા બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી બીજલ શાહ

સખી, દિવ્યાંગ, યુથ, મોડેલ અને ઇકોફ્રેન્ડલી મતદાન મથકો દ્વારા મતદારોને મતદાન માટે સુગમતા પુરી પડાશે

આવતી કાલે બોટાદ જિલ્લામાં મતદાન: 80 વર્ષથી વધુ વયનાં નાગરિકો અને પી.ડબ્લ્યૂડી.ડી. મતદારો માટે ચૂંટણી પંચે કરી વિશેષ વ્યવસ્થા

આવતીકાલે વિધાનસભાની સામાન્ય ચૂંટણીના પહેલા તબક્કામાં બોટાદ જિલ્લામાં મતદાન યોજાશે. જે સંદર્ભે બોટાદના વિવિધ વિસ્તારોમાં મતદાન મથકો કાર્યરત કરવા માટે અધિકારીઓને ઇવીએમ સહિતનું સાહિત્ય સોંપવામાં આવ્યું હતું. તેમજ ચૂંટણી માટે ફરજ પરના અધિકારીઓ અને કર્મચારીઓને મતદાન મથકોએ મોકલવામાં આવ્યા હતા. જેમાં 107-બોટાદ મતદાર વિભાગ માટે 307 મતદાન મથકો ખાતે કર્મચારીઓને ચૂંટણી વ્યવસ્થામાં આજે ફરજ સોંપવામાં આવી હતી. બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી બીજલ શાહ દ્વારા મતદાન અગાઉ તમામ તૈયારીઓ સુનિશ્ચિત કરવામાં આવી હતી. સખી, દિવ્યાંગ, યુથ, મોડેલ અને ઇકોફ્રેન્ડલી મતદાન મથકો પર ફરજ પર રહેલા કર્મચારીઓ અને મતદારોને સુગમતા રહે તે માટે શ્રી બીજલ શાહે ખાસ માર્ગદર્શન આપ્યું હતું.

107-બોટાદ મતદાર વિભાગના ચૂંટણી અધિકારીશ્રી અને પ્રાંત અધિકારીશ્રી દિપક સતાણીએ 107-બોટાદ મત વિસ્તારની વિગતો આપતા જણાવ્યું હતું કે, 307 મતદાન મથકો પર 1350 કર્મચારીઓ અને 1233 સુરક્ષા કર્મીઓ ફરજ પર તૈનાત રહેશે. 80 વર્ષથી વધુ વયના મતદારો તેમજ પી.ડબ્લ્યૂ.ડી મતદારો માટે ચૂંટણી પંચે વિશેષ વ્યવસ્થા કરી છે. જરૂરિયાતમંદો કંટ્રોલ રૂમ નંબર (02849) 271323 પર જાણ કરીને વાહન વ્યવહાર, વ્હીલ ચેર સહિતની સેવાઓ માટે મદદ માંગી શકે છે.

લોકશાહીના મહાપર્વ સમાન ચૂંટણીમાં લોકોને મતદાન કરવામાં સુગમતા રહે અને લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીને મજબૂત બનાવવામાં પોતાનું યોગદાન આપે તે માટે સમગ્ર બોટાદ જિલ્લા ચૂંટણી તંત્ર, પોલીસ તંત્ર અને સર્વે કર્મચારીઓ સતત ખડે પગે કાર્યરત છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.