જડબેસલાક સુરક્ષા વચ્ચે આજે ૭૬મા સ્વતંત્રતા પર્વની ઊજવણી - At This Time

જડબેસલાક સુરક્ષા વચ્ચે આજે ૭૬મા સ્વતંત્રતા પર્વની ઊજવણી


નવી દિલ્હી, તા.૧૪ભારતની આઝાદીના ૭૫ વર્ષ પૂરા થવાના પ્રસંગે દેશમાં 'આઝાદી કા અમૃત મહોત્સવ'ની ઊજવણી થઈ રહી છે. કેન્દ્રના 'હર ઘર તિરંગા' અભિયાનના પગલે દેશવાસીઓ દેશભક્તિના હિલોળે ચઢ્યા છે. દેશમાં ૭૬મા સ્વતંત્રતા દિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ૯મી વખત લાલ કિલ્લાની પ્રાચીરથી રાષ્ટ્રીય ધ્વજ ફરકાવશે અને દેશને સંબોધન કરશે. વડાપ્રધાન મોદી આ પ્રસંગે અનેક વખત મહત્વપૂર્ણ જાહેરાતો કરે છે. ગયા વર્ષે તેમણે રાષ્ટ્રીય હાઈડ્રોજન મિશન, ગતિ શક્તિ માસ્ટર પ્લાન અને ૭૫ સપ્તાહમાં ૭૫ વંદે ભારત ટ્રેન ચલાવવાની જાહેરાતો કરી હતી. આ વર્ષે પણ વડાપ્રધાન મહત્વની જાહેરાતો કરે તેવી શક્યતા છે.લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસની ઊજવણીના ભાગરૂપે અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વર્તમાન સમયમાં સૌથી મોટું જોખમ ડ્રોન હુમલાને ગણાવાઈ રહ્યું છે ત્યારે લાલ કિલ્લા પર એન્ટી ડ્રોન સિસ્ટમ લગાવાઈ છે. ડીઆરડીઓ દ્વારા તૈયાર કરાયેલી કાઉન્ટર ડ્રોન સિસ્ટમ નાનામાં નાના ડ્રોનના કોઈપણ સંભવિત જોખમનો સામનો કરવા માટે તૈયાર છે. આ સિસ્ટમ પાંચ કિ.મી. વિસ્તારમાં કોઈપણ આકારના ડ્રોનની ભાળ મેળવી શકે છે અને તેને નિષ્ક્રિય કરી શકે છે. લાલ કિલ્લાના વિસ્તારને નો ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે.વધુમાં આઝાદીના પર્વ પ્રસંગે લાલ કિલ્લામાં પહેલી વખત સૌથી હાઈટેક ટ્રિપ વાયર એલાર્મ સિસ્ટમનો ઉપયોગ કરાશે. વડાપ્રધાન મોદીના લાલ કિલ્લામાં પ્રવેશતા જ આ સિસ્ટમ કામ શરૂ કરી દેશે. હકીકતમાં આ સિસ્ટમ કેમેરા મારફત વર્ચ્યુઅલ લાઈન તૈયાર કરશે. કોઈપણ વ્યક્તિ આ લાઈન ક્રોસ કરશે તો તે ઓટોમેટિક એલાર્મ સાથે રેડ સિગ્નલ આપશે. જેથી સુરક્ષા એજન્સીઓને કોઈ વ્યક્તિએ શંકાસ્પદ પ્રવેશ કર્યાની જાણ થઈ જશે. લાલ કિલ્લામાં વડાપ્રધાનના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને પ્રત્યેક વર્ષની જેમ આ વર્ષે પણ એસપીજીએ સુરક્ષા વ્યવસ્થા સંભાળી લીધી છે. સુરક્ષાને અભેદ્ય બનાવવા માટે એનએસજી કમાન્ડો અને અર્ધસૈનિક બળોની ટીમો તૈનાત કરાઈ છે. આ સિવાય લાલ કિલ્લાની સુરક્ષામાં અંદાજે ૨૫,૦૦૦થી વધુ જવાન અને ૪૦૦ કમાન્ડો તૈનાત રહેશે. વધુમાં લાલ કિલ્લાની આજુબાજુની ઈમારતો પર સ્નાઈપર તૈનાત કરાયા છે. લાલ કિલ્લામાં સ્વતંત્રતા દિનના કાર્યક્રમમાં ૮,૦૦૦થી વધુ લોકોની સુરક્ષાની જવાબદારી આ સુરક્ષા જવાનો સંભાળશે. વધુમાં લાલ કિલ્લાની અંદર, બહાર અને વડાપ્રધાન મોદીના રૂટ પર નિરીક્ષણ માટે ૧,૦૦૦થી વધુ સીસીટીવી કેમેરા લગાવાયા છે.ગૃહમંત્રાલયના જણાવ્યા મુજબ સવારે ૭.૩૦ વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લાની પ્રાચિર પર રાષ્ટ્ર ધ્વજ ફરકાવશે. પીએમ મોદીના દિવસની શરૂઆત સવારે ૭.૦૬ વાગ્યે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સમાધી રાજઘાટ પર ફૂલ ચઢાવવાથી થશે. ત્યાંથી તેઓ લાલ કિલ્લા પર જવા રવાના થશે. અહીં પહેલાં તેમને ગાર્ડ ઓફ ઓનર અપાશે ત્યાર પછી તેઓ રાષ્ટ્ર ધ્વજ ફરકાવશે અને રાષ્ટ્રને સંબોધન કરશે. રાષ્ટ્ર ધ્વજ ફરકાવતી વખતે ૨૧ તોપોની સલામી અપાશે. આ વર્ષે પહેલી વખત ૨૧ તોપોની ઔપચારિક સલામીમાં સ્વદેશી હોવિત્ઝર તોપ, એટીએજીએસનો ઉપયોગ કરાશે. ડીઆરડીઓ દ્વારા વિકસાવાયેલ આ ગન સંપૂર્ણપણે સ્વદેશી છે. વડાપ્રધાન મોદી આ વર્ષે પણ સ્વતંત્રતા દિને મહત્વપૂર્ણ જાહેરાત કરે તેવી શક્યતા છે. ૭૬મા સ્વતંત્રતા દિનના ભાષણમાં વડાપ્રધાન દુનિયાની સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્ર અને મેક ઈન ઈન્ડિયાના યોગદાન અંગે વાત કરી શકે છે. આજે ભારત ડિજિટલ પેમેન્ટમાં દુનિયામાં નંબર-૧ ઉપર છે. મોદી આ સિદ્ધિ અંગે પણ વાત કરી શકે છે.પોલીસ-સૈન્યના જવાનોને શૌર્ય મેડલ્સ એનાયત થશેનવી દિલ્હી, તા.૧૪દિલ્હીમાં સ્વતંત્રતા દિને સૈન્યના જવાનો અને પોલીસને શૌર્ય મેડલ્સ એનાયત કરવામાં આવે છે. આ વર્ષે સલામતી દળોના કુલ ૧,૦૮૨ જવાનોને ગેલેન્ટ્રી એવોર્ડ્સ એનાયત થશે, જેમાં સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનોએ સૌથી વધુ ગેલેન્ડ્રી એવોર્ડ્સ મેળવ્યા છે. ગૃહમંત્રાલયના જણાવ્યા મુજબ શૌર્ય મેડલ્સમાં ૩૪૭ પોલીસ મેડલ, નિયોજિત સેવા માટે ૮૭ પ્રેસિડેન્ટ્સ પોલીસ મેડલ અને પ્રશંસનિય સેવા માટે ૬૪૮ પોલીસ મેડલ્સ એનાયત થશે. સીઆરપીએફના જવાનોને સૌથી વધુ ૧૦૯ અને જમ્મુ-કાશ્મીર પોલીસને ૧૦૮ ગેલેન્ટ્રી એવોર્ડ અપાશે. ૧૯ મેડલ બીએસએફને તથા આઈટીબીપી અને સશસ્ત્ર સીમા બળને ૬-૬ એવોર્ડ અપાશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.