રાજકોટની ઓલમ્પસ હોસ્પિટલ સાથે ફાર્માસીસ્ટ મેનેજરે રૂા.37 લાખની છેતરપીંડી આચરી - At This Time

રાજકોટની ઓલમ્પસ હોસ્પિટલ સાથે ફાર્માસીસ્ટ મેનેજરે રૂા.37 લાખની છેતરપીંડી આચરી


રાજકોટમાં વિદ્યાનગર મેઈન રોડ પર આવેલ ઓલમ્પસ હોસ્પિટલ સાથે આસીસ્ટન્ટ મેનેજર ફાર્માસીસ્ટ યશેષ શેઠે દવાના સ્ટોકમાં મોટો ગોટાળો કરી હોસ્પિટલ સાથે રૂ.37 લાખની છેતરપીંડી આચરતાં હોસ્પિટલના ડાયરેક્ટર ડો. મિહિર તન્નાએ એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.
બનાવ અંગે શ્રોફ રોડ પર ચાણક્ય એપાર્ટમેન્ટમાં રહેતાં ડો. મીહીરભાઈ પ્રફુલભાઈ તન્ના (ઉ.વ.48) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે યશેષ રાજેશ શેઠ (રહે.પાવન પાર્ક, સત્યસાઈ માર્ગ, કાલાવડ રોડ) નું નામ આપતાં એ. ડિવિઝન પોલીસે છેતરપીંડીની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓએ વિદ્યાનગર મેઈન રોડ પર ઓલમ્પસ હોસ્પીટલ તન્ના હેલ્થકેર પ્રાઇવેટ લીમીટેડ વર્ષ 2013 માં ચાલુ કરેલ હતી. ત્યારથી તેઓ તન્ના હોસ્પીટલના ડાયરેકટર પદે અને કાર્ડીયોલોજીસ્ટ તરીકે સેવા આપે છે.
ગઇ તા. 10/11/2016 થી હોસ્પીટલમાં આસીસ્ટન્ટ મેનેજર ફાર્માસીસ્ટની જગ્યા ખાલી હોય જેથી અન્ય હોસ્પીટલોના રેફરન્સથી એમ્પલોયર યશેષ શેઠ ઇન્ટરવ્યુ દેવા હોસ્પીટલમાં આવેલ અને તેમના ઇન્ટરવ્યુમાં તેના ફાર્માસીસ્ટની પોસ્ટને લગત અનુભવ પરથી તન્ના હેલ્થકેર હોસ્પીટલમાં આસીસ્ટન્ટ મેનેજર ફાર્માસીસ્ટની પોસ્ટ પર તેમને જોબ પર રાખેલ અને ત્યારે હોસ્પીટલના અપોઈમેન્ટ લેટર તેમને હોસ્પીટલના નીયમો વાંચી તેમની પાસે અપોયમેન્ટ લેટર પર સહી લઇ જોબ પર રાખેલ હતા. ત્યારે તેની સેલેરી આશરે રૂ. 20 હજાર નક્કી થયેલ હતી.
આરોપીની ફરજ હોસ્પીટલને લગત દવાની ખરીદી કરવી, વેચાણ કરવું, તમામ હીસાબો રાખવા, રોકડ આવક જાવક તમામ નોંધો અને હીસાબો રાખવા અને નીભાવવા તથા દવા જે કંપનીના ડીલર પાસેથી ખરીદી કરવામાં આવતી તેની નોંધ રાખવા જેવા કામો કરવાના થતા હતા. જે ફાર્માસીસ્ટના સોફટેવેરમાં તમામ દવાનુ ખરીદ વેચાણની ઓન લાઈન એન્ટ્રી તથા હીસાબો તે પોતાના યુઝરનેમ આઈ.ડી તથા એડમીનના યુઝરનેમ , આઈ.ડી આપેલ હતા. તેમા લોગીન કરી દવાનુ ખરીદી અને વેચાણના હીસાબો આઈ.ડીમા લોગીન થઈને કરવાનુ હોય છે.
યશેષ શેઠ દર મહીને દવાનુ ખરીદ-વેચાણનો હીસાબ એક કાચી ચીઠીમા લખી જણાવતો તેમજ દર વર્ષે પણ દવાનુ ખરીદ-વેચાણનો હીસાબ કાચી ચીઠ્ઠીમા લખીને જણાવતો હતો. ગયા વર્ષે આરોપી હોસ્પીટલમાથી દવાનુ બેગ લઇ જતા હતા ત્યારે તેમને પુછેલ કે, આ દવાઓ ક્યાં લઇ જાવ છો તો તેમને જણાવેલ કે, આ એકસપાયરી ડેટ થઇ ગયેલ દવાઓ છે અને ડીલરને આ દવાઓ પરત દેવા જઉં છું.
ડો. મિહિર તન્નાને શંકા જતાં એડમીન સ્ટાફને દવાઓ એકસપાયરી છે કે કેમ તે ચેક કરવા કહેતા તેમનો પાસે રહેલ દવાઓ એકસપાયરી ડેટ વગરની અને રેગ્યુલર દવાઓ હતી. જેથી એડમીનીસ્ટ્રીવ સ્ટાફને બેગમાં તમામ દવાઓ વ્યવસ્થીત ચેક કરવા જણાવેલ અને તમામ દવાઓ રેગ્યુલર હોય જેથી જેથી તે દવા કેમ ડીલરને પરત આપવા જાવ છો તેમ પુછતા ગોળગોળ જવાબ આપવા લાગેલ હતાં.
બાદમાં એકાઉટન્ટસ કાજલબેન મોહીનાની અને રીયા કટારીયા પાસે સોફટવેરમાં તા.01/04/2018 થી તા.31/10/2023 એન્ટ્રી ચેક કરતા ઘણી બધી દવાઓ સપ્લાયર્સને પરત કરવામા આવેલ છે. તેની સામે યશેષએ સપ્લાયર્સ પાસેથી પરચેસ રીર્ટન નોટ કે ક્રેડીટ નોટ મહીનાઓ સુધી લીધેલ ન હતી. જે બાબતની તેને જાણ થતાં તેને દવાના સપ્લાયર્સનો તાત્કાલીક સંપર્ક કરી તેની પાસેથી દવાની અમુક ક્રેડીટ નોટ મંગાવેલ હતી.
જે ક્રેડીટ નોટ ચેક કરતા અલગ દવાઓની હતી. સોફ્ટવેરના ડેટા સાથે સુસંગત ન હતી. સપ્લાયર પાસેથી મંગાવેલ ક્રેડીટ નોટની કિંમત અને દવાઓ બન્ને સોફ્ટવેર પ્રમાણે અલગ અલગ હતી. આરોપીએ વર્ષ 2018 થી 2023 સુધીમા દવાઓ સપ્લાયર્સને પરત ન કરી તે બારોબાર વેચી નાખેલની શંકા હોય અને તેઓની સાથે રૂ. 5,29,327 ની છેતરપીંડી કરેલ હતી. તેમજ એકસપાયરી થઇ ગયેલ દવાઓ જે સપ્લાયર્સને પરત કરવાની હોય તે કરેલ ન હતી.
ઉપરાંત દવાની ક્રેડીટનોટ કે અન્ય રિટર્ન દવાઓ તેઓએ લીધેલ ન હોય અને તે એકસપાયરી થયેલ દવાઓ સપ્લાર્યસ સ્વીકાર કરતા ન હોય અને ડેડ સ્ટોકમા ગણાવાનુ જણાવતા અને ઘણી દવાઓ ફીઝીકલમા ફાર્મસીમા સ્ટોરરૂમમાંથી મળી આવેલ અને સોફટવેરમાં આ દવાઓની એન્ટ્રી કરેલ ન હોય અને આ દવાઓ સપ્લાયર્સને પરત આપેલ ન હતી. બારોબાર બીલ બનાવ્યા વીના વેચી નાખેલની શંકા હોય જેથી એકસપાયરી થયેલ દવા બાબતે ફરિયાદી સાથે વધારાનું રૂ.2,42,945 નું નુકશાન અને છેતરપીંડી કરેલ છે.
જે બાદ ફાર્મસીનુ તમામ સ્ટોકનુ ઓડીટ અને દવાની ફીઝીકલ સ્ટ્રીપ તથા ઇન્જેકશનનો હીસાબ હીનાબેન ઓઝા, રીધ્ધીબેન વડગામા અને કાજલબેન હાંસલીયા પાસે કરાવતા આરોપીએ તા.01/04/2018 થી તા.31/10/2023 સુધીમાં સોફ્ટવેરમા દવાઓના સ્ટોકમા ગફલત કર્યાનુ અને ઘણી દવાઓ એકસપાયરી ન હોવા છતા સોફટવેરમાં એડજેસ્ટમેન્ટ કરેલ હોય જેના કારણે દવાના કરંટ સ્ટોક અને મેન્યુઅલ સ્ટોકમાં રૂ.29,84,619 નો તફાવત જોવા મળેલ.
તમામ હીસાબો સોફટવેરમા તેમને એડમીનના યુઝરનેમ અને પાસવર્ડ સાથે લોગ ઇન કરી સોફટવેરમાં સ્ટોકને એડજેસ્ટમેન્ટ કરવાનો પાવર આપેલ હોય જેથી તેને કોઈ જાણ કર્યા વગર સોફટવેરમા સ્ટોકમા એડજસ્ટ કરીને દુરૂપયોગ કરેલ અને આ નુકશાની બાબતે પુછતા સંતોષકારક જવાબ આપતા ન હોય તેમજ ગઇ તા.08/12/2023 ના ઇમેઇલ દ્રારા નોટીસ પીરીયડ પુરો કર્યા વગર અચાનક પોતાની નોકરીમાથી રાજીનામુ આપી દીધેલ હતું.
જેથી આરોપી યશેષ શેઠે દવાના સ્ટોક રજીસ્ટરમાં અને સોફટવેરમાં દવાના ખરીદ વેચાણમા પોતાના નોકરીના સમયગાળા દરમ્યાન આશરે રૂ.37 લાખની છેતરપીંડી કરતાં ફરીયાદ નોંધાવી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.