સોશિયલ મીડિયાની મદદથી 20 વર્ષ પહેલાં ગુમ થયેલી મુંબઇની મહિલા પાકિસ્તાનમાં મળી - At This Time

સોશિયલ મીડિયાની મદદથી 20 વર્ષ પહેલાં ગુમ થયેલી મુંબઇની મહિલા પાકિસ્તાનમાં મળી


નવી દિલ્હી, તા.2 ઓગસ્ટ 2022,મંગળવાર   લગભગ 20 વર્ષ પહેલા મુંબઈમાં ગુમ થયેલી મહિલા 2022માં મળી આવી છે. આ મહિલા મુંબઇની છે જે વિદેશમાં કામના અર્થે ગઇ હતી.  મહિલાનું નામ હમીદા બાનો (70)ને સોશિયલ મીડિયાની મદદથી પાકિસ્તાનમાં શોધી કાઢવામાં આવી છે. પાકિસ્તાનના હૈદરાબાદ શહેરમાં રહેતી હમીદા બાનો 2002માં મુંબઈથી દુબઈમાં ઘરેલુ સહાયક તરીકે કામ કરવા ગઈ હતી. તાજેતરમાં જ હમીદા બાનોએ સોશિયલ મીડિયાની મદદથી મુંબઈના કુર્લામાં તેના પરિવારનો સંપર્ક કર્યો છે.હમીદા બાનોના પરિવારના જણાવ્યા મુજબ, પાકિસ્તાનમાં એક કાર્યકર વલીઉલ્લાહ મરૂફ હમીદા બાનોને મળ્યો હતો અને હમીદાએ તેને જણાવ્યું હતું કે, એક એજન્ટે તેને 20 વર્ષ પહેલાં દુબઈમાં કામ અપાવવાનું વચન આપીને છેતરપિંડી કરી હતી અને દુબઈના બદલામાં તેને પાકિસ્તાન મોકલી દીધી હતી.હમીદા બાનો પાકિસ્તાનના સિંધ પ્રાંતના મુખ્ય શહેર હૈદરાબાદમાં રહેવા લાગી અને બાદમાં ત્યાંના એક સ્થાનિક વ્યક્તિ સાથે લગ્ન કર્યા, જેનાથી એક બાળક પણ હતું. પરંતુ થોડા દિવસો બાદ હમીદા બાનોના પતિનું અવસાન થયું.પાકિસ્તાનના એક યુટ્યુબરે હમીદા બાનોની આ સ્ટોરી સાંભળ્યા બાદ તેનો એક વીડિયો તેની યુટ્યુબ ચેનલ પર અપલોડ કર્યો અને મુંબઈમાં એક સામાજિક કાર્યકરની શોધ કરી જે તેની મદદ કરી શકે. આખરે તેમને ખફલાન શેખ નામનો એક માણસ મળ્યો.ખફલાન શેખે આ વીડિયો તેના સ્થાનિક જૂથ સાથે શેર કર્યો અને તેણે કુર્લાના કસાઈવાડા વિસ્તારમાં રહેતી હમીદા બાનોની પુત્રી યાસ્મીન બશીર શેખને ટ્રેસ કરી. હમીદા બાનોની પુત્રી યાસ્મિને જણાવ્યું કે તેની માતા 2002માં એક એજન્ટ મારફતે કામના સંબંધમાં દુબઈ ગઈ હતી. જોકે, એજન્ટે છેતરપિંડી કરીને તેને પાકિસ્તાન મોકલી આપ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.