સાબરકાંઠા સંસદીય મતદાર વિભાગમાં નિમાયેલા ચૂંટણી ખર્ચ નિરીક્ષકશ્રી દયાનંદન ટી. (IRS)ની અધ્યક્ષતામાં અરવલ્લી જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ. - At This Time

સાબરકાંઠા સંસદીય મતદાર વિભાગમાં નિમાયેલા ચૂંટણી ખર્ચ નિરીક્ષકશ્રી દયાનંદન ટી. (IRS)ની અધ્યક્ષતામાં અરવલ્લી જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ.


રાજકીય પક્ષ અને ઉમેદવારના ચૂંટણી ખર્ચ પર દેખરેખ નિયંત્રણ માટે સંકળાયેલ વિવિધ ટીમો સાથે બેઠક યોજી.
કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા સાબરકાંઠા સંસદીય મતદાર વિભાગના ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ માટે ચૂંટણી ખર્ચ નિરીક્ષક શ્રી દયાનંદન ટી.(IRS)ની નિમણૂંક કરવામાં આવી છે. જેમની અધ્યક્ષતામાં શનિવારે અરવલ્લી જિલ્લામાં ખર્ચ સાથે સંકળાયેલા અધિકારીઓની કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી.

અરવલ્લી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી પ્રશસ્તિ પરીકએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાબરકાંઠા સંસદીય મતદાર વિભાગમાં સમાવિષ્ટ જિલ્લાની ત્રણ મતદાર વિભાગના મેનેજમેન્ટ પ્લાનની પ્રેઝન્ટેશન દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી. જેમાં જિલ્લાના મતદારો, પોલીંગ સ્ટેશન, વિવિધ ટીમોની તાલીમ, બીએલઓ, સેકટર ઓફિસર તથા અગાઉની ચૂંટણીઓમાં થયેલ મતદાનની ટકાવારી, એસએસટી, વીવીટી, વીએસટી, એકાઉન્ટીંગ ટીમ, એમસીસી, એમ.સી.એમ.સી ફલાઇંગ સ્કવોર્ડ તથા સ્વીપ સહિતની વિસ્તૃત વિગતો અને ચૂંટણીની તૈયારીઓ અંગે ચૂંટણી ખર્ચ નિરીક્ષકશ્રીને માહિતગાર કર્યા હતા.

ખર્ચ નિરીક્ષક શ્રી દયાનંદન(IRS)એ અરવલ્લી જિલ્લાને સ્પર્શતી આતંરરાજ્ય સરહદે તમામ ટીમોને સતર્ક રહેવા સૂચન કર્યુ હતું તેમજ બેંકોમાંથી થતાં નાણાકીય વ્યહવારો પર ખાસ નજર રાખવા સબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. શ્રી દયાનંદન(IRS)એ અરવલ્લી જિલ્લામાં મુક્ત અને ન્યાયી વાતવરણમાં ચૂંટણી યોજાય તે માટે ચૂંટણી પ્રક્રિયા પારદર્શક હોય તેના પર ભાર મુક્યો હતો.

આ ઉપરાંત ખર્ચ નિરીક્ષકશ્રી દ્રારા જિલ્લામાં રાજકીય પક્ષ અને ઉમેદવારના ખર્ચ સબંધે કરવામાં આવેલ કામગીરી અને નિભાવામાં આવતા રજીસ્ટરો અંગે વિવિધ ટીમો પાસેથી વિગતો મેળવી હતી. ખર્ચ સાથે સંકળાયેલ વિવિધ ટીમોને અપાયેલ તાલીમ અંગે વિસ્તૃત જાણકારી મેળવી હતી. જિલ્લામાં ખર્ચના ડેઇલી રીપોર્ટ ખાસ સબમીટ કરવા પર ભાર મૂક્યો હતો. વધુમાં તેમણે જિલ્લાના અધિકારીઓને સાબરકાંઠા ટીમ સાથે સંકલનમાં રહી સંપૂર્ણ નિષ્ઠાથી લોકશાહીના પર્વને ઉજવે તેવી અપીલ કરી હતી.
આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી પ્રશસ્તિ પરીક, ચૂંટણી ખર્ચ મોનીટરીંગ સેલના ચીફ નોડલ ઓફિસર અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી દીપેન કેડિયા, જિલ્લા પોલીસ વડા શ્રી શેફાલી બરવાલ, આદર્શ આચાર સંહિતા અમલીકરણ અધિકારી શ્રી રાજેશ કુચારા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી વિશાલ પટેલ સહિત ચૂંટણી ખર્ચ સાથે સંકળાયેલ અધિકારીઓ/ કર્મચારીઓ તથા નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

જીતેન્દ્ર ભાટીયા, 9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.