અવસર લોકશાહીનો... - At This Time

અવસર લોકશાહીનો…


એક મતદાન મથક આવું પણ: બોટાદ જિલ્લામાં લોકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા વિદ્યાર્થીઓ જ બન્યા ચૂંટણી દરમિયાન ફરજ પર રહેલા અધિકારીઓ-કર્મચારીઓ અને મતદારો!

બોટાદ જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારીશ્રી વ જિલ્લા કલેક્ટરશ્રી બી.એ.શાહના માર્ગદર્શન હેઠળ સ્વીપ પ્રવૃત્તિ અન્વયે ઉત્કૃષ્ટ કામગીરી

વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022 અન્વયે બોટાદ જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારીશ્રી વ જિલ્લા કલેક્ટરશ્રી બી.એ.શાહના માર્ગદર્શન હેઠળ સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા મતદાર જાગૃતિલક્ષી અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત બોટાદના ગઢડા રોડ સ્થિત ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન ન.પ્રા.શાળા નં. 24ના આચાર્યશ્રી નટવરભાઈ કણજરીયા, શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા નાગરિકોને મતદાન કરવા માટે જાગૃત કરવા અનોખો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો.

વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ દરમિયાન મહત્તમ મતદાન થાય અને નૈતિક મતદાનને પ્રોત્સાહન મળે તે માટે બોટાદ જિલ્લા ચૂંટણી તંત્ર સતત કાર્યરત છે. ત્યારે આવા જ એક પ્રયાસની ફળશ્રૃતિ રૂપે નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળા નં-24ના વિદ્યાર્થીઓ દ્વારા મતદાન કુટિર ઉભી કરવામાં આવી હતી. આટલું જ નહીં ચૂંટણી બૂથનાં અધિકારીઓ, કર્મચારીઓ અને મતદારોની ભૂમિકા પણ વિદ્યાર્થીઓએ જ ભજવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી મતદાન કુટિર પર વાસ્તવિક મતદાન કુટિર જેવા દ્રશ્યો સર્જાયા હતા. આ રીતે બાળકોએ નાગરિકોને મહત્તમ મતદાન કરવા માટે અનુરોધ કર્યો હતો.

આ ઉપરાંત સ્વીપ પ્રવૃત્તિ અન્વયે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડો. ભરત વઢેર તેમજ નાયબ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી પ્રભાતસિંહ મોરીનાં માર્ગદર્શન હેઠળ શાળાઓમાં શેરી નાટક, પત્ર લેખન, ચિત્ર સ્પર્ધા, રેલી જેવી પ્રવૃત્તિઓ દ્વારા બોટાદ જિલ્લામાં વિદ્યાર્થીઓ સામાન્ય ચૂંટણીનો ખ્યાલ આપવાની સાથે-સાથે મતદાનના મહત્વ અંગે નાગરિકોને જાગૃત કરી રહ્યાં છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.