રાજકોટમાં નદીકાંઠે કોઈ પાઉડરના કોથળા ફેંકી ગયા બાદ એમોનિયા ગેસ ફેલાયો : પોલીસ - ફાયર બ્રિગેડ દોડી ગયું - At This Time

રાજકોટમાં નદીકાંઠે કોઈ પાઉડરના કોથળા ફેંકી ગયા બાદ એમોનિયા ગેસ ફેલાયો : પોલીસ – ફાયર બ્રિગેડ દોડી ગયું


રાજકોટમાં માંડા ડુંગરના નદીકાંઠે કોઈ પાઉડરના કોથળા ફેંકી ગયા બાદ એમોનિયા ગેસ ફેલાયો હતો. જેને પગલે પોલીસ - ફાયર બ્રિગેડ દોડી ગયું હતું. કલેકટર તંત્ર અને પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓએ સ્થળ પર પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. સોલીડ એમોનિયા હોવાનું તારણ નીકળ્યું છે.
આ અંગે મળતી વિગત મુજબ ગઈકાલે રાત્રે આઠેક વાગ્યે માંડાડુંગર નજીક આવેલી હરસિધ્ધિ સોસાયટી, પીઠડ આઈ સોસાયટી, માધવ સોસાયટી, ગોકુલ પાર્ક, અને રઘુનંદન સોસાયટીમાં રહેતા લોકોને વિસ્તારમાં તીવ્ર ગંધનો અહેસાસ થયો. થોડી જ વારમાં લોકોની આંખમાં બળતરા થવા લાગી. મોટીવયના લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડવા લાગી હતી. જેથી કોઈએ તુરંત ફાયર બ્રિગેડે જાણ કરી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ તત્કાલ સ્થળ પહોંચી તપાસ કરતા આ સોસાયટી પાસે જ પરશુરામ-3 ઔદ્યોગિક વસાહત હોય, ત્યાં નદીના કાંઠેથી પાઉડરનો જથ્થો અને પાઉડર ભરેલા કોથળા મળી આવ્યા હતા. આ પાઉડરના જથ્થા વરસાદનું પાણી પડતાં પાઉડરમાંથી એમોનિયા ગેસનો ધુમાડો ઉઠ્યો હતો. બનાવના પગલે 10 હજારથી વધુ લોકો પોતાના ઘરમાં પુરાઇ ગયા હતા અને મોઢે રૂમાલ બાંધી તીવ્ર ગંધથી બચવાના પ્રયાસ કરતા હતા. આ અંગે પોલીસને જાણ થતા આજી ડેમ પોલીસ મથકના પીઆઈ એલ.એલ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ અમરદીપસિંહ પરમાર સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
આ તરફ ડેપ્યુટી કલેકટર, નાયબ મામલતદાર, પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ દોડી ગયા હતા. ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવ્યો હતો. સાથે ધૂળ-રેતીનો ઉપયોગ કરી કોથળા દાટી દેવા પ્રયત્ન કરતા રાહત થઈ હતી. પાઉડર પ્રાથમિક દ્રષ્ટિએ સોલિડ એમોનિયા હોવાનું જણાય છે. છતાં નમૂના ચકાસણી માટે મોકલાયા છે. આસપાસ ઔદ્યોગિક વિસ્તાર હોય, કોઈ નાખી ગયાની શંકા છે. વધુ તપાસ કલેકટર તંત્ર અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા હાથ ધરાઈ છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ બનાવ વખતે તુરંત જ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. જરૂર પડ્યે લોકોને વિસ્તારમાંથી બહાર કાઢવા પડે તો તે અંગે પણ તૈયારી રખાઈ હતી જોકે એવી કોઈ કાર્યવાહી કરવાની જરૂર પડી નહોતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.