જન્માષ્ટમી નિમિત્તે બજારમાં રૂ. 500 થી 5 લાખ સુધીના ચાંદીના પારણા - At This Time

જન્માષ્ટમી નિમિત્તે બજારમાં રૂ. 500 થી 5 લાખ સુધીના ચાંદીના પારણા


સુરત, તા. 19 ઓગસ્ટ 2022, શુક્રવાર જન્માષ્ટમીના પર્વને ધ્યાનમાં રાખી ભક્તો ભગવાન શ્રી કૃષ્ણ માટે ખાસના પારણા તૈયાર કરાવતા હોય છે ત્યારે આ વર્ષે બજારમાં રૂ. 500 થી લઈ 5 લાખ સુધીના ચાંદીના પારણા મળી રહ્યાં છે. ભગવાનને ખુશ કરવાની સાથોસાથ ભક્તો ઈન્વેસ્ટમેન્ટ તરીકે પણ પારણાની ખરીદી રહ્યાં છે. ગોકુળ અષ્ટમીએ ભગવાન કૃષ્ણના જન્મોત્સવ બાદ તેમના બાળરૂપને હીચકામાં ઝૂલાવી તેમને ખુશ કરવાનો પ્રયત્ન ભક્તો કરતા હોય છે. ત્યારે ચાંદીના ઓછા ભાવને કારણે ઘણા લોકો પારણુ ખરીદી રહ્યા છે. આ વર્ષે પાંચ કિલો સુધીના ચાંદીના પારણાની ડિમાન્ડ જોવા મળી છે. સુરતના એક વેપારી દ્વારા પાંચ કિલો ચાંદીના પારણાનો ઓર્ડર આપવામાં આવ્યો છે. જેમાં રજવાડી કલાકારી આકર્ષણનું કેન્દ્ર છે. આ અંગે જ્વેલર્સ દીપક ચોક્સીએ કહ્યું કે, આ વખતે ચાંદીના ભાવમાં ઘટાડો થતાં ચાંદીના દાગીનાની ડિમાન્ડ જોવા મળી રહી છે. આ જ કારણ છે કે પારણાની ડિમાન્ડ છે. અગાઉ તેની કિંમત 80 હજાર પ્રતિકિલો સુધી પહોંચી હતી અને ત્યારબાદ કિંમતમાં ઘટાડો થતાં 40 હજાર અને અત્યારે 65 હજાર સુધી છે. ચાંદીના ભાવમાં આવનાર દિવસોમાં વધારો થઈ શકે છે. જેના કારણે હાલ ભાવ ઘટતાં એક બાજુ લોકો ભગવાન માટે પારણા ખરીદી રહ્યાં છે. અમુક લોકો તેને એક ઇન્વેસ્ટમેન્ટ તરીકે પણ જોઈ રહ્યા છે. 5 કિલોના પારણાને રજવાડી ડિઝાઇન આપવા માટે રાજસ્થાની કારીગરો પાસેથી તૈયાર કરાવડાવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.