સુરતના ખાડી પુર અસરગ્રસ્તો સાથે ક્રૂર મજાક કરતું તંત્ર - At This Time

સુરતના ખાડી પુર અસરગ્રસ્તો સાથે ક્રૂર મજાક કરતું તંત્ર


-પાલિકાએ પુર અસરગ્રસ્તોને આપેલા ફૂડ પેકેટ વાસ મારતા નીકળતા લોકોએ કચરામાં ફેંક્યા -પાલિકા તંત્ર શાસક અથવા વિપક્ષનો કોઈ પ્રતિભાવ નહીં: સ્થાનિક કોંગ્રેસના નેતાઓએ અસરગ્રસ્તો માટે ફુડપેકેટની વ્યવસ્થા કરીપ્રતિનિધિ દ્વારા, સુરત, ગુરુવારસુરતમાં ખાડી પુર અસરગ્રસ્ત વિસ્તારમાં સતત ત્રીજા દિવસે પાણી ઉતર્યા નથી ત્યાં પાલિકા તંત્ર દ્વારા અસરગ્રસ્તોને આપવામા આવેલા ફુડ પેકેટ બગડેલા અને વાસ મારતા હોવાથી અસરગ્રસ્તોએ ફૂડ પેકેટ કચરાપેટીમાં ફેંકી દીધા હતા. અસરગ્રસ્તોને આપવામા આવેલા ફૂડ પેકેટ બગડેલા નિકળતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે હજુ પાલિકા, શાસક કે વિપક્ષ કોઈએ પ્રતિક્રિયા આપી નથી તો બીજી તરફ સ્થાનિક કોંગ્રેસના નેતાઓએ અસરગ્રસ્તો માટે ફુડ પેકેટ ની વ્યવસ્થા કરી હતી. સુરત જિલ્લામાં પડેલા દે માર વરસાદના કારણે  શહેરના કેટલાક વિસ્તારોમાં મીની પુર જેવી સ્થિતિ છે આજે ત્રીજા દિવસે પણ ખાડી છલોછલ છે અને પુર અસરગ્રસ્ત કેટલાક વિસ્તાર માંથી હજી પણ પાણી ઓસર્યા નથી. પુર અસરગ્રસ્ત વિસ્તારમાં પાલિકાએ અસરગ્રસ્તો માટે પાણી, ફુડ પેકેટ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ આજે સણીયા હેમાદ વિસ્તારના પુર અસરગ્રસ્તોને અપાયેલા ફૂડ પેકેટ થી વિવાદ ઉભો થયો છે. પાલિકાએ આપેલા ફુડ પેકેટ બગડેલા અને વાસ મારતા હોવાથી લોકોએ 500થી વધુ ફૂડ પેકેટ કચરાપેટીમાં ફેંકી દીધા હતા. પૂરના પાણીના કારણે આમ જ લોકોના બે હાલ છે તેમાં તેમને આપવામાં આવેલા ફૂડ પેકેટ વાસ મારતા હોવાથી લોકોની ક્રુર મજાક થઈ રહી હોવાના આક્ષેપ સાથે  તંત્ર સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ અંગેની જાણ થતાં સ્થાનિક કોંગ્રેસના નેતાઓએ તાત્કાલિક બે હજારથી વધુ ફૂડ પેકેટ તૈયાર કરીને અસરગ્રસ્તોમાં વિતરણ કર્યું હતું. પૂર અસરગ્રસ્તોને આપવામા આવેલા વાસી ફૂડ પેકેટના કારણે પાલિકાની ઈમેજને ધક્કો પહોંચ્યો છે પરંતુ હજી સુધી બગડેલા ફૂડ પેકેટ અસરગ્રસ્તો પાસે કેવી રીતે પહોંચ્યા તે માટે તંત્રએ કોઈ ખુલાસો કર્યો નથી. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.