ભાજપે જમ્મુ અને કાશ્મીરને તેની 'પ્રયોગશાળા' બનાવી છે : મહેબૂબા - At This Time

ભાજપે જમ્મુ અને કાશ્મીરને તેની ‘પ્રયોગશાળા’ બનાવી છે : મહેબૂબા


શ્રીનગર, તા.૧૮જમ્મુ-કાશ્મીરમાં અન્ય રાજ્યના લોકોને મતાધિકાર આપવાની મુખ્ય ચૂંટણી કમિશનર હૃદેશ કુમારની જાહેરાત અંગે આક્રમક પ્રતિક્રિયા આપતાં ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ ઓમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તીએ કેન્દ્ર પર હુમલો કર્યો હતો. ચૂંટણી પંચના આ નિર્ણયનો જમ્મુ-કાશ્મીરમાં વિપક્ષે ભારે વિરોધ કર્યો છે.જમ્મુ-કાશ્મીરના મુખ્ય ચૂંટણી કમિશનરે બહારના લોકોને મતદાનનો અધિકાર આપવાની જાહેરાત કર્યા પછી પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)ના અધ્યક્ષ મહેબૂબા મુફ્તીએ ભાજપ પર જમ્મુ-કાશ્મીરને તેના 'પ્રયોગો માટે પ્રયોગશાળા' બનાવવાનો આક્ષેપ કર્યો છે. સાથે જ તેમણે કહ્યું કે, નોકરી, શિક્ષણ અથવા વેપાર માટે જમ્મુ-કાશ્મીરમાં રહેતા અન્ય રાજ્યના લોકોને મતદારો તરીકે નોંધણી કરાવવાની મંજૂરી આપવાનો ચૂંટણી અધિકારીનો નિર્ણય અહીં 'લોકતંત્રની હત્યા કરવા સમાન' છે. આ નિર્ણય અહીં લોકતંત્રના તાબૂતમાં અંતિમ ખીલા સમાન છે. આ પહેલાં સીમાંકન પંચના માધ્યમથી ગેરરીતી આચરવામાં આવી હતી. ભાજપ જમ્મુ-કાશ્મીરમાં પ્રયોગ કરે છે અને પછી આખા દેશમાં તેનું પુનરાવર્તન કરે છે. ભાજપ આખા દેશમાં ચૂંટણીમાં ગેરરીતીઓ આચરે છે.દરમિયાન નેશનલ કોન્ફરન્સના વડા ફારૂક અબ્દુલ્લાએ આ મુદ્દે ચર્ચા કરવા માટે સોમવારે તેમના નિવાસસ્થાને વિપક્ષની બેઠક બોલાવી છે. ભાજપ સિવાય બધા જ પક્ષોને આ બેઠક માટે આમંત્રણ અપાયું છે. ચૂંટણી પંચના નિર્ણય પછી ભવિષ્યની રણનીતિ તૈયાર કરવા માટે આ બેઠક બોલાવાઈ છે. કોંગ્રેસે હજુ સુધી ચૂંટણી પંચના નિર્ણય અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી, પરંતુ પીડીપી અને નેશનલ કોન્ફરન્સ આ મુદ્દે આક્રમક થઈ ગયા છે. બંનેનો આક્ષેપ છે કે ભાજપ તેના રાજકીય લાભ માટે ચૂંટણી પંચ પાસે આવા નિર્ણયો લેવડાવી રહ્યો છે.મહેબૂબા અને ફારૂક અબ્દુલ્લાના આક્ષેપોનો જવાબ આપતાં ભાજપે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં અત્યારે મોટી સંખ્યામાં હિન્દી ભાષી પ્રદેશોના લોકો રહે છે. પહેલાં માત્ર સ્થાનિક નિવાસીઓને જ મતદાનનો અધિકાર હતો. તેનાથી પીડીપી અને નેશનલ કોન્ફરન્સને જ લાભ મળતો હતો, પરંતુ હવે આ નિર્ણયથી તેમને ડર છે કે જમ્મુ-કાશ્મીરમાં રાજકીય સમીકરણો બદલાઈ જશે અને પોતે હાંસિયામાં ધકેલાઈ જશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.