એટ્રોસિટીના આરોપી સિવિક ચંદ્રનને કેરળની કોર્ટે જામીન આપતાં વિવાદ - At This Time

એટ્રોસિટીના આરોપી સિવિક ચંદ્રનને કેરળની કોર્ટે જામીન આપતાં વિવાદ


(પીટીઆઈ) કોઝિકોડ, તા.૧૮કેરળની કોઝિકોડની સેશન્સ કોર્ટે જાતીય સતામણીના કેસમાં મહિલાએ 'ઉત્તેજક' કપડાં પહેર્યા હોય તો પ્રથમ દૃષ્ટિએ જાતીય સતામણીનો કેસ બને નહીં તેવા ચૂકાદાથી વિવાદ સર્જાયાના બીજા દિવસે સેશન્સ કોર્ટના એ જ જજનો એસસી-એસટી એક્ટના આરોપીને જામીન આપવા અંગે નવો વિવાદ સામે આવ્યો છે. પીટીઆઈના અહેવાલ મુજબ સેશન્સ ન્યાયાધીશે બીજી ઑગસ્ટે એક આદેશમાં ૭૪ વર્ષીય સામાજિક કાર્યકર અને લેખક સિવિક ચંદ્રનને એસસી-એસટી એક્ટ હેઠળના એક કેસમાં એમ કહેતાં જામીન આપ્યા કે તેઓ જાતી વ્યવસ્થા વિરુદ્ધ લડી રહ્યા હોવાથી પ્રથમ દૃષ્ટિએ આ કાયદા હેઠળ તેમના વિરુદ્ધ કેસ બનતો નથી.કેરળની સેશન્સ કોર્ટના ન્યાયાધીશે ૧૨મી ઑગસ્ટે આરોપી સામાજિક કાર્યકર અને લેખક સિવિક ચંદ્રનને એમ કહેતાં જામીન આપ્યા કે આરોપી સિવિક ચંદ્રન સામે પ્રથમદર્શી રીતે શેડયુલ કાસ્ટ એન્ડ શેડયુલ ટ્રાઈબ (એટ્રોસિટી) એક્ટ હેઠળ ગૂનો બનતો નથી, કારણ કે ફરિયાદી મહિલા દલિત હોવાનું જાણવા છતાં તેઓ તેના શરીરને સ્પર્શ કરે તેમ માનવું અશક્ય છે. કોર્ટે દલિત લેખિકા દ્વારા સિવિક ચંદ્રન સામે જાતીય સતામણીના કેસમાં આ નિરીક્ષણ કર્યું હતું. કોર્ટે વધુમાં ઉમેર્યું હતું કે, એટ્રોસિટીના કાયદા હેઠળ ત્યારે જ ગૂનો બને જ્યારે એ સાબિત થાય કે આરોપી જાણતો હોય કે પીડિત વ્યક્તિ એસસી-એસટી સમાજની છે.૭૪ વર્ષીય સામાજિક કાર્યકર અને લેખક સિવિક ચંદ્રન વિરુદ્ધ આ વર્ષે અલગ અલગ સમયે જાતીય સતામણીના બે કેસ દાખલ થયા છે અને તેમને બંને કેસમાં જામીન મળી ગયા હતા. પહેલો કેસ એક દલિત લેખિકાએ ૧૭મી જુલાઈએ કર્યો હતો, જેમાં તેણે આરોપ મૂક્યો હતો કે, ચંદ્રને ૧૭મી એપ્રિલે તેના ગળા પર 'કિસ' કરવાનો પ્રયત્ન કર્યો હતો અને તેની જાતીય સતામણી કરી હતી. આ કેસમાં કોઝિકોડેમાં સેશન્સ કોર્ટે બીજી ઑગસ્ટે તેમને આગોતરા જામીન આપ્યા હતા.સિવિક ચંદ્રને ૧૨મી ઑગસ્ટે જાતીય સતામણીના બીજા એક કેસમાં પણ આગોતરા જામીન મેળવ્યા હતા, જેમાં આ જ કોર્ટના ન્યાયાધીશે નોંધ્યું હતું કે, પીડિત મહિલાએ ઉત્તેજક કપડાં પહેર્યાં હોવાથી પ્રથમદર્શી રીતે કલમ ૩૫૪(એ) (જાતીય સતામણી) હેઠળ ચંદ્રન સામે કેસ બનતો નથી.દલિત લેખિકાની ફરિયાદના સંદર્ભમાં આગોતરા જામીન આપતાં સેશન્સ જજ કે. ક્રિષ્નન કુમારે કહ્યું કે, ઉપલબ્ધ સામગ્રીથી પુરવાર થાય છે કે ચંદ્રન સામેનો કેસ સમાજમાં તેમને બદનામ કરવાનો પ્રયત્ન છે. તેઓ જાતિ વ્યવસ્થા સામે લડી રહ્યા છે અને કેટલીક ચળવળોમાં સામેલ છે. એફઆઈઆર મુજબ આરોપી ચંદ્રન જાણતા નહોતા કે પીડિત લેખિકા એસસી સમાજની છે. આરોપી સુધારાવાદી છે અને જાતિવાદી વ્યવસ્થા વિરુદ્ધ લડે છે તેમજ જાતિવિહિન સમાજ અંગે લખે છે. કોર્ટે ઉમેર્યું કે, એસસી-એસટી (એટ્રોસિટી) એક્ટની વિવિધ જોગવાઈઓ હેઠળ આરોપી સામે પ્રથમદર્શી રીતે કેસ બનતો નથી.સિવિક ચંદ્રન સામે જાતીય સતામણીના અન્ય એક કેસમાં આ જ સેશન્સ કોર્ટે જણાવ્યું હતું કે, આરોપીએ આગોતરા જામીન અરજી સાથે ફરિયાદીની જે તસવીરો રજૂ કરી છે તેનાથી સ્પષ્ટ થાય છે કે ફરિયાદીએ જે કપડાં પહેર્યા છે તે ઉત્તેજક છે. વધુમાં ૭૪ વર્ષની વયે અને શારીરિક રીતે અક્ષમ ચંદ્રન ફરિયાદીનું બળજબરીથી જાતીય શોષણ કરી શકે તેમ માનવું અશક્ય છે. આ સાથે કોર્ટે ચંદ્રનને આગોતરા જામીન આપ્યા હતા. કોર્ટના આ ચૂકાદાના પગલે સમગ્ર દેશમાં ભારે વિવાદ સર્જાયો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.