સગાઈ પહેલા થેલેસેમિયા ટેસ્ટ ફરજીયાત બનાવવા થઇ અપીલ* - At This Time

સગાઈ પહેલા થેલેસેમિયા ટેસ્ટ ફરજીયાત બનાવવા થઇ અપીલ*


*સગાઈ પહેલા થેલેસેમિયા ટેસ્ટ ફરજીયાત બનાવવા થઇ અપીલ*

*થેલેસેમિયા મુક્ત સમાજ બનાવવા માટે સમાજમાં અવેરનેસ જરૂરી:દરેક સમાજમાં થેલેસેમિયા ટેસ્ટ ફરજીયાત બનાવવા હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટે કરી વિનંતી*

થેલેસેમિયા મુક્ત સમાજ બનાવવા માટે દરેક સમાજે થેલેસેમિયા રોગની જાણકારી ફેલાવવી અને સગાઈ પહેલા યુવક-યુવતીનો અવશ્ય થેલેસેમિયા ટેસ્ટ કરાવવા હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટે અપીલ કરી છે.
પોરબંદર હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું છે કે,થેલેસેમીયા મેજર આપણા જીવન માટે પડકારરૂપ, અસાધ્ય અને જીવલેણ રોગ છે.આ રોગમાં બાળકને જન્મના ૩ થી ૧૮ માસમાં જ લોહીની ઉણપના ચિન્હો દેખાવા લાગે છે.આ રોગથી પીડાતા બાળકને નિયમિત વધારાનું લોહી ચડાવવુ પડે છે.જીવનભર પરાયા લોહી પર જીવાડવુ પડે છે.છતા આ બાળકનું આયુષ્ય સામાન્ય રીતે ટૂંકુ હોય છે.આ બાળકના પરિવારને દર પંદર દિવસે એક કે બે બોટલ લોહીની વ્યવસ્થા કરવી પડે છે.વારંવાર લોહી ચડાવવાથી બાળકને શારીરિક બહુ જ કષ્ટ પડે છે. આ બાળકને જીવાડવા માટે મહીનામાં પાંચ હજારથી પચ્ચીસ હજાર સુધીનો ખર્ચ થાય છે.આ બધી જ સારવાર દરમિયાન બાળક અને પરિવાર,શારીરિક, માનસિક ને આર્થિક રીતે પાયમાલ થઈ જાય છે.જો આપણે જાગૃત નહી થાઈએ તો આવનાર સમયમાં આપણો પરિવાર, કુટુંબ અને સમાજ આ ભયંકર રોગના મુખમાં ધકેલતો રહેશે.
થેલેસેમીયા બાળક જન્મવાની શક્યતા ક્યારે?
માતા-પિતા બન્નેની અજ્ઞાનતા અને રોગ વિશે જાણકારી મેળવવાની ગંભીરતામાં બેદરકારીને લઈને તેમના બાળકને વારસામાં આ રોગ મળે છે.જ્યારે પતિ-પત્ની બન્ને માયનોર હોય તો તેમના બાળકોમાં થેલેસેમીયા મેજર ઉતરી આવવાની પુરી શક્યતા રહે છે.

કઈ રીતે અટકાવી શકીએ થેલેસેમીયા રોગને?
“પહેલા કરો થેલેસેમીયાનું નિદાન, પછી જ કરો લગ્નમાં નાચ-ગાન.” ખરેખર તો આપણું બાળક અભ્યાસ કરતું હોય ત્યારે થેલેસેમીયાનો રિપોર્ટ કરાવી લેવો જરૂરી છે.જો રિપોર્ટ થેલેસેમીયા (માયનોર) આવે તો સંતાનની સગાઈની તૈયારી કરીએ ત્યારે સામેનું પાત્ર માયનોર હોય તો આવા સબંધો અટકાવવા જોઈએ.બે માંથી કોઇ એક નોર્મલ હોય તો આવા દંપતીને ત્યાં થેલેસેમીયા બાળક જન્મવાની કોઇ સંભાવના રહેતી નથી. દેશના જાણીતા ફિલ્મી કલાકાર અમિતાભ બચ્ચન પણ થેલેસેમીયા માયનોર છે.પરંતુ તેમના પત્ની નોર્મલ હોવાથી તેમના જીવનમાં કોઇ બાળક થેલેસેમીયા મેજર જન્મેલ નથી. હા અભ્યાસ દરમિયાન આ ટેસ્ટ કરાવવાનું બાકી રહી ગયું તો જ્યારે આપણે સંતાનની સગાઈની તૈયારી કરીએ ત્યારે આ ટેસ્ટ કરાવવો બહુ જ જરૂરી છે.
થેલેસેમિયા મેજરના લક્ષણો
થેલેસેમીયા મેજરની ખબર ૩ થી ૧૮ મહીનાનું બાળક થાય ત્યાં સુધીમાં પડી જાય છે. તેમનામાં ચામડીનો રંગ પીળો પડી જાય છે,કાઇ પણ ખાવા પીવાની ઈચ્છા થતી નથી.ખાધેલુ શરીરમાં ટકતુ નથી.વારંવાર લોહી ચડાવવું પડે છે.લોહીની ઉણપ ના કારણે હાડકાની તકલીફ તેમજ બરોળ મોટી થાય છે.વારંવાર લોહી ચડાવવાથી શરીરમાં લોહત્વ જમા થાય છે. તેથી શરીરના વિભિન્ન અંગોને જેવા કે હૃદય, લિવર, કિડનીને નુકશાન પહોચાડવાની પુરી શક્યતાઓ રહે છે. લોહત્વને શરીરમાંથી ઓછું કરવા માટે નિષ્ણાંત ડોકટરની સલાહ મુજબ દવા તેમજ ઈન્જેક્શન લેવા બહુ જ જરૂરી છે.
વધુમાં રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું છે કે,ખારવા સમાજમાં લગ્ન પહેલા થેલેસેમિયા ટેસ્ટને ફરજીયાત બનાવવામાં આવ્યો છે.જો એ રીતે દરેક સમાજમાં સગાઈ પહેલા થેલેસેમિયા ટેસ્ટ ફરજીયાત બનાવવામાં આવે તો આપણે સમાજને થેલેસેમિયા મુકત બનાવી શકીએ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.