ત્રિકોણબાગની મચ્છોધણી હોટલ સીલ : ગંદકી કરનારા પર તવાઇ શરૂ - At This Time

ત્રિકોણબાગની મચ્છોધણી હોટલ સીલ : ગંદકી કરનારા પર તવાઇ શરૂ


મનપા દ્વારા જાહેરમાં ગંદકી કરતા વેપારીઓ સામે કડક કાર્યવાહી ચાલુ છે ત્યારે કમિશ્નર આનંદ પટેલે એક દાખલા રૂપ કાર્યવાહીમાં આવા વેપારીઓની દુકાન સીલ કરવાના હુકમ છોડતા ફફડાટ ફેલાયો છે. સોલીડ વેસ્ટ વિભાગે ત્રિકોણ બાગ ખાતે આવેલી મચ્છોધણી ચાની હોટલને આવા જ કારણોથી સીલ કરાવી દેતા આ પ્રકારનો ધંધો કરતા વેપારીઓ ને સ્વચ્છતાના ધોરણો પાળવાનો સંદેશો પણ મળી ગયો છે.
ત્રિકોણબાગ ખાતે આવેલ મચ્છોધણી હોટલ દ્વારા જાહેર આરોગ્યને નુકસાન કરે તે રીતે જાહેર ગંદકી તેમજ કચરો કરવામાં આવતો હોય, તા. 23ના રોજ આ બાબતે નોટીસ આપી રૂ.500ના વહીવટી ચાર્જની વસુલાત કરવામાં આવી હતી. આ ઉપરાંત આ હોટલના સંચાલકોને જાહેરમાં ગંદકી ન કરવા તેમજ સ્વચ્છતા જાળવવા અવાર-નવાર સુચના છતાં ગઇકાલે હોટલની આસપાસ ખુબજ ગંદકી તેમજ કચરો જોવા મળેલ હતો. જેથી ગત સાંજે 7 કલાકે મચ્છોધણી હોટલના સંચાલકોને નોટીસ આપીને હોટલને સીલ કરી દેવામાં આવી છે.
આ અંગે કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા શહેરને સ્વચ્છ રાખવા ઉઠાવતી જહેમત વચ્ચે આ અભિયાનમાં લોકો પણ ફરજ બજાવે તે અપેક્ષિત છે. જાહેરમાં ગંદકી કરતા લોકો સામે આ અગાઉ અનેક વખત પગલાં લેવાયા છે, આમ છતાં ક્યાંક કેટલાક લોકો હજુ પણ ભૂલ કરતા રહે છે. આથી વહીવટી તંત્ર કડક પગલાં લેવા મજબુર બને છે. જાહેરમાં સ્વચ્છતાને નજર અંદાજ કરી ગંદકી કરનારા લોકો અને વ્યવસાયી સંકુલો સામે વહીવાટી ચાર્જ, સીલીંગ સહિતના પગલાં લેવામાં આવશે.
આવા આસામીઓ સામે ધી જી. પી. એમ. સી. એક્ટ - 1949ની કલમ - 376 એ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ કાર્યવાહી નાયબ કમિશનર ધામેલીયાના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઇજનેર પરમાર, ઇન્ક્રોચમેન્ટ રીમુવલ ઓફિસર બારીયા તથા નાયબ પર્યાવરણ ઇજનેર જીંજાળા તેમજ વોર્ડની સેનીટેશન ટીમ દ્વારા કરવામાં આવી હતી.
સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત શહેરને તેમજ શહેરની બહારના વિસ્તારો, શહેરને જોડતા હાઇ-વે વિગેરેને સ્વચ્છ કરવા માટે સઘન કાર્યવાહી કરવામાં આવી રહેલ હોય, સતત બેદરકારી બદલ દુકાન, ધંધાનું એકમ સીલ કરવા સુધીના આકરા પગલાં લેવામાં આવશે તેમ અધિકારીઓએ કહ્યું છે.
રાજકોટમાં હવે જાહેરમાં સતત ગંદકી કરતા ધંધાર્થીઓને એક વખત નોટીસ અને તક આપવામાં આવ્યા બાદ બીજી વખત બેદરકારી દેખાય તો તુરંત દુકાન સીલ કરી દેવામાં આવશે તેમ કમિશ્નરે જણાવ્યું હતું.
ત્રિકોણબાગની હોટલને તાજેતરમાં જ દંડ કરી નોટીસ આપવામાં આવી હતી. છતાં મુખ્ય ચોકમાં ગઇકાલે સાંજે પણ રોડ પર ગંદકી દેખાઇ હતી. જાહેરમાં થતું ન્યુસન્સ સ્વચ્છતા અને આરોગ્ય માટે પણ નુકસાનકારક હોય, હવે કડક પગલા લેવા તાકીદ કરી દેવામાં આવી છે.
આ અંગે આજે કમિશ્નરે ડે. કમિશ્નર અને પર્યાવરણ ઇજનેરને પણ સૂચના આપી હતી. હવે ખાણીપીણીના સ્થળો, ચા-પાનની હોટલો અને દુકાનો બહાર સતત અસ્વચ્છતા અને ગંદકી જોવા મળશે તો એક નોટીસ અને દંડ બાદ સીધી મિલ્કતને સીલ કરી દેવામાં આવશે.
આ રીતે માત્ર લાઇનમાં દંડ અને નોટીસની કાર્યવાહી સિવાય આ જગ્યાઓ પર ફરી ગંદકી થતી હોય તો તેનું ચેકીંગ કરવા પણ કમિશ્નરે અધિકારીઓને જવાબદારી સોંપી દીધી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.